પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ખબર છે.. લાલુ બીમાર પડયો છે, જમતો નથી, વાત કરતો નથી, બસ એક જ જગ્યાએ બેસી રહે છે… આ વાત થોડીક જ વારમાં આખી સોસાયટીના છોકરાઓને ખબર પડી ગઈ, બધા ધીરે ધીરે ભેગા થવા લાગ્યા, એક છોકરાએ ડૉકટરની જેમ લાલુના શરીરને સ્પર્શ કરીને કહ્યું તાવ લાગે છે… બીજાએ કહ્યું ના ના તાવ નથી, તેને ઉધરસ થઈ છે… તો ત્રીજાએ તેની બંધ આંખોની પાપણ ઊંચી કરી આંખો તપાસી.. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો હવે શું કરવું? કારણ ડૉકટર પાસે લાલુને કઈ રીતે લઈ જવો…
એક છોકરો બોલ્યો મારી પાસે દવા છે.. મને ઉધરસ થઈ હતી ત્યારે મારી મમ્મીએ મને આપી હતી બે દિવસમાં જ મને સારૂ થઈ ગયું.. આ વાકય પુરૂ થાય તે પહેલા જ બધા છોકરાઓની નજર પોતાની પાસે જાદુઈ ચીરાગ હોવાનો દાવો કરી રહેલા છોકરા તરફ ફરી, બધાની નજરમાં લાલુની દવા મળી ગયાનો ચમકારો હતો. દવાની વાત કરનાર છોકરો બધાની નજર જોઈ પોતાની સાથે બધા સમંત્ત છે તે વાત સમજી ગયો, તે તરત દોડતો પોતાના ઘર તરફ ગયો, એક છોકરો લાલુના માથે હાથ ફેરવી હવે તું સાજો થઈ જઈશ હોં… તે પ્રકારે સાત્વન આપતો હોય તેવું લાગ્યું.
દવા લેવા ગયેલો છોકરો તરત દોડતો પાછો આવ્યો, તેણે ખીસ્સામાંથી એક દવાની બાટલી અને ચમચી કાઢી નક્કી તે ઘરમાં મમ્મીને પુછ્યા વગર જ લાવ્યો હશે તેવું તેના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.. હવે તમને ક્યારનો જે સવાલ થાય છે તે લાલુ કોણ છે.. તો તેની સ્પષ્ટતા કરી દઉ કે લાલુ મારા મિત્રની સોસાયટીનો કુતરો છે… લાલુ બધાનો જ પ્રિય પણ નાના બાળકોનો ખાસ, સવારે સ્કૂલ જતા બાળકોને તેમની સ્કૂલવાન સુધી અચુક મુકવા જાય.. પણ ઘણા દિવસથી લાલુ સ્કૂલવાનને જોતો પણ પોતાની જગ્યાએથી ઊભો થતો ન્હોતો.
આખરે દવા આવી ગઈ, દવા લઈ આવનાર છોકરાએ ચમચીમાં દવા કાઢી, બીજા છોકરાએ પહેલા લાલુને મોંઢુ ખોલ તેવું કહી મોંઢુ ખોલવા વિનંતી કરી, લાલુએ આંખો ખોલી ચમચી તરફ જોયુ અને પાછી આંખો બંધ કરી દીધી. બધા એક બીજા સામે જોવા લાગ્યા હવે શું કરવું… લાલુ તો દવા પીવા તૈયાર જ નથી. એક છોકરો લાલુની નજક આવ્યો, તે દવા ભરેલી ચમચી લઈ ઊભા રહેલા છોકરાને ઈશારો કરતો હોય તેમ કંઈક કહ્યું પેલો આંખોનો ઈશારો સમજી ગયો. પેલો છોકરો લાલુની પાસે જઈ બેઠો અને એકદમ ઝડપે તેણે લાલુના ઉપર-નીચેના જડબાને પકડી તેનું મોંઢુ ખોલી નાખ્યું, તેની સાથે ચમચી પકડીને ઊભા રહેલા છોકરાએ તેના મોઢામાં દવા ઠોંસી દીધી, લાલુ એકદમ ઊભો થઈ ગયો કારણ તેને આવા ડૉકટર્સ સાથે ક્યારેય પનારો પડયો ન્હોતો.
થોડીક દવા કદાચ અંદર ગઈ હશે બાકીની દવા તેણે થુંકી નાખી.. તેમ છતાં ભારતે પહેલી વખત ઉપગ્રહ છોડયો તેનો આનંદ વૈજ્ઞાનિકોને હોય તેના કરતા પણ અનેક ઘણો આનંદ લાલુને દવા આપવામાં આ છોકરાઓને થયો. બે દિવસ પછી ફરી લાલુ હરતો-ફરતો અને રમતો થઈ ગયો, લાલુ માટે બાળકોની દવા કરતા તેમનો પ્રેમ કામ કરી ગયો હશે તેવું મને લાગે છે. આ ઘટના જ્યારે મેં મારા મિત્ર પાસેથી સાંભળી ત્યારે મને લાગ્યું કે સુખી થવું હોય તો સ્વાર્થી થવું પડે. દુનિયામાં જેટલાં લોકો દાન કરે છે તે બધા જ સ્વાર્થી છે, વિશ્વના ધનાઢય લોકો પાસે લખલૂટ સંપત્તિ હતી, છતાં તેમની પાસે આનંદ ન્હોતો, પણ જેવી તેમણે પોતાની સંપત્તિનું દાન કરવાની શરૂઆત કરી તેની સાથે તેમની પાસે શબ્દોમાં ના સમજાવી શકાય તેવો અલૌકીક આનંદ આવ્યો.
દાન આપવુ તે તો માત્ર નિમિત્ત હતું, પણ તેની પાછળ સુખી થવાનો સ્વાર્થ હતો. લાલુ બીમાર પડયો તે સોસાયટીના અનેક લોકોએ જોયું હતું પણ તેમને કોઈ ફેર પડયો નહીં, પણ સ્કૂલવાન સુધી પોતાને મુકવા આવતા લાલુને જોઈ બાળકોને આનંદ થતો હતો, તે આનંદ કદાચ મેકડોનાલ્ડ્સમાં પણ મળતો નહીં હોય, બાળકોએ જે કર્યું તે લાલુ માટે નહીં પણ પોતાના આનંદ માટે કર્યું હતું.
કોઈને મદદ કરવા માટે દરેક વખતે પૈસાની જ જરૂર હોતી નથી, તમારો સમય, તમારા શબ્દો અને એકાદ હાસ્ય પણ કોઈની જીંદગી માટે મહત્વનું બની જતુ હોય છે. નેચરોપેથીની પ્રેકટીસ કરતા મારા મિત્ર મુકેશ પટેલ કહે છે મારી પાસે કબજીયાતની ફરિયાદ લઈ આવતા દર્દીઓને હું કહું છું કે આ બીમારી શારિરીક નથી માનસિક છે, કબજિયાતની બીમારી માત્ર કંજુસોને જ થાય છે.