નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રસ્તા પરથી પસાર થતાં ટ્રક આગળ જંપ લાવીને એક યુવાને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના જોઈ રસ્તા ઉપર રહેલા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા અને યુવકને બચાવવા દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને પંચનમાં સહિતની કાર્યવાહી કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક યુવકે અચાનક જ રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ટ્રકની વચ્ચે પડતું મૂક્યું હતું અને જીવન ટૂંકાવ્યું હતું. આ સમગ્ર ઘટના રાજકોટ પોલીસ દ્વારા લગાવવામાં આવેલા CCTVમાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પંચનામા સહિતની કાર્યવાહી કરીને યુવકનો મૃતદેહ હોસ્પિટલ મોકલ્યો હતો.
CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઊભો હતો તે સમયે ત્યાંથી એક ટ્રક પસાર થાય છે. ટ્રકનું આગળનું ટાયર પસાર થઈ ગયા બાદ યુવક ટ્રકના પાછળના ટાયર આગળ પડતું મૂકે છે. ચોકડી પર હજાર ટ્રાફિક જવાનની નજર પડતાં તે આ યુવકને બચાવવા દોડે છે, પરંતુ ત્યાં સુધી યુવકનું મૃત્યુ થઈ ગયું હતું.
બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે અકસ્માત મોત નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મૃતક યુવકની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા યુવકની ઓળખ અને પરિવાર અંગે તપાસ કરવામાં આવી રહી છે, તેમજ યુવકે આવું પગલું કેમ ભર્યું તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.








