નવજીવન ન્યૂઝ.કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના મંત્રીમંડળમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ આ સૌથી મોટો ફેરબદલ માનવામાં આવે છે. આજે બપોરે પાંચ નવા ચહેરાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. કથિત મની લોન્ડરિંગ કેસમાં સીએમના નજીકના સાથી પાર્થ ચેટર્જીની ધરપકડના થોડા દિવસો બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરબદલમાં ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં આવેલા બાબુલ સુપ્રિયાને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
કોલકાતામાં નવ મંત્રીઓએ શપથ લીધા. જેમાં બાબુલ સુપ્રિયો, સ્નેહાસિસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજુમદાર, તજમુલ હુસૈન, સત્યજીત બર્મનનો સમાવેશ થાય છે. બિરબાહા હંસદા અને બિપ્લબ રોય ચૌધરીએ સ્વતંત્ર હવાલો સાથે મંત્રી તરીકે શપથ લીધા.
હકીકતમાં, સીએમ મમતા બેનર્જીએ તાજેતરમાં જ SSC કૌભાંડમાં ધરપકડ કરાયેલા પાર્થ ચેટર્જીને કેબિનેટમાંથી હટાવ્યા હતા. આ વિસ્તરણ-કમ-ફેરફાર તેમના ઉદ્યોગ વિભાગ સહિત કેટલાક મહત્વપૂર્ણ વિભાગોની ખાલી જગ્યાઓને કારણે કરવામાં આવ્યો છે.
TMCએ કહ્યું કે 2011માં TMC સત્તામાં આવ્યા બાદ મમતા સરકારનું આ સૌથી મોટું ફેરબદલ છે. બંગાળમાં 2021માં ટીએમસી ત્રીજી વખત શાસન કરી રહી છે. આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે મમતા બેનર્જીની સરકાર શિક્ષક ભરતી કૌભાંડમાં ખરાબ રીતે ફસાયેલી છે. રાજ્યના વરિષ્ઠ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ તેમને કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
હાલમાં મમતા સરકારમાં 21 કેબિનેટ મંત્રીઓ, 10 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી અને નવ રાજ્ય મંત્રીઓ છે. વિધાનસભાના સભ્યોની સંખ્યા પ્રમાણે રાજ્યમાં 44 મંત્રીઓ બની શકે છે.








