નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે નદી-નાળામાં પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે અમદાવાદ ગ્રામ્યના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના 24 દરવાજા ફ્રી ફ્લો સાથે ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે શહેરીજનો માટે રિવરફ્રન્ટ વોક વે બંધ કરવામાં આવ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી 70 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે, આજે વધુ 1 લાખ ક્યૂસેક છોડાવામાં આવે તેવી શક્યતા છે. જેના કારણે વાસણા બેરજના 24 દરવાજા ફ્રી ફ્લો સાથે ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 21 હજાર 630 ક્યુસેક પાણી સવારે 7 વાગ્યે છોડવામાં આવ્યું છે. ગાંધીનગરના સંત સરોવરમાં સતત પાણીની આવક થતાં સંત સરોવરમાંથી 7800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાસણા બેરેજની કુલ સપાટી 127 ફુટ પર પહોંચી છે. બપોર સુધીમાં વધારે પાણી છોડવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે.
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે સવારે પાંચ વાગે ૫,૫૪૮ ક્યુસેક્સ પાણીની આવક થઈ હતી. પરંતુ લાકરોડા બેરેજમાંથી ૬૬,૨૧૫ ક્યુસેક્સ પાણી છોડવામાં આવતા સંત સરોવરે સવારે 7.30 પછી મોટા પ્રમાણમાં પાણી આવવાની સંભાવના કારણે સંત સરોવરના તમામ 21 દરવાજા ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવશે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીને અમદાવાદના વાસણા બેરેજ સુધી પહોંચવામાં 36 કલાક જેટલો સમય લાગતો હોય છે.
સાબરમતી નદી બે કાંઠે થતાં ગાંધીનગર અને અમદાવાદનું તંત્ર સતર્ક થયું છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ગઈકાલ રાતથી જ અમદાવાદ રીવરફ્રન્ટનો નીચેનો વોક વે શહેરીજનો માટે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત નદીમાં ચાલતી વોટર એક્ટીવીટીના સામાનો અને બોટ્સ પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પાણીની આવક વધતા ગઈકાલે વાસણા બેરેજના 8 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા હતા.








