નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં ગણેશ મહોત્સવ આવતા જ ઠેર ઠેર ગણપતિની મૂર્તિનું સ્થાપન અને ડીજેના તાલે ઝૂમવાનું ચાલુ થઈ જાય છે. હજુ ગણેશ મહોત્સવને થોડા સમયની વાર છે તેમ છતાં કેટલીક જગ્યાએ અત્યારથી ગણપતિની મૂર્તિઓ સ્થાપવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં આવી જ રીતે ગઇકાલે રાતે એક સોસાયટીના રહીશો દ્વારા ગણપતિની મુર્તિ સ્થાપના કરવા માટે ડીજે વગાડીને લોકો નાચી રહ્યા હતા, તે સમયે પોલીસ સાથે ઝપાઝપી થઈ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, પરંતુ પોલીસ આ વાતને નકારી રહી છે.
આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર ગઇકાલે રાતના સમયે સુરતના ઉધના વિસ્તારમાં એક સોસાયટીમાં કેટલાક લોકો ગણપતિની મુર્તિ સ્થાપના કરવા માટે ડીજે સાથે ગણપતિની મુર્તિ લઈને આવી રહ્યા હતા. મોડી રાતના સમયે ડીજે વાગતું હોવાને કારણે પોલીસે આ ડીજે બંધ કરવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સોસાયટીના લોકો ઉશ્કેરાઈ જતાં તેમણે પોલીસની PCR વાન ઉપર હુમલો કર્યો હતો અને પથ્થરમારો કરીને જીપને પાછી કાઢી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ સોસાયટીમાં આવી છે અને સોસાયટીના લોકો ગુસ્સાથી પોલીસ સામે બોલી રહ્યા છે અને જીપ ઉપર મારીને જીપને ધક્કો મારી પાછી કાઢી રહ્યા છે. ત્યાર બાદ સોસાયટીના યુવકો દ્વારા અપશબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જીપ ઉપર પથ્થર પણ મરવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે આ તમામ વાતને નકારી કાઢી હતી અને જણાવ્યુ હતું કે આવી કોઈ ઘટના બની નથી.
ઉધના પોલીસ ઈન્સ્પેકટર એચ. એસ. આચાર્યએ જણાવ્યું હતું કે, “સોસાયટીના રહીશો જ્યારે ગણપતિની પ્રતિમા લાવી રહ્યા હતા, તે સમયે તેમના ફેમિલી સાથે ડીજે વગાડીને ડાન્સ કરતા હતા. ત્યારે કેટલાક આસપાસની સોસાયટીના યુવકો પણ ડાન્સ કરતા અંદરોઅંદર તકરાર થઈ હતી. જે અંગે તેમણે કંટ્રોલમાં કોલ કરીને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં દ્વારા વર્ધી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મોડી રાત સુધી ડીજે ચાલુ હોવાના કારણે પોલીસે ડીજે બંધ પણ કરાવ્યુ હતું. બીજી કોઈ ઘટના થઈ નથી. જેથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.”








