નવજીવન ન્યુઝ. સુરતઃ ગુજરાતની ડાયમંડનગરીમાં GST વિભાગના અધિકારીની કાળી કરતુત સામે આવી છે. સુરત GSTના સુપ્રિટેન્ડન્ટએ રીંફડના નાણાં રીલીઝ કરવા માટે કટકી કરતો હોવાની ફરિયાદ સામે આવતા ACBએ GST વિભાગની ઓફિસમાં જ છટકું ગોઠવતા હસતા મોઢે કટકી કરતા અધિકારીના પરસેવા છુટી ગયા ગતા. ACBની ટ્રેપમાં અધિકારી લાંચ લેતા ઝડપાઈ જતા GST ભવનમાં ફફળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરીયાદી ટેક્ષ કન્સ્લટીંગનું કામ કરે છે. ફરિયાદીએ મિલ માલીકના GST રીફંડના પૈસા પાછા મેળવવા માટેની પ્રોસેસ કરી હતી. જેથી GSTના અધિકારીએ ફરીયાદીનો સંપર્ક કરીને ઓફિસે બોલાવ્યો હતો. ફરિયાદી GSTના અધિકારીને મળવા જતા
રીફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવા માટે ૫,૦૦૦ની લાંચ માંગી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે 5 હજારની લાંચ માંગનાર GSTના સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ જેનો અંદાજીત દોઢ લાખ જેટલો માસિક પગાર છે અને નિવૃત્તિના હવે 8 વર્ષ જ બાકી છે.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરીયાદીની ફરિયાદના આધારે ગતરોજ નાનપુરા જીએસટી ભવનમાં બીજા માળે ACB ટ્રેપીંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.દેસાઇએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગના સુપ્રિટેન્ડન્ટ સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલએ ફરીયાદી સાથે વાતચીત કરી ૫,૦૦૦ ની લાંચની માંગણી કરી રકમ સ્વિકારતા સ્થળ ઉપર પકડાઈ ગયો હતો.
હાલ ACBએ આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ અધિકારીએ રીફંડ રીલીઝ કરવા માટે અગાઉ પણ અનેક લોકો પાસેથી કટકી કરી હોઈ શકે છે. જો જુની ફાઈલો પર નજર નાખવામાં આવે તો હજી પણ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા રહેલી છે.








