નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વારસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વઘારો થઈ રહ્યો છે. જેને લઈને ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે.
ધરોઈ ડેમની જળસપાટી 619.02 ફૂટ નોંધાઈ છે. જેથી ધરોઇ ડેમમાંથી ૭૬,૦૦૦ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા સાવચેતિના ભાગરુપે સાબરમતી રીવરફ્રન્ટનો નીચેનો વોકવે જનતા માટે આજે સવારથી ૯:૩૦થી બંધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી સાબરમતી નદીમાં છોડવામાં આવેલું પાણી વહી ન જાય ત્યાં સુઘી વોકવે બંઘ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. 9 દરવાજા 3 ફુટ અને 10 દરવાજા પુરા ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 35 હજાર ક્યૂસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. જેથી નદીમાં છોડવામાં આવેલુ પાણી આગળ વહી જાય અને નદીમાં જળસપાટી જળવાઈ રહે. પાંચ દિવસ અગાઉ પણ ધરોઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા રિવરફ્રન્ટનો નીચેનો વોકવે જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો.








