Tuesday, October 20, 2026
HomeGeneralપત્રકારનું કામ સરકાર બદલવાનું નહી સરકારની વ્યવસ્થામાં રહેલી ખામીઓ દુર કરવાનું છે

પત્રકારનું કામ સરકાર બદલવાનું નહી સરકારની વ્યવસ્થામાં રહેલી ખામીઓ દુર કરવાનું છે

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 1988માં પત્રકારત્વમાં આવ્યો ત્યાર પછી મેં 1992-93ના અમદાવાદના કોમી તોફાનો જોયા અને તેનું રિપોર્ટિંગ પણ જોયુ, આ સમયગાળામાં અમદાવાદમાં વ્યાપાક પ્રમાણમાં તોફાન થયા હતા, હિન્દુ મુસ્લિમ એકબીજાના લોહી માટે તરસ્યા બન્યા હતા અને વાતાવરણ આશંકાઓથી ભરેલુ હતું. પણ અમદાવાદમાં ફરજ બજાવતા હિન્દુ મુસ્લિમ પત્રકારો પોતાનું કામ પ્રમાણિકપણે કરી શકતા હતા, અનેક સ્થળે પત્રકારને અલગ અલગ કોમના ટોળાનો સામનો કરવો પડતો હતો. હિન્દુ પત્રકાર મુસ્લિમ વિસ્તારમાં અને મુસ્લિમ પત્રકાર હિન્દુ વિસ્તારમાં રિપોર્ટિંગ કરવા જતા હતા, પણ જયારે પણ હિન્દુ મુસ્લિમનું ટોળુ પત્રકારને રોકે તેની સાથે પત્રકાર પોતાની ઓળખ આપે એટલે ટોળુ કોઈ પણ કોમનું હોય તે પત્રકાર છે એટલે તેને પોતાની કોઈ કોમ નથી તેવા આદર સાથે ટોળુ તેમને સલામતીપુર્વક રસ્તો આપતુ હતું. પણ 2002માં થયેલા કોમી તોફાન પછી પત્રકારત્વને મળતો આ આદર ક્રમશ તળીયે પહોંચી ગયો.



2002મા ગોધરાકાંડનું રિપોર્ટિંગ કરી હું અમદાવાદ પરત ફરી રહ્યો હતો ત્યારે મને વડોદરાના વાસદ પાસે એક હથિયારબંધ ટોળાએ રોકયો મારો પરિચય માંગ્યો અને મેં કહ્યુ પત્રકાર છુ, તેમણે કહ્યુ પત્રકાર છો તે બરાબર પણ હિન્દુ છો કે મુસ્લિમ. આ પ્રકારનો પ્રશ્ન થવો તે જ આધાતજનક હતો. પત્રકાર ભલે દાવો કરતો હોય કે તેનો પોતાનો કોઈ ધર્મ નથી પણ તેના આ દાવા સાથે મોટા ભાગના લોકો સંમત્ત નથી. વાંક માત્ર ટોળાની માનસીકતાનો જ નથી, કયાંક મોટી ચુક થઈ પત્રકાર પોતાની ફરજ ચુકયો અને સતત તેની ચુક દોહરાતી રહી તેના કારણે પત્રકાર ઉપર પણ હિન્દુ મુસ્લિમનું સ્ટીકર લાગી ગયુ. આવી જ સ્થિતિ સચિવાલય અને રાજકિય રિપોર્ટિંગ કરતા પત્રકારોની પણ થઈ. મે લાંબો સમય સચિવાલય રિપોર્ટિંગની સાથે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીનું રિપોર્ટિંગ પણ કર્યુ. જયારે પણ ચુંટણી આવે ત્યારે પોલીટીકલ રિપોર્ટિંગ કરતા પત્રકારો વચ્ચે મિત્રભાવે ચર્ચા નિકળતી કે બોલો પરિણામ શુ આવશે અને કોની સરકાર બનશે.

