નવજીવન ન્યૂઝ. ગોંડલ: સૌરાષ્ટ્રના ગોંડલમાં એક હચમચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. ગોંડલના કમરકોટડા ગામમાં એક યુવાને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, પરંતુ આ કિસ્સામાં ચોંકાવરી ઘટના એ છે કે યુવકે આત્મહત્યા કરતાં પહેલા એક અંતિમ ચિઠ્ઠી લખી હતી, આ નોટમાં યુવકે સિસ્ટમ ઉપર રોષ વ્યક્ત કર્યો છે અને યુવાને જે લખ્યું છે તે ભલભલા માણસને અંદરથી ઢંઢોળી નાખે તેવું લખાણ છે. ગુજરાતમાં અને દેશમાં જેવી રીતે બેરોજગારી વધી રહી છે તેની સીધી અસર યુવાનોના મગજ ઉપર થઈ રહી છે તેનું આ ઉદાહરણ છે.
મૃતક જીવરાજ સરવૈયાએ આત્મહત્યા કરતાં પહેલા લખેલી કથિત અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, “મને ખબર છે મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ.” યુવાને પોતાની ચિંતાનું અને ડિમોટીવેટ થવાના કારણમાં સરકારી ભરતી પરીક્ષા તરફ ઈશારો કર્યો છે. તેના પરથી સમજી શકાય છે કે ગુજરાતનાં બેરોજગાર યુવાનો કેટલી માનસિક પ્રતાડનામાંથી પસાર થઈ રહ્યા છે.
પરંતુ આ અંતિમ ચિઠ્ઠી અહિયાં જ નથી અટકતી અને યુવાન માતા-પિતા, તેમજ બહેન અંગે પણ ભાવુક રીતે લખતો ગયો છે કે, “મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ન કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચુકવ્યા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.
અંતિમ ચિઠ્ઠીમાં યુવાને પોતાની બે ઈચ્છા હોવાનું જણાવ્યુ છે. જેના પરથી યુવાન કેટલો ઉમદા વિચાર ધરાવતો હશે તે સમજી શકાય છે. જીવનને અલવિદા કહેતા પહેલા લખેલી ચીઠ્ઠીમાં યુવક ઈચ્છા વ્યક્ત કરતા લખ્યુ કે, મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવજીવન મળે. બીજી ઈચ્છામાં લખ્યુ છે કે, હું મૃત્યુ બાદની ક્રિયાઓને વ્યર્થ માનું છું માટે મારી પાછળ કોઈ જાતનો ખર્ચ આવી ક્રીયામાં ન કરવામાં આવે તેના બદલે 25-50 વૃક્ષોનું રોપણ કરજો. યુવાને પોતાને વૃક્ષો વાવવા હતા પણ નહીં વાવી શક્યાનો રંજ પણ વ્યક્ત કર્યો છે.
યુવકે જીવન ટૂંકાવતા પહેલા લખેલી અંતિમ ચિઠ્ઠીમાં ભગવાનની સાથે દેશના ક્રાંતકારી વીર ભગતસિંહને પણ યાદ કર્યા છે. યુવાને લખ્યું કે ભગતસિંહ દેશ માટે 23 વર્ષની ઉંમરે ફાંસીના માચડે લટક્યા હતા, પરંતુ હું મારા જીવનથી કંટાળીને આ કરી રહ્યો છું. “ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.”
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








