નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ્સને ફાયર સેફટી બાબતે નોટિસ આપવામાં આવી રહી હતી, ત્યારે થોડા દિવસ અગાઉ ફાયર વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામા આવ્યું હતું કે દરેક હોસ્પિટલમાં ICU વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવો જોઈએ. ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા સરકારી અને કોર્પોરેશન અંતર્ગત આવતી હોસ્પિટલ્સને પણ ICU બેડ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવા જોઈએ તેવી એક નોટિસ આપી છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ફાયર વિભાગ દ્વારા આવો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ત્યારે ખાનગી હોસ્પિટલ્સ દ્વારા ફાયર વિભાગના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તો ફાયર વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ્સને પણ આવી નોટિસ આપી દીધી છે અને જો આ નિયમનું પાલન એક અઠવાડીયામાં નહીં કરવામાં આવે તો કોર્ટને જાણ કરવામાં આવશે તેવું પણ ફાયર વિભાગ દ્વારા કહેવામા આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટા ભાગની સરકારી હોસ્પિટલ્સમાં ICU વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નથી. મણિનગરની LG હોસ્પિટલમાં ICU વિભાગ નવમા માળે આવેલો છે. SVP હોસ્પિટલમાં ICU વિભાગ નવમા અને દસમા માળે છે તેમજ 2થી 6 માળ સુધી પણ ICU છે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં પહેલેથી જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU આવેલું છે. ત્યારે હવે એક જ અઠવાડિયામાં બધી ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ ICU ગ્રાઉન્ડ ફ્લોર પર કેવી રીતે ઊભું કરશે તે એક અગત્યનો સવાલ છે.








