નવજીવન ન્યૂઝ. જામનગર: આપણે તાજેતરમાં જ એક મહામારીમાંથી બહાર આવ્યા છે. તેમ છતાં આપણાં દેશમાં અન્ય એક મહામારી મોટા પ્રમાણમાં છે, ઘણા લોકો તો આ મહામારીથી અજાણ જ છે. આ મહામારીનું નામ છે કુપોષણ. WHO દ્વારા પણ કુપોષણને વૈશ્વિક સમસ્યા જાહેર કરવામાં આવી છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. આપણાં દેશના ઘણા બાળકો કુપોષણનો શિકાર બન્યા છે, પરંતુ હવે તેની સામે લડવા માટે જામનગરના એક આયુર્વેદિક ડોક્ટરે ખાસ પ્રકારના બિસ્કિટ બનાવ્યા છે.
જામનગરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (INSTITUTE OF TEACHING AND RESEARCH IN AYURVEDA)ના ડોકટરે એક અગત્યની શોધ કરી છે, જે કૂપોષિત બાળકોને કુપોષણ સામે રક્ષણ આપવાનું કામ કરશે. આ ઇન્સ્ટીટ્યુટના ડોક્ટર દ્વારા એક બિસ્કીટની શોધ કરવામાં આવી છે. આ બિસ્કિટ કૂપોષિત બાળકોના વજનમાં વધારો કરશે સાથે જ તેમની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરશે.
જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદમાં ફરજ બજાવતા ડૉ. વી. કે. કોરીની ટીમે આ રિસર્ચ અંગે જણાવ્યું હતું કે, “દુનિયામાં કુપોષણ એક મહામારી છે, દુનિયામાં 144 મિલિયન બાળકો કુપોષિત છે, જેમાં એશિયામાં જ 54 ટકા બાળકો કુપોષિત છે. એમાં પણ જો ભારતની વાત કરીએ તો નેશનલ ફેમિલી હેલ્થ મિશન દ્વારા દર 10 વર્ષે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં 23 ટકા બાળકો કુપોષિત છે. આ સમસ્યાને દૂર કરવા માટે વર્ષોથી આયુર્વેદમાં ડોક્ટરો દ્વારા રિસર્ચ કરવામાં આવે છે. વર્ષોના રિસર્ચ બાદ ન્યુટ્રીસનથી ભરપૂર આયુર્વેદિક બિસ્કિટ બનાવવામાં આવ્યા છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, “સામાન્ય રીતે બાળકો દવાના નામથી દૂર ભાગતા હોય છે, જેના કારણે અમે ન્યુટ્રીશનથી ભરપૂર બિસ્કિટ બનાવ્યા છે. આ બિસ્કિટમાં અનેક જડીબુટી મિક્સ કરી છે, જેથી બાળકોને સંપૂર્ણ જરૂરી તમામ પોષણતત્વો મળી રહે. હાલ આ બિસ્કિટ બે વર્ષથી લઈને દશ વર્ષના બાળકોને આપવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં અડધૂ બિસ્કિટ આપવામાં આવે છે, ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે ડોઝ વધારવામાં આવે છે. આ બિસ્કિટ આયુર્વેદ ડોક્ટરને પૂછી જ ને લેવાનું જણાવવામાં આવ્યું છે.”








