તુષાર બસિયા(નવજીવન ન્યૂઝ. રાજકોટ): રાજ્યમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટા વિદેશથી ચાલે છે અને તેના સુધી નથી પહોંચી શકાતું આવી એક વાર્તા ખડી કરી દેવામાં આવી છે. 10 એપ્રિલના રોજ ઝડપાયેલા ઓનલાઈન ક્રિકેટ સટ્ટામાં ઉપરના બુકીઓના નામ ખુલવા પામતા ચકચાર મચી હતી. આ ખુલેલા નામમાં મહેશ આસોદરીયા કોણ છે તે મામલે પોલીસ પણ બોલવા તૈયાર ન હતી તે સમયે નવજીવન ન્યૂઝે સુત્રો કામે લગાડી હિંમત સાથે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો કે આરોપી મહેશ આસોદરીયા પૂર્વ મંત્રી રાદડિયાની નજીકના અને લોધીકા સંઘના બેંકના પ્રતિનિધી પોતે જ છે. આ માહિતી પ્રસિધ્ધ થતા આરોપી મહેશનું ભીનુ સંકેલવાની ભાવના ઠરીને ઠામ થઈ ગઈ હતી. ત્યારે હવે રાજકોટનું સહકારી રાજકારણ ફરી ગરમ થયું છે.
રાજકોટમાં આ ઘટના બાદ સહકારી ક્ષેત્રે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની ટીમ એક સ્ટેપ પાછળ ખસે તેવી સ્થિતી સર્જાઈ છે. રાદડિયાની વિરોધી ટીમે પ્રદેશ ભાજપમાં મહેશ આસોદરીયાને લઈ રજૂઆત પણ કરવાનો પ્લાન ઘડી લીધો છે. મહત્વની વાત છે કે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ પ્રદેશના આદેશથી આસોદરીયાને મેન્ડેટ આપ્યું હતું, સાથે જ પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો પણ મહેશ આસોદરીયાને રાજકોટ લોધિકા સંઘમાં સેટ કરવા પુરતો સહકાર મળ્યો હોવાનું કહેવાય છે. ટુંકમાં હવે રાજકોટના સહકારી ક્ષેત્રે બદલાની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.
રાજકોટમાં ઓનલાઈન સટ્ટાના આરોપી તરીકે મહેશ આસોદરીયાનું નામ ખુલવા પામ્યું હતું. ત્યારે આ સટ્ટાના કાંડ ગામેગામ રાજકીય અને પોલીસના ઓથ હેઠળ ચાલે છે તે વાતને બળ મળે છે. સાથે જ આ ઓનલાઈન સટ્ટા નેટવર્ક વિદેશથી ચાલતા હોય ઝડપી નથી શકાતાની વાતને પુર્ણ વિરામ પણ મળે છે. રાજકોટના ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલની નિમણૂંક બાદ થયેલી આ મોટી કાર્યવાહીને તેમની સફળતા માનવામાં આવે છે. ત્યારે આજરોજ ડીસીપી ગોહીલે મીડિયાને જણાવ્યું છે કે, સટ્ટો રમવા કે રમાડવાની પ્રવૃત્તિને ચલાવી નહીં લેવાય. FSLની મદદ લઇને પ્રાઇવેટ ક્રિકેટ આઈડીના મૂળ સુધી જશે પોલીસ. ક્રિકેટ સટ્ટામાં પકડાયેલ બંને શખ્સોએ વાપરેલા આઈડીના મૂળ સુધી પહોંચશે પોલીસ.
નવજીવન ન્યૂઝ દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું ઈન્વેસ્ટીગેશન કરી સતત અહેવાલો પ્રસિધ્ધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો પરંતુ રાજ્ય વ્યાપી પોલીસ કાર્યવાહી મોટા બુકીઓ પર થતી જોવા મળી નથી. ત્યારે રાજકોટની ઘટના પરથી સમજી શકાય છે કે શા માટે મોટા બુકીઓ ઝડપાતા નથી. સાથે જ રાજ્ય સરકારના જુગાર ધારાનો કાયદો પણ કેટલાક અંશે સમયની સાથે સુધારો માગે તેવો છે. જેથી ઓનલાઈન જુગારની બદીને નાથવા પોલીસને સક્ષમતા પ્રદાન થાય.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











