Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadમુલાકાત રૂમના સળીયા બહાર મમ્મી-પપ્પા અને નીશી ઊભા હતા, આજે પહેલી વખત...

મુલાકાત રૂમના સળીયા બહાર મમ્મી-પપ્પા અને નીશી ઊભા હતા, આજે પહેલી વખત પપ્પાનો ચહેરો જુદો લાગતો હતો.

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-20): મુલાકાત પછી બેરેકમાં પાછા ફરતી વખતે ગોપાલનું મન શાંત અને આનંદિત હતું. જાણે તેનાં મન પરથી કોઈ ભાર હટી ગયો હોય! પહેલાં જાણે એના પગ જેલમાં જકડાઈ ગયા હતા; પણ આજે પપ્પાએ જ્યારે કહ્યું કે, “હું તારી સાથે છું.” ત્યારે ગોપાલને લાગ્યું કે, હવે જિંદગીની કોઈપણ લડાઈ લડી શકાય અને જીતી પણ શકાય. યાર્ડમાં જ્યારે સલીમે ગોપાલને આવતા જોયો ત્યારે તેનો ચહેરો જોઈ તે સમજી ગયો કે, નક્કી મુલાકાતમાં કંઈક એવું બન્યુ છે, જેના કારણે ગોપાલ આટલો ખુશ છે.

સલીમે પૂછ્યું, “કેવી રહી મુલાકાત?”

- Advertisement -


ગોપાલ એકદમ તેને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. સલીમે એની પીઠ પર હાથ ફેરવ્યો. ગોપાલ થોડીવાર સુધી તેને વળગીને રડતો જ રહ્યો… પછી તેણે શર્ટની બાંયથી આંખો લૂછી અને કહ્યું, “પપ્પા સાથે વાત થઈ. તેમણે કહ્યું છે કે, એમણે મારા માટે વકીલ રોક્યો છે.”

- Advertisement -

સલીમ જોઈ રહ્યો હતો કે, ઘણા દિવસથી ગોપાલે જે આત્મવિશ્વાસ ગુમાવ્યો હતો, તે તેના ચહેરા પર પાછો આવ્યો હતો. ગોપાલ અને સલીમ વાત કરી રહ્યા હતા ત્યારે એક કેદી યાર્ડમાં આવ્યો. તેણે ગોપાલને કહ્યું, “એસ.જે.માં સાહેબ બોલાવે છે.”

ગોપાલ વિચાર કરવા લાગ્યો, એસ.જે. એટલે ક્યાં જવાનું! કેદી સમજી ગયો. તેણે તરત કહ્યું, “સિનિયર જેલર સોંલકી સાહેબ બોલાવે છે.”

સલીમને પણ આશ્ચર્ય થયું કે, જેલર ગોપાલને કેમ બોલવતા હશે! તેણે આંખના ઇશારે ગોપાલને કહ્યું, “જઈ આવ.”

- Advertisement -

ગોપાલ પેલા કેદી સાથે જેલરની ઑફિસમાં ગયો. સિનિયર જેલરની ઑફિસમાં ગોપાલ પહેલી વખત આવ્યો હતો. ગોપાલે દરવાજો ખોલીને પૂછ્યું, “આવું?”

અંદર ગોવિંદ ઊભો હતો. જેલર જવાબ આપે તે પહેલાં જ ગોવિંદે કહ્યું, “ગોપાલ આવ…”



જેલર સોંલકી તેમના ટેબલ ઉપર પડેલા કાગળોમાં સહી કરી રહ્યા હતા. તેમણે સહી કરતાં કરતાં ઉપર જોયું. ગોપાલે બોલ્યા વગર હાથ જોડીને નમસ્તે કહ્યું. તે સહી કરતાં કરતાં ગોપાલને ઉપરથી નીચે જોઈ રહ્યા હતા. કદાચ ગોપાલનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ગોપાલ વિચાર કરી રહ્યો હતો કે, દરેક પોલીસવાળા બધા સામે આવી જ રીતે કેમ જોતા હશે! જેલર સોંલકીએ કાગળનું કામ પુરુ કર્યું અને ગોવિંદ સામે જોયું. ગોવિંદે કહ્યું, “સાહેબ, આ ગોપાલ છે. અંગ્રેજીનો જાણકાર છે. આપણી ફાર્મસીમાં ચાલે એવો છે.”

