માર્ચમાં ગ્લોબલ વેજીટેબલ ઓઇલના ભાવ અગાઉના તમામ વિક્રમો આંબી ૨૩ ટકા વધ્યા
ઇન્ડોનેશિયાએ પામતેલ નિકાસમાં ભ્રષ્ટાચારના આરોપસર વિલ્માર ઇન્ટરનેશનલના કમિશનરની ધરપકડ કરી
આગામી તેહેવારો અને લગ્નસરાની મોસમમાં પામતેલની માંગ વધતાં ભાવ આસમાને જશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): યુક્રેન સામે રશિયા યુધ્ધે ચડ્યું, ત્યારથી જાગતિક ખાદ્યતેલબજારની પણ આવી બની છે. યુધ્ધને લીધે ખાધ્યતેલની સપ્લાયમાં ગાબડું પડવાને લીધે કેટલાંક યુરોપિયન દેશોમાં તો પ્રત્યેક નાગરિકોને કેટલું તેલ વેચવું તેની યોજનાઓ, સુપર માર્કેટમાં ઘડાઈ રહી છે. બ્રિટિશ રિટેલ કોનસોર્તિયમ કહે છે કે દરેકને આવશ્યક તેલ પુરવઠો ઉપલબ્ધ થાય, તેટલા જથ્થાની ખાતરી ન થાય ત્યાં સુધી આવા નિયંત્રણો ચાલુ રાખવા પડશે. કાળા સમુદ્રના દેશોમાંથી આવતી ૭૬ ટકા સન (સૂર્યમુખી) ઓઇલ આયાત, ગંભીર રીતે મુશ્કેલીમાં મુકાઇ છે.
આખા જગતને થતી કૂલ નિકાસમાથી ૫૦ ટકા કરતાં વધુ પામઓઇલ હિસ્સો ઈન્ડોનેશિયા પૂરો પાડે છે, તેણે ૨૮ એપ્રિલથી નિકાસ પર અનિશ્ચિતકાળ સુધી પ્રતિબંધ મુકવાની યોજના જાહેર કરી છે. ઇન્ડોનેશિયાએ વિલ્માર ઇન્ટરનેશનલના કમિશનર સહિત વેપાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની પામતેલ નિકાસમાં ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરી છે. સોલ્વંટ એકસટ્રેકટર્સ એસોસિયેશન (સી)ના પ્રમુખ અતુલ ચાતુર્વેદીએ કહ્યું હતુ કે, ચીન પછીના સૌથી મોટા આયાતકાર ભારત સહિત આખા વિશ્વના ખાધ્યતેલ પુરવઠા પર ઇન્ડોનેશિયાની નિકાસબંધી જાહેરાતની અસર પડશે. મલેશિયા જે બીજા નંબરે સૌથી મોટો પામતેલ ઉત્પાદક દેશ છે, ત્યાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લીધે મજૂરો મળવા મુશ્કેલ થઈ પડતાં, ઉત્પાદનમાં ગાબડું પડ્યું છે, જે ઇન્ડોનેશિયાની નિકાસઘટ પૂરી કરી શકે તેમ નથી.
ભારતીય ખધયતેલ આયાતકારો કહે છે કે આગામી તેહેવારો અને લગ્નસરાની મોસમમાં પામતેલની માંગ વધતાં ભાવ આસમાને જશે. હાલમાં ભારતમાં ક્રૂડ પામઓઇલ ટન દીઠ ૧૭૬૫ ડોલર સીઆઈએફ (કોસ્ટ ઇન્સ્યુરન્સ એન્ડ ફ્રેટ), મે શિપમેન્ટ શરતે ઓફર થઈ રહી છે. આની સામે ક્રૂડ સોયાતેલનો ભાવ ૧૯૩૦ ડોલર, અને ક્રૂડ સનઓઇલ ૨૧૦૦ ડોલરમાં ઓફર થાય છે. ભારતમાં એપ્રિલમાં પામતેલની આયાત, માર્ચની ૫,૩૯,૭૯૩ લાખ ટનથી વધીને ૬ લાખ ટન અને મેમાં ૬.૫ લાખ ટન થવાનો અંદાજ છે.
ઇન્ડોનેશિયામાં ખાધ્યતેલના ભાવ વર્તમાન વર્ષમાં ૪૦ ટકા વધીને સરેરાશ ૨૨,૪૩૬ રૂપીહા (૧.૫૪ ડોલર) પ્રતિ લિટર થયું છે. હાલમાં મલેશિયામાં ક્રૂડ પામ ઓઇલના ભાવ ગતવર્ષ કરતાં બમણા ટન દીઠ ૬૩૦૦ રિંગીટ (૧૪૭૨.૩૧ ડોલર) બોલાય છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યાર પછી બંને દેશમાંથી સનઓઇલની નિકાસ અટકી પડતાં ભાવમાં ભડકો થયો છે.
અમેરિકન કૃષિ મંત્રાલયની ઈકોનોમિક રિસર્ચ સર્વિસએ તેના ૧૨ એપ્રિલના ઓઇલ ક્રોપ આઉટલૂક અહેવાલમાં કહ્યું હતું કે રશિયા અને યુક્રેનના ઝઘડામાં આખા જગતની ખાદ્યતેલ સપ્લાઈ ખોરંભે પડી છે. આની સીધી આસરે રોટરડામ ખાતે સનઓઇલના ભાવ માર્ચમાં ટન દીઠ ૧૦૦૦ ડોલરની વૃધ્ધિએ ૨૫૭૦ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા હતા. જાગતિક બજારમાં સોયાતેલ અને પામતેલના ભાવ માર્ચમાં અનુક્રમે ૨૧૯ ડોલર અને ૨૩૮ ડોલર વધ્યા હતા. એફઓબી બ્રાઝિલ સોયાતેલ માર્ચમાં, ગતવર્ષના ૫૫૧ ડોલરની તુલનાએ ૪૬ ટકા વધીને ૧૭૫૨ ડોલર થયા હતા.
આ જ પ્રકારે ક્રૂડ પામઓઇલ માર્ચ ૨૦૨૧૧ની તુલનાએ એફઓબી મલેશિયા ૭૨ ટકા વધીને ૧૭૭૮ ડોલર થયું હતું, જે ૨૦૦૭-૦૮ પછીનો સૌથી ઊંચો ભાવ છે. યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફાઓ (ફૂડ એન્ડ એગ્રિકરચર ઓર્ગેનાઇઝેશન)એ, ફાઓ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સને આધારે ૮ એપ્રિલે કહ્યું હતું કે ફેબ્રુઆરીની તુલનાએ માર્ચમાં ગ્લોબલ વેજીટેબલ ઓઇલના ભાવ અગાઉના તમામ વિક્રમો આંબીને ૨૩ ટકા વધ્યા હતા. ફાઓ કહે છે કે સૌથી વધુ ભાવ વધારો સનફ્લાવર, પામ, સોયા અને રાયડાતેલમાં થયો હતો.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |











