Friday, May 1, 2026
HomeBusinessનેચરલ ગેસમાં સોદાનું પ્રમાણ ખૂબ ઘટી જતાં ભાવની વધઘટ પણ સંકળાઈ ગઈ

નેચરલ ગેસમાં સોદાનું પ્રમાણ ખૂબ ઘટી જતાં ભાવની વધઘટ પણ સંકળાઈ ગઈ

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): જાગતિક નેચરલ ગેસનો વપરાશ ૨૦૨૨માં સહેજ ઘટાડા તરફી રહેશે, પણ ત્યાર પછીના ત્રણ વર્ષ સુધી રશિયા યુક્રેન યુધ્ધની અસર હેઠળ સર્જાનારી પુરવઠા અછતને લીધે ભાવ વધારો જારી રહેવાને કારણે પણ વપરાશમાં ઘટાડો જળવાઈ રહેશે, એમ આજે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તેના ગેસ માર્કેટ રિપોર્ટમાં જણાવ્યું હતું. વર્તમાન નેચરલ ગેસના ભાવ પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ૫.૭૫ ડોલરને લીધે વીજળી ઉત્પાદકો કોલસા અને અન્ય ઓઇલ તરફ વળી જવાને લીધે આમ પણ માંગને ઘરસારો પહોંચ્યો છે. યૂરોપમાં આગામી શિયાળા પહેલા રશિયા તરફથી સપ્લાયમાં કાપ આવી જતાં, યુરોપ અને આખા વિશ્વમાં પુરવઠા સ્થિતિ ગંભીરતા ધારણ કરી ગઈ છે.


અમેરિકામાં આગામી બે સપ્તાહ સુધી હવામાનની અગાઉની ધારણા કરતાં વધુ ગરમ રહેવાની આગાહી થતાં, ભાવમાં ઘટાડો અટકી વધવા લાગ્યા છે. નેચરલ ગેસમાં સોદાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું હોવાથી ભાવની વધઘટ પણ સંકળાઈ ગઈ છે, શક્ય છે કે ભાવનું વર્તમાન લેવલ વધુ સમય જળવાઈ રહેશે. ગત શુક્રવારે સીએમઇ ગ્રુપ પર એવા ડેટા ફ્લેશ કરવામાં આવ્યા હતા કે કામકાજના બીજા સત્રમાં ઓપન ઇન્ટરેસ્ટ સોદા ખૂબ ઘટી માત્ર ૩૦૩ કોન્ટ્રેક્ટ રહી ગયા હતા. સોદાનું વોલ્યુમ પણ સાવ સામાન્ય ૨.૧૦ લાખ સોદાનું રહી ગયું હતું.

- Advertisement -


અમેરિકાનો બીજા નંબરનો સૌથી મોટી એલએનજી નિકાસ પ્લાન્ટ ફ્રીપોર્ટ ૮ જૂન બંધ થયા પછી, હવે ૨ અબજ ક્યુબિક ફૂટ ઉત્પાદન કરતો થયો છે. લાંબા સમય સુધી આ પ્લાન્ટ બંધ રહેતા આગામી અમેરિકન શિયાળામાં નેચરલ ગેસનો સ્ટોક ખૂબ ઓછો રહેવાની ભીતિ છે. રિફિનિટીવ એજન્સી કહે છે કે આગામી દિવસોમાં એરકન્ડિશનિંગ વપરાશ માટે ગેસ માંગ આ સપ્તાહે વધીને ૯૪.૩ અબજ ક્યુબિક ફૂટ અને ત્યાર પછીના સપ્તાહમાં ૯૬.૬ બીસીફ રહેશે.


આઈઇએ મુજબ અમેરિકાએ પહેલી વખત રશિયા કરતાં વધુ નેચરલ ગેસ પાઇપ લાઇન મારફતે નિકાસ કર્યો છે. આનો અર્થ એ થાય કે યુરોપિયન યુનિયને આ પહેલી વખત રશિયા કરતાં અમેરિકાથી વધુ નેચરલ ગેસની આયાત કરી છે. રશિયન સપ્લાય ઘટી જવાને લીધે યુરોપને એવો સંદેશો પાઠવી દેવામાં આવ્યો છે કે તમારે આગામી શિયાળામાં નેચરલ ગેસનો વપરાશ ઓછો કરવાનો છે.


યુક્રેન યુદ્ધ પછી માર્ચમાં યુરોપ અને અમેરિકા વચ્ચે એવી સંધિ થઈ હતી કે, રશિયન ગેસની ગેરહાજરીમાં અમેરિકા આ વર્ષે ૧૫ અબજ ક્યુબિક મીટર ગેસની સપ્લાય કરશે. યુરોપનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક એ રહેશે કે રશિયન નેચરલ ગેસની સપ્લાયનો ૩૩ ટકા સ્ત્રોત આ વર્ષે જુદાજુદા દેશોમાંથી પ્રાપ્ત કરી લે. રશિયા અને નૉર્વે તરફથી પાઇપલાઇન સપ્લાય અને લિકવીફઆઇડ નેચલ ગેસના શિપમેન્ટ અટકી પડતાં ડચ અને બ્રિટિશ હોલસેલ માર્કેટમાં સોમવારથીજ ભાવ વેગથી વધવા લાગ્યા હતા.

- Advertisement -


યુરોપિયાનોને આખરે ખ્યાલ આવી ગયો છે કે અમેરિકા તેમણે ગેસ અછતમાંથી બહાર કાઢવાની ક્ષમતા ગુમાવી બેઠું છે. તેથી તેમણે વીજળી ઉત્પાદન માટે કોલસાનો વિકલ્પ સ્વીકાર્યે છૂટકો નથી. અમારું માનવું છે કે આખરે યુરોપે રશિયન સપ્લાય તરફ વળવું પડશે, પણ દરમિયાન તેમણે વર્તમાન સ્થિતિ સામે લડી લેવા નવા સ્ત્રોતો વિચારવા જ પડશે. આ ઘટના નેચરલ ગેસના ભાવને ઉપરતળે કરવામાં ભૂમિકા ભજવશે.
ભારત સરકારની માલિકીની ઓઇલ અને ગેસ સંશોધક કંપની બીપીસીએલ એ દાભોલ બેંગલોર ગેસ પાઇપલાઇનના આઈપી-૦૨ ટેપ ઓફ પોઈન્ટથી શરૂ થતી નેચરલ ગેસની ૨૧ કિલોમીટર લાંબી પાઈપ લાઇન વિસ્તરણ શરૂ કરી દીધું છે. આ યોજનાને લીધે દક્ષિણ ભારતથી નેશનલ ગેસ ગ્રીડનું જોડાણ થતાં કોલ્હાપુર જિલ્લાના વડગાંવ સ્ટેશન સુધી નેચરલ ગેસ પુરવઠો મળતો થઈ જશે.


(અસ્વીકાર સૂચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular