તુષાર બસિયા |દેવલ જાદવ (નવજીવન. રાજકોટ) : રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓનલાઈન આઈડી પર રમાતા જુગાર પર લગામ કસાવની શરૂઆત થઈ છે. ઓનલાઈન આઈડી વિદેશથી ચાલે છે તેવી દમ વગરની વાતો પણ થતી હતી, તેમ આઈડી આપનાર દરેક લોકલ બુકીઓ જ નીકળે છે તેના પરથી જણાય છે. તાજેતરમાં જ એલ.સી.બી. ઝોન-1 દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટો રમતા રાજદિપ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાના આરોપીઓ ઓનલાઈન આઈડી મેળવાતા હતા પરંતુ એલ.સી.બી.એ ઝડપેલા આરોપી રાજદિપે પોપટની જેમ તેને આઈ.ડી. આપનાર બુકી ફારૂક અને રઘો ઉર્ફ મેકડોવેલ પટેલનું નામ બોલી ગયો હતો. જેના પરથી સમજી શકાય છે કે પોલીસ કાર્યવાહી કરે તો કથિત રીતે વિદેશ બેસી ઓનલાઈન જુગાર રમાડતા આરોપીઓને પણ ઝડપી શકાય છે.
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ઝોન-1ની ટીમ દ્વારા ઓનલાઈન જુગાર રમતા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. આરોપી રાજદિપ વિરૂધ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એલ.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવતા રાજદિપે બે મોટા ગજાના બુકીનું નામ ઓક્યું હતું. રાજદિપે ઓનલાઈન જુગાર રમવાનું આઈડી ફારૂક અને રઘો ઉર્ફ મેકડોવેલ પટેલએ આપ્યાની કેફિયત આપી હતી. આ મામલે હજુ સુધી પોલીસને મેકડોવેલ પટેલ અને ફારૂક હાથે લાગ્યા નથી.
પરંતુ સવાલ એ છે કે, મોટા ગજાના બુકીઓ ઝડપાય ત્યારે તેમની પાસે આ સોફ્ટવેર ક્યાંથી આવ્યું, વેબ હોસ્ટીંગ ક્યાં કર્યું છે, નાણાની લેવડ-દેવડ, અન્ય ગ્રાહકો કેટલા હતા, આ સોફ્ટવેર ચલાવવા માટેની ટેકનિકલ ટીમ સહિતની માહિતીઓ સામે આવતી નથી. ત્યારે એલ.સી.બી. ઝોન-1 બંને આરોપીને જુગારની જામીન લાયક કલમો મુજબ કાર્યવાહી કરી છુટ્ટા કરે છે કે પછી મોટી કાર્યવાહી કરી ઉદાહરણ પુરુ પાડે છે તે જોવું રહ્યું.
![]() |
![]() |
![]() |