નવજીવન ન્યૂઝ. વડોદરા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે, એમાં પણ જાહેર રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે ઘણી વાર અકસ્માત સર્જાય છે. ગઈ કાલે જ વડોદરામાં એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ રખડતા ઢોર અને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ આજે વડોદરાના જાહેર રોડ પર જે પોસ્ટર લાગ્યા છે તે જોઈને કદાચ તંત્ર જાગે અને કોઈ અસરકારક કામગીરી કરે તેવું માનવમાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી. જેને પગલે આજે વડોદરાના એક જાગૃત નાગરિક લોકેશ ત્રિપાઠીએ વડોદરાના જાહેર રસ્તાઓ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “છેલ્લા એક વર્ષથી આ થાંભલાની લાઇટ બંધ છે, કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી સ્ટ્રીટ લાઈટ ખાતાના અધિકારીની રહેશે. જેની નોંધ લેવી.”
આ પ્રકારના પોસ્ટર લગાવવા વાળા લોકેશ ત્રિપાઠી જણાવે છે કે, “હું છેલ્લા ઘણા સમયથી આ અંગે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ તેઓ કોઈને કોઈ બહાના કરીને મારી વાત ટાળતા આવ્યા છે. મને થોડા દિવસ અગાઉ આવા પોસ્ટર લગાવવાનો વિચાર આવ્યો હતો, પણ ગઇકાલે જ મારા જાણીતા એક વ્યક્તિનું તંત્રની બેદરકારીના કારણે મૃત્યુ થયું હતું. એટલે મે આજે જ આ પોસ્ટર લગાવી દીધા છે અને સંબંધિત અધિકારીઓને આ અંગે ફોન કરીને જાણ પણ કરી દીધી છે.”








