નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં સીટી બસ વધુ એક વ્યક્તિ અને તેના પરિવાર માટે કાળ સમાન બની છે. બસ સાથેના અકસ્માતમાં એક યુવાન મોતને ભેટ્યો છે. આ યુવકની પત્ની 9 મહિના ગર્ભ ધરાવતી હોવાથી તે પિતા બની પોતાના સંતાનનો ચહેરો જુએ તે પહેલા જ બેફામ હંકારતા બસ ડ્રાઈવરને હાથ ચઢી ગયો અને તેનો જીવ લેવાઈ ગયો હતો. અકસ્માતને પગલે લોકોનું ટોળું દોડી આવ્યું હતું. પોલીસે તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના એવી બની કે, સુરતના રિંગરોડ વિસ્તાર પર આવેલા આદેશ માર્કેટ પાસે સવારે અકસ્માતની ઘટના બની હતી. સ્થાનીકોના જણાવ્યા પ્રમાણે, અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું જે યુવાન અહીં રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બસ ટ્રાઈવર બેફામ સ્પીડ પર આવી રહ્યો હતો. યુવક પાસે ટીફિન હતું એટલે અંદાજ લગાવી શકાતો હતો કે યુવક નોકરી પર જઈ રહ્યો હતો. બસ સાથે અકસ્માત થતા યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માત પછી લોકોની ભીડ દોડી આવી હતી. જે દરમિયાનમાં બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ મૃતકના પરિવારને પણ તેની જાણ કરી હતી. પરિવારને જ્યારે યુવકના મોતની જાણકારી મળી તો તેઓ પર વજ્રઘાત પડી હતી. કારણ આ યુવકના હજુ દસ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને તેની પત્નીને 9 મહિનાનો ગર્ભ છે તેવી વિગતો મળી રહી છે. જેને કારણે આ કરુણ ઘટનાથી પરિજનોમાં શોકની લાગણી હતી.