ચર્ચાની આખરે બધાનો સુર નિકળતો તો કોઈની પણ સરકાર થાય પત્રકાર તરીકે આપણને શુ ફેર પડે છે. આપણુ કામ રિપોર્ટિંગ કરવાનું છે. પરંતુ 1996 પછી ગુજરાતમાં માહોલ બદલાયો, કેશુભાઈ પટેલની સરકાર ઉથલાવી મુખ્યમંત્રી થયેલા શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી થયા અને નિયમ પ્રમાણે તેમણે ધારાસભ્ય હોવુ જરૂરી હોવાને કારણે તેઓ રાધનપુરથી ચુંટણી લડયા આ ચુંટણીનું રિપોર્ટિંગ ગયેલા પત્રકારો ઉપર શંકરસિંહના ટેકેદારોએ એટલા માટે હુમલો કર્યો કે તેઓ માનતા હતા કે આ પત્રકારો ભાજપના સમર્થકો છે. જો કે આ ઘટના પછી ખબર પડી કે ખુદ શંકરસિંહ જ માનતા હતા આ પત્રકારો ભાજપી થઈ ગયા છે તેના કારણે તેમની સુચનાથી આવુ પરાક્રમ કરવાની તેમના ટેકેદારોએ હિંમત કરી હતી. જો કે જેવુ ગુજરાતમાં થયુ તેવુ 2014 પછી દિલ્હીમાં પણ થઈ ગયુ છે. પત્રકાર બે ભાગમાં વહેંચાઈ ગયેલો દેખાય છે.



જે પત્રકાર સરકારનો કાન પકડવાનું કામ કરતા નથી તેવા પત્રકારો તો સ્વભાવીક રીતે સરકારને ગમતા પત્રકારો છે. પણ જો સરકારનો કાન પકડવાની ગુસ્તાખી કરે છે તેમને સરકાર અને સરકારના સમર્થકો સરકાર વિરોધી માને છે, માત્ર સરકાર વિરોધી માને ત્યાં સુધી પણ વાંધો નહીં તે પત્રકાર ઉપર સહજ આરોપ મુકી દેવામાં આવે છે કે વિરોધ પક્ષના ઈશારે તે સરકારની પરેશાની વધારે છે. આ સ્થિતિને એક લાંબો ગાળો થઈ ગયો છે જેના કારણે પત્રકારોની એક પેઢી બદલાઈ ગઈ છે. નવી પેઢીના મોટા સમુહને તંત્ર નારાજ ના થાય તેવો રસ્તો પસંદ કર્યો છે. જયારે એક નાનો સમુહ છે તે પોતાની ઉપર થતા સતત આક્ષેપ વચ્ચે તંત્રની ખામીઓ શોધી તેને ઉજાગર કરી રહ્યો છે. તે પત્રકાર સરકાર અને તંત્રની ખામીએ ઉજાગર કરે છે, તેની સાથે થતાં પક્ષપાતી વ્યવહારને કારણે તેની અંદર એક પ્રકારની કડવાશ અને ગુસ્સાનો મીશ્રણ થયુ છે.

- Advertisement -

કયા પત્રકારે કેવુ અને કેવી પ્રકારનું પત્રકારત્વ કરવુ તે વ્યકિતગત બાબત છે. આપણે તેની ચર્ચા કરતા નથી, પણ જેઓ આક્રમકતાથી પોતાનું કામ કરે છે, તેવા પત્રકારો જાણે અજાણે એક પાતળી રેખા ઓળંગી જાય છે. કોઈ સરકાર અથવા તંત્રના તમે કાન પકડો ત્યારે સરકાર તમને ગુર્જર રત્ન એવોર્ડથી સન્માનીત કરશે તેવી અપેક્ષા તો રાખી શકાય નહીં. પણ સારો વ્યવહાર પણ કરશે નહીં શકય હશે તો પરેશાન પણ કરશે. આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે પત્રકાર તંત્રની ખામીઓ પ્રજા સામે મૂકવાની બદલે સરકારને પાડી દેવાની ભૂમિકામાં આવી જાય છે. ખુદ પત્રકારને પણ અંદાજ રહેતો નથી કે તે કયારે સરકાર બદલી નાખવાની ભૂમિકામાં આવી ગયો છે, કારણ પત્રકારનું કામ સરકાર બદલવાનું નથી. પત્રકારનું કામ તેની ખામીઓ શોધવાનું છે, સરકારો તો આવતી જતી રહે છે, સરકાર કોની બનશે તે નક્કી કરવાનું કામ પ્રજાનું છે. આજે તે વિરોધ પક્ષમાં છે તે આવતીકાલે સરકાર બનાવે તો પણ પત્રકારની ભૂમિકામાં કોઈ ફેર પડવાનો નથી અને ફેર પડવો જોઈ નહીં. એટલે સરકારને કે વિરોધ પક્ષને પાડી દો તેવી માનસીકતામાંથી પત્રકાર પોતાની બચાવી શકે તો તેમનું પત્રકારત્વ વધુ પરિપકવ થશે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular