નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેકનોલોજી જેમ વિકસતી જાય છે. તેમ છેતરપિંડીના કિસ્સાઓ પણ વધતા જાય છે. ભેજાબાજો અવનવી તરકીબથી લોકો અને બેંકને ઠગતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આ વખતે અમદાવાદમાંથી ઝડપાયેલી ટોળકીની કરામત સાંભણીને તમે પણ ચોંકી ઉઠશો. અમદાવાદમાં બેંકના એટીએમ મશીનમાં છેડા કરીને બેંકને ચુનો લગાવતા બે લોકોને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બે વ્યક્તિ મેવાતી ગેંગના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાયબર ક્રાઈમને માહિતી મળી હતી કે બે શંકાસ્પદ વ્યક્તિ રિલીફ રોડ પર આવેલા એટીએમ મશીનમાં ચેડા કરીને ગેરકાયદેસર રીતે નાણાં ઉપાડી રહ્યા છે. માહિતીના આધારે સાયબર ક્રાઈમની ટીમે કાલુપુર નજીક રિલીફ રોડ પરથી બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની સાયબર ક્રાઈમ લાવીને પુછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
પોલીસ પુછપરછમાં ઝડપાયેલા બંનેના નામ રાહુલ ખાન અને મોહમદ આખીલ ઈલિયાસ હોવાનું જણાવ્યું હતું. જે મુળ હરિયાણાના રહેવાસી છે. બંને વ્યક્તિ દિલ્હીથી ફ્લાઈટમાં અમદાવાદમાં આવ્યા હતા. આ બંને અમદાવાદના કોટ વિસ્તારોમાં જઈને એટીએમ મશિનમાં ચેડા કરીને છેતરપીંડી આચરતા હતા. આરોપીઓ એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા જતા ત્યારે મશીનમાંથી રૂપિયા બહાર આવતી વખતે અડધા નાણા મશીનમાં રહે તે રીતે પકડીને રાખતા હતા. જેથી ટાઈમ આઉટ થઈ જાય તો અડધા રૂપિયા કાઢી લેતા અને અડધા રૂપિયા મશીનમાં પાછા જતા રહેતા. જેની બેંકમાં કોઈ એન્ટ્રી થાય નહીં અને પૈસા નીકળ્યા નથીની બેંકમાં ફરિયાદ આપી સાત દિવસમાં એકાઉન્ટમાં નાણાં રિફંડ પણ મેળવી લેતા.
આરોપીઓએ લાલ દરવાજા પાસે આવેલા સેન્ટ્રલ બેંકના એટીએમમાંથી 14 ટ્રાન્ઝેકશન કરીને 1,40,000 ઉપાડી લીધા હતા. બંને વ્યક્તિઓ છેલ્લા 4 મહિનાથી અલગ-અલગ એટીએમમાં જઈને છેતરપીંડી કરતા હતા. પકડાયેલા આરોપી પાસેથી 39 જેટલા બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા છે. ઉપરાંત એટીએમ મશિનને ખોલવાની 3 ચાવી મળી આવી છે. આરોપીઓ તેમના સગા-સબંધી જોડેથી કાર્ડ લઈને છેતરપીંડી કરતા હતા.








