Friday, May 1, 2026
HomeGujaratસુરેશ મહેતા અને હરેન પંડ્યા માનતા કે શાસક ક્યારે હિંદુ મુસ્લિમ હોઇ...

સુરેશ મહેતા અને હરેન પંડ્યા માનતા કે શાસક ક્યારે હિંદુ મુસ્લિમ હોઇ શકે નહિ

- Advertisement -

પ્રશાંત દયાળ નવજીવન: ગાંધીજી માનતા હતા કે માણસ પોતાની હ્રદયને કોરે તો અંદરથી તેનો મુળ ધર્મ જ બહાર આવે, ગાંધી જન્મે હિન્દુ હતા પણ તેમનું હિન્દુત્વ બીજા કરતા અલગ એટલા માટે પડતુ હતું કે તેમનું હિન્દુત્વ બીનહિન્દુઓને ધીક્કારતુ ન્હોતુ, કોઈ પણ નેતા જયાં સુધી સંગઠનમાં છે ત્યાં સુધી ધર્મ અંગે તેમનો વ્યકિતગત મત કોઈ પણ હોઈ શકે, પણ તે જ નેતા જયારે સંગઠન છોડી શાસક બને છે ત્યારે તેના ધર્મ અંગેનો વ્યકિતગત મત રોજ બરોજની શાસન વ્યવસ્થામાં આડે આવો જોઈ નહીં, હમણાં આપણે ત્યાં ઈંડા અને નોનવેજના મુદ્દે જે વિવાદ ઉભો થયો છે, તે વિવાદ રાજકિય પક્ષનો કોઈ કાર્યકર કરે તો તેનો અધિકાર છે, પણ શાસકે આ વિવાદ અને આવી ઘટનાથી માત્ર પોતાને દુર રાખવાની જરૂર નથી પણ સાથે એક શાસક તરીકે વિચારવાની પણ જરૂર છે, એક બાબતની પ્રસંશા કરવી જરૂરી છે કે ઈંડા-નોનવેજના મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી કે રાજયના લોકોને શુ ખાવુ તે તેમનો વ્યકિતગત નિર્ણય છે તે મામલે સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં, લારી ગલ્લાના મુદ્દે માત્ર નડતરનો પ્રશ્ન છે તે જ પાલિકાનો છે પણ કયો ખોરાક ખાવો તેને નિર્ણય રાજય કરી શકે નહીં.



1995માં કેશુભાઈ પટેલની સરકાર બની અને છ મહિનામાં જ શંકરસિંહની મહત્વકાંક્ષાને કારણે સરકાર તુટી ગઈ, ભાજપ હાઈકમાન્ડે શંકરસિંહ સાથે કરેલા સમાધાનના ભાગ રૂપે કેશુભાઈ પટેલને હટાવી સિનિયર નેતા સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવ્યા હતા, આ ઘટનાને કારણે નરેન્દ્ર મોદી સહિત ભાજપના મોટા વર્ગને શંકરસિંહ સામે ગુસ્સો હતો, સુરેશ મહેતા મુખ્યમંત્રી થયા પછી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયામાં ભાજપ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં શંકરસિંહને બળવામાં ટેકો આપનાર નેતાઓ પણ આવવાના હતા, શંકરસિંહ સામે નારાજ જુથે બદલો લેવાની એક યોજના ઘડી કાઢી, કેટલાંક યુવાનોને ઉશ્કેરી તેમણે શંકરસિંહના સાથીઓને નિશાન બનાવવાનું નક્કી કર્યુ અને તેવુ જ થયુ, કાર્યક્રમ પુરો થતાં બહાર નિકળી રહેલા ભાજપના સિનિયર અને વયોવૃધ્ધ નેતા આત્મરામ પટેલ અને દત્તાજી ચીંરદાસને ઉશ્કેરાયેલા યુવાનો નિશાન બનાવ્યા તેમના માર માર્યો અને કપડાં ફાડી રસ્તે દોડાવ્યા.

આખી ઘટના કેશુભાઈ પટેલના સમર્થકોને પસંદ આવે તેવી હતી, પણ મુખ્યમંત્રી સુરેશ મહેતા ખુબ નારાજ થયા, તેમણે કહ્યુ હું હિંસાનું સમર્થન કરી શકુ નહીં, ભલે અમારી વિરોધી મત ધરાવતા લોકો તેનો ભોગ બન્યા હોય, સુરેશ મહેતાએ પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, આ કાર્યકરો પણ ભાજપના જ હતા છતાં તેમણે કાયદો તોડયો હતો તો પણ મહેતાએ પોલીસને કાર્યવાહીનો આદેશ આપ્યો, આવી જ બીજી ઘટના હતી, વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન નેતા પ્રવિણ તોગડીયાએ પાલિકા દ્વારા રસ્તા ઉપર રહેલા મંદિરો હટાવવાની કાર્યવાહી કરતા તોગડીયા રસ્તા ઉપર આવી ગયા, હિન્દુના મતે ચુંટાયેલી સરકારના શાસનમાં મંદિર કેવી રીતે હટે તેવો મુદ્દો તેમણે ઉભો કર્યો, મુખ્યમંત્રી સુરેશ મહેતાએ કહ્યુ હું ભાજપનો અને બહુમતી હિન્દુ મતોથી ચુંટાયેલી સરકારનો વડો હોવા છતાં શાસક તરીકે મારે શાસક તરીકે વર્તવાનું છે.મારૂ હિન્દુત્વ મારો વ્યકિતગત મત છે મુખ્યમંત્રીને કોઈ ધર્મ હોય નહીં.



