પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પાટીદાર આંદોલન વખતે હાર્દિકના જીવને ખતરો છે તેવા આઇબી ઈન્પુટ પછી સરકારએ હાર્દિકને પોલીસ રક્ષણ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ જાસૂસી થવાના ડરે હાર્દિકે પોલીસ રક્ષણ લેવાનું ઇનકાર કર્યો હતો. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી વિપરીત પરિસ્થિતી ઉત્પન થઈ જે રીતે રાજકીય સ્થિતિ નિર્માણ થઈ જેના કારણે હાર્દિકનું રક્ષણ વધારવનું નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાર્દિક પટેલની એક ક્મેન્ટ પણ કારણભુત હોવાનું મનાય છે જેમાં અસમાજીક તત્વોનો ઉલ્લેખ હાર્દિક પટેલે કાર્યો હતો.
હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એક કમાન્ડનું રક્ષણ આપવાનું સરકારે નિર્ણય કર્યો હતો, પરંતુ હાર્દિકે કમાન્ડોનું રક્ષણ લેવાનો ઇનકાર કર્યો હતો. હાર્દિકના ભાજપ પ્રવેશ સામે ભાજપમાં છૂપી નારાજગી છે. ત્યારે પાટીદારનો એક વર્ગ ખૂલીને બહાર આવ્યો છે. આમ સત્તાધારી પક્ષમાં પ્રવેશ પછી હાર્દિકની અસલામતી વધી છે, જેના પગલે ગૃહ વિભાગે હાર્દિકને બે કમાન્ડોનું રક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. જો કે હાર્દિક રક્ષણ સ્વીકારશે કે નહીં તે હજી સ્પષ્ટ થયુ નથી.
બીજી તરફ હાર્દિક પટેલ પાટીદારોને અનામત આંદોલન વખતે થયેલા તોફાનો દરમ્યાન અસામાજિક તત્વો તરીકે ચિતરવા જતાં પાટીદારો વિફર્યા હતા. હાર્દિકના ભાજપમાં પ્રવેશ ઉત્સવ વખતે હું પટેલ ગુજરાત જ્યારે ભડકે બળ્યું હતું, તે માટે પાટીદારો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું કે મેં થોડું સળગાવ્યું હતું. આ બધું કરનારા અસામાજિક તત્વો હતા. આમ પાટીદાર આંદોલન વખતે આંદોલન કરનારાઓ અસામાજિક તત્વો તરીકે ચિતરાતા પાટીદારો વિફર્યા હતા. જે પછી હાર્દિક પટેલને સતત ધમકીઓ મળી રહી હોવાનું કહેવાય છે. આ કારણે ઊંઝા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા પાટીદાર વિસ્તારોમાં હાર્દિકના પોસ્ટર પર કાળા કુચડા ફેરવવામાં આવ્યા હતા. પોતાના પર હુમલો થવાની દહેશત હતી હાર્દિક પટેલે પોલીસ રક્ષણ મેળવવા માટે ભાજપમાં વિનંતી કરી હોવાની વિગતો મળી રહી છે.

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશોત્સવ પછી ભાજપમાં નિર્માણ થયેલી આંતરિક સ્થિતિને ધ્યાનમાં લેતા જાહેરમાં તો હાર્દિક પટેલનો વિરોધ ન કરી શકાય પરંતુ નરેન્દ્ર મોદીના ફોટો સહિતના નેતાઓ સાથેના હાર્દિક પટેલનું સહર્ષ સ્વાગત છે તેની ઉપર કોઈ કુચડો મારે નહીં તેવી દહેશતને પગલે ભાજપ દ્વારા વિવિધ કોર્પોરેશન સત્તાવાળાઓને હાર્દિકના હોર્ડિંગ તાત્કાલીક ધોરણે ઉતારી લેવાની સૂચનાઓ આપી હોવાની જાણકારીઓ મળી રહી છે.
હાર્દિકને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં પ્રવેશ આપવાનો નિર્ણય ભાજપ હાઈકમાન્ડનો છે, હાર્દિકના પ્રવેશોત્સવ વખતે જ મંચસ્થ નેતાઓ જ હાર્દિકના ભાજપ પ્રવેશથી રાજી ન્હોતા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો તેની સામે ભાજપનો એક મોટો વર્ગ નારાજ છે, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગણિત તો કાંઈક જુદા જ હોય છે. હાર્દિકના પ્રવેશના મુદ્દે પ્રદેશ નેતાગીરી સંપૂર્ણ અજાણ હતી, પણ હાઈકમાન્ડનો આદેશ થતાં હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આનંદીબહેનની સામે બેફામ ભાષામાં વાત કરનાર હાર્દિકને સત્કારવો એ પ્રદેશ નેતાઓ માટે મુશ્કેલ કામ હતું. જોકે ભાજપમાં પ્રવેશ મેળવતા પહેલા જ ખુદ હાર્દિકે પોતાના પેજ પર રહેલી એન્ટી બીજેપી અને એન્ટી મોદી પોસ્ટ્સ ડીલીટ કરવાની શરૂઆત કરી હતી. જોકે સોશિયલ મીડિયામાં હજારોની સંખ્યામાં રહેલી આ પોસ્ટ ડીલીટ કરવા માટે કોઈ એજન્સીને કામ આપવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
પ્રદેશની નારાજગી વચ્ચે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવાનો નિર્ણય થયો અને હાર્દિકના હોર્ડીંગ લાગ્યા, ભાજપના પાયાના કાર્યકર અને પાટીદાર આંદોલનમાં જોડાયેલા લોકો માટે આ બહુ કફોડી સ્થિતિ હતી. આમ ભાજપની અંદર અને ભાજપની બહાર બંને સ્થળે નારાજગીનો સૂર હતો, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નિર્ણયને પડકારી શકે તેવો કોઈ નેતા અત્યારે પ્રદેશમાં નથી. હાર્દિક સહિત નરેન્દ્ર મોદી, જે પી નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ અને સીઆર પાટીલનાના ફોટોની સાથે હાર્દિક પટેલનો ફોટો હોય, હાર્દિક પટેલનું સહર્ષ સ્વાગત છે તેવા મથાળા હેઠળ આવા પોસ્ટર્સ લાગ્યા હતા. ભાજપી નેતાઓની હાલત તો કાપો તો લોહી ન નીકળે તેવી હતી.
હાર્દિકનો પ્રવેશોત્સવ થયો અને ખુદ હાર્દિકને પણ સમજાઈ ગયું કે નેતાઓમાં ઉમળકાનો અભાવ છે અને તેની સ્થિતિ ભાગીને લગ્ન કરનાર કન્યા જેવી છે. આમ નારાજગીઓ વચ્ચે આવેલા હાર્દિક પટેલના હોર્ડિંગ્સ પર કોઈ કુચડો મારી દે તો હાર્દિકનું તો ઠીક પણ નરેન્દ્ર મોદીનું અપમાન થાય તેવા ડરે રાજ્યમાં લાગેલા હાર્દિક પટેલના સ્વાગતના હોર્ડિંગ્સ તાત્કાલીક ઉતારી લેવા કોર્પોરેશન સહિત સંબંધિત સત્તાવાળાઓને સૂચનાઓ આપવામાં આવી હોવાની વિગતો મળી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











