નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેક્નોલોજી જેમ જેમ વિકસતી જઈ રહી છે, તેમ લોકો અવનવી તરકીબથી ફ્રોડના શિકાર બની રહ્યા છે. અવાર-નવાર પોલીસ દ્વારા ફ્રોડથી બચવા માટે જાહેરાતો આપવામાં આવતી હોય છે. તેમ છતાં લોકો આખરે ભેજાબાજના શિકારમાં આવી જતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી OLX પર ફ્રોડના બનાવ વધી રહ્યા છે. જોકે અગાઉ અનેક લોકો OLX પર વસ્તુ વેચવા અને ખરીદવા માટે સાયબર ઠગનો શિકાર બન્યા છે. મોટા ભાગે ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં આરોપી પકડાવવા અને રકમ પરત મળવી તેવું જુજ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આજે સાઈબર ક્રાઈમ બ્રાન્ચે OLX પર લાખોનો ચુનો લગાડનારને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના શાહીબાગમાં રહેતા આર્મીજવાનને જૂનુ સોફાસેટ વેચવા માટે OLX પર એડ મુકી હતી. જેથી એક વ્યક્તિએ તેને ખરીદવા માટે આર્મીજવાનને ફોન કરીને સોફાસેટના પૈસા ચુકવવા માટે આરોપીએ ક્યુઆર કોડ મોકલ્યો હતો. જેને આર્મીજવાને સ્કેન કરતા ખાતામાંથી 24,500 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી આર્મીજવાને આરોપીનો સંપર્ક કરતા બીજો ક્યુઆર કોડ મોકલ્યો હતો.
આરોપીએ મોકલેલા બીજા ક્યુઆર સ્કેનને આર્મીજવાને સ્કેન કરતા ખાતામાંથી 3.19 લાખની રકમ ખાતામાંથી ઉપડી ગઈ હતી. આર્મીજવાને આરોપીનો સંપર્ક કરતા તેનો ફોન સ્વીચઓફ આવતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બાબતે આર્મીજવાને ફરિયાદ દાખલ કરતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસના કરતા આરોપીનું લોકેશન રાજસ્થાનમાં જાણવા મળ્યું હતું.
પોલીસે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી આરોપી જબ્બારખાન રહેમુદીન મેઉની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી જે નિમલા ગામ ખાતે રહે છે ત્યાના આજુબાજુ રહેતા યુવાનો OLX ફ્રોડ સાથે સંકળાયેલા છે. આરોપીઓ ગુનાને અંજામ આપવા માઈક્રો એટીએમના મરચન્ટ સાથે સાથગાંઠ કરીને છેતરપીડી કરેલી રકમ સ્પાઈસ વોલેટમાં માઈક્રો એટીએમ થકી લે છે. પોલીસે ધરપકડ કરેલો આરોપી 12 સુધી જ અભ્યાસ કર્યો છે.








