નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા યંગ ઇન્ડિયનની ઑફિસને સીલ કરવાની સાથે, ગુરુવારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેસમાં કેન્દ્રીય એજન્સીની તપાસને ‘ધમકાવવાની રણનીતિ’ તરીકે ગણાવી હતી. મીડિયા સાથે વાત કરતા, રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘લોકશાહી અને રાષ્ટ્રને બચાવવા’ની તેમની લડાઈ ચાલુ રહેશે અને અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, જે કરવું હોય તે કરી લે અમે લડતા રહીશું.
જૂનમાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાહુલ ગાંધીની પાંચ દિવસમાં લગભગ 50 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
“જો તમે નેશનલ હેરાલ્ડ વિશે વાત કરો છો, તો આખો મામલો ધાકધમકીનો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહને લાગે છે કે થોડું દબાણ કરીવાથી અમે ચૂપ થઈ જઈશું, પરંતુ અમે નહીં ડરીએ. નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકશાહીની વિરુદ્ધ જે કંઈ પણ કરી રહ્યા છે, અમે તેની સામે ઊભા રહીશું,” રાહુલ ગાંધીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ સાથે સંકળાયેલા કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હીમાં યંગ ઈન્ડિયનની ઓફિસને સીલ કર્યા પછી કોંગ્રેસના સાંસદો તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે મળવા માટે તૈયાર થયા છે.
ભાજપ દ્વારા તેમને “દોડવા માટે કોઈ જગ્યા નહીં છોડવામાં આવે” તેવી ધમકી અંગે પત્રકારોના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો કે, “કોણ દોડવાની વાત કરી રહ્યું છે? તેઓ જ છે જે દોડવાની વાત કરે છે અમે નહીં. અમે નરેન્દ્ર મોદીથી ડરતા નથી, તમે જે ઈચ્છો તે કરો, તેનાથી કોઈ ફરક નથી પડતો. હું મારું કામ કરતો રહીશ, એટલે કે લોકશાહીનું રક્ષણ કરવાનું, દેશમાં સૌહાર્દ જાળવવાનું.”
જૂન અને જુલાઈમાં, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ અખબાર અને યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ સાથે તેમની સંડોવણી અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દેખીતી રીતે સેંકડો પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં યંગ ઈન્ડિયન દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અથવા એજેએલ, જે નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવે છે તે કંપનીનું ટેકઓવર અને તે પછીના સોદાનો સમાવેશ થાય છે. દિલ્હી હાઈકોર્ટમાં થયેલી ફરિયાદમાં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો પર ફંડની ગેરરીતિનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.
જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે કોંગ્રેસ કાર્યકરો અને નેતાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન પર ભાજપે પણ વળતો પ્રહાર કર્યો હતો. ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસ લોકશાહી બચાવવા માટે નહીં, પરંતુ રાહુલ ગાંધીની ₹2,000 કરોડની સંપત્તિ બચાવવા માટે વિરોધ કરી રહી છે.
“કોંગ્રેસના નેતાઓ એક તપાસ એજન્સી પર ખુલ્લેઆમ દબાણ લાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે કારણ કે તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લી પડી ગયો છે,” કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 13 જૂને કહ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. “પરંતુ કોઈ પણ કાયદાથી ઉપર નથી, રાહુલ ગાંધી પણ નહીં,” તેણીએ કહ્યું હતું.
ઈરાનીએ આક્ષેપ કર્યો હતો કે કંપનીની માલિકી એક પરિવારને ટ્રાન્સફર કરવામાં આવી. જે અખબારો પ્રકાશિત ન કરે પરંતુ તેના બદલે રિયલ એસ્ટેટ બિઝનેસ બની જાય.