આવી જ 1998માં બન્યુ, કેશુભાઈ પટેલની બીજી વખત સરકાર બની, પોતાના પક્ષ સાથે ગદ્દારી કરનાર શંકરસિંહને પ્રજાએ જોરદાર લપડાક મારી હતી, કેશુભાઈ પટેલની સરકારામાં હરેન પંડયા ગૃહ રાજય મંત્રી હતી,. હિન્દુઓના મતથી બનેલી સરકારને કારણે કાર્યકરો જોશમાં હતા, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી મુસ્લિમ વસ્તી ઉપર કોઈને કોઈ કારણે પથ્થરમારો થવા લાગ્યો, પોલીસ પણ મુક પ્રેક્ષક હતી કારણ પથ્થર ફેંકનાર હિન્દુ હતા અને સરકારનો પણ હિન્દુ તરફનું વલણ પોલીસને ખબર હતું, દરિયાપુરના મુસ્લિમો રજુઆત કરવા હરેન પંડયા પાસે આવ્યા, જીંદગીનો મોટો સમય આરઆરએસની શાખામાં પસાર કરનાર હરેન પંડયાએ રજુઆત સાંભળ્યા બાદ સ્થાનિક પોલીસને ઠપકો આપતા કહ્યુ જો હવે મુસ્લિમ વસ્તી ઉપર હુમલો થશે અને પોલીસ નીષ્ક્રીય રહેશે તો તમારી સામે પગલાં ભરવામાં આવશે આ પ્રકારની કોઈ પણ ઘટના ઘટવી જોઈ નહીં જે હરેન પંડયાની 2003માં હિન્દુ હોવાને કારણે હત્યા થઈ તેમણે શાસક તરીકે પોતાનો ધર્મ બાજુ ઉપર મુકી શાસન ચલાવ્યુ હતું.

- Advertisement -

કોંગ્રેસના શાસનમાં અમદાવાદના બુટલેગરોમાં મુસ્લિમ કોમના લોકોનો દબદબો હતો, દારૂના ધંધામાં થતી અધધ કમાણીને કારણે મુસ્લિમ બુટલેગરો ખુબ સમૃધ્ધ થયા, પણ 1998માં સરકાર બદલાઈ, ભાજપની સરકાર આવતા મુસ્લિમ બુટલેગરોએ પોતાના ધંધા સમેટી લીધા હતા, હિન્દુ બુટલેગરો માની રહ્યા હતા કે હવે પોતાનો જમાનો શરૂ થયો છે, પણ પોલીસની ધોંસ યથાવત હતી, હિન્દુ બુટલેગરો પોતાના પરિચીત હિન્દુ નેતાઓ સાથે ગૃહરાજય મંત્રી હરેન પંડયાને મળવા આવ્યા તેમણે રજુઆત કરી કે હવે હમણાં સુધી મુસ્લિમ બુટલેગરો કમાયા છે હવે આપણી સરકાર છે હિન્દુઓ કમાય તો શુ વાંધો છે, હરેન પંડયાએ જવાબ આપ્યો ગુંડો હિન્દુ હોય કે મુસ્લિમ તે ગુંડો જ હોય છે હું સરકાર છુ , સરકારની નજરમાં બધા જ ગુંડા સરખા હોય છે હું આ પ્રકારની કોઈ છુટ હિન્દુ ગુંડાઓને આપી શકુ નહીં. આવા જ શાસકો કોંગ્રેસમાં પણ હતા, ચીમનભાઈ પટેલ અને કોંગ્રેસની સંયુકત સરકારમાં સી ડી પટેલ ગૃહમંત્રી હતા, જામનગરમાં રામાનાથા ગઢવીનો મોટો કારોબાર હતો, રામાનાથા ચીમનભાઈ પટેલનો ખાસ માણસ, પોલીસ તે તરફ જોવાની હિમંત પણ કરે નહીં, પણ જયારે સી ડી પટેલ પાસે આ વિગત આવી ત્યારે તેમણે કહ્યુ ભલે અમારા પક્ષનો હોય પોલીસ તેનું કામ કરશે અને ડીએસપી પી કે ઝાએ રામાનાથા ગઢવીને ત્યાં દરોડા પાડી હથિયારો પકડયા હતા. શાસકે કાયમ શાસક રહેવાનું હોય છે.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular