નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અને દેશમાં હાલ કથિત રાષ્ટ્રવાદી લોકો દ્વારા અવાર-નવાર ગાંધીજી અને તેમના અનુયાયીઓનું અપમાન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આવું કરેને તેઓ રાષ્ટ્રવાદી છે તેવું દેખાડવામાં આવે છે. ગાંધીજીને અપમાનિત કરીને તેઓ ગર્વ અનુભવે છે. ખરેખર તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અપમાન કરવું તે દેશદ્રોહ જેવો ગંભીર ગુનો છે, પરંતુ આ કથિત રાષ્ટ્રવાદીઓ આવું કૃત્ય કરીને ખુલ્લેઆમ ફરે છે અને આપણી રાષ્ટ્રવાદી સરકાર તેમની સામે કોઈ પગલાં પણ લેતી નથી. સરકારને માત્ર ગાંધીજીના નામનો ઉપયોગ કરીને નામના મેળવવી છે.
તજતેરમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશના કવિ દેવ ક્રુષ્ણ વ્યાસ દ્વારા આઝાદીની ચળવળમાં ગાંધીજીને ખલનાયક બનાવીને એક કવિતા રજૂ કરવામાં આવી હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો, પરંતુ હજુ સુધી આ રાષ્ટ્રવાદી કવિ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગત 31 જુલાઈએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં વક્રોક્તિ એ છે કે આઝાદી કા અમૃત મહોત્સવમાં જ ગાંધીજીનું અપમાન કરવામાં આવે છે છતાં કવિ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.
આ વિવાદને લઈને હવે ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસ સામે આવ્યું છે અને કવિ સામે ફરિયાદ નોંધવા માટે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં હવે તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી આપી છે.
આ કથિત રાષ્ટ્રવાદીઓ દ્વારા સતત ગાંધીજીનું અપમાન કરવામાં આવે છે, ત્યારે પોતાને ગાંધીવાદી કહેડાવતા લોકો પણ મૌન સેવી લે છે. એક કહેવત છે કે દુર્જનોના ખરાબ કામ કરતા સજ્જનોનું મૌન વધારે નુકસાનકારક હોય છે, આપણાં દેશમાં પણ અત્યારે આવું જ કઈક જોવા મળી રહ્યું છે.