જેલરે ફરી ગોપાલ સામે જોયું. કંઈક વિચાર કરીને પૂછ્યું, “કયા કેસમાં આવ્યો છે?”


ગોપાલને આ પ્રશ્ન ગમ્યો નહીં, પણ હવે ગમા અણગમા બાજુ પર મૂક્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેણે જવાબ આપ્યો, “ફેક કરન્સીનો કેસ છે.”

સોંલકીના કપાળની રેખાઓ તંગ થઈ અને ચહેરા પર અણગમો આવ્યો. તેમણે ગોવિંદ સામે જોતા કહ્યું, “ગોવિંદ તને કંઈ ખબર પડે છે? ફેક કરન્સી વાળા, નાકોર્ટિક્સ વાળા આ બધાનો ચહેરો કેવી રીતે થાય?”

ગોવિંદે તરત બચાવ કરતા કહ્યું, “કેસ ફેક કરન્સીનો છે, પણ તમે માનો છે એવો નથી. આ મૂરખે કલર પ્રિન્ટ કાઢી હતી.”

ગોપાલે જોયું કે, “ગોવિંદ તેનો ભરપૂર બચાવ કરી રહ્યો છે. જેલર ફરી વિચારમાં પડ્યા. ગોવિંદે કહ્યું, “સાહેબ, મારી જવાબદારી. કોઈ ગરબડ થશે નહીં.”

જેલર સોંલકીએ પોતાના ચહેરા પર બંને હાથ ફેરવ્યા અને કમને ગોવિંદની વાત માનતા હોય તે રીતે કહ્યું, “જો ભાઈ, તારા ભરોસે ચહેરો કરું છું.”

ગોવિંદે તક ઝડપી લઈને તરત તેના હાથમાં રહેલું કાર્ડ જેલર આગળ ધર્યું. સહી કરાવીને જેલરનો ઓર્ડર લઈ લીધો. પછી તેણે ગોપાલને કહ્યું, “ચાલ, આવતીકાલથી ફાર્મસીમાં કામ પર લાગી જજે. ગોપાલે હાથ જોડીને આભાર માન્યો.”

ગોવિંદે કહ્યું, “બહાર ઊભો રહેજે. આવું છું.”



ગોપાલ બહાર ઊભો રહી જેલના માહોલને જોઈ રહ્યો હતો. થોડીવાર પછી ગોવિંદ બહાર આવ્યો. તે કંઈ બોલ્યો નહીં. તેણે ગોપાલના ખભે હાથ મૂક્યો અને તેઓ જેલની અંદરની તરફ ચાલવા લાગ્યા. ગોવિંદે તેના ખભે હાથ મૂક્યો તે ગોપાલને ગમ્યું. થોડાક અંદર ગયા પછી ગોવિંદ રોકાયો. તેણે આજુબાજુ જોયું અને પછી કહ્યું, “જો, તારો ચહેરો કરી દીધો છે. એટલે દર મહિને તારો જેલનો ખર્ચો તો નીકળી જશે.”

ગોપાલ તેને સાંભળી રહ્યો હતો. ગોવિંદે તેને જેલના નિયમ અને સગવડ સમજાવતાં કહ્યું, “જેલમાં જેનો ચહેરો થાય તેને પગાર મળે છે. મેં તારો ચહેરો કુશળ કારીગર તરીકે કરાવ્યો છે. એટલે રોજના પચાસ રૂપિયા તારા ખાતામાં જમા થશે. તારે જેલના ખર્ચ માટે ઘરેથી પૈસા મગાવવા નહીં પડે.”


ગોપાલને લાગ્યું કે, ગોવિંદના સ્વરૂપમાં તેને ભગવાન મળી ગયા છે. તેની સામે અહોભાવથી જોઈ રહ્યો. ગોવિંદે બીજા મુદ્દા પર આવતાં કહ્યું, “સલીમે મને વાત કરી. તારા જામીન માટે હું એકાદ બે દિવસમાં કોઈ વકીલની વ્યવસ્થા કરી દઈશ.”

ગોપાલે તરત તેને રોકતા કહ્યું, “ભાઈ, હમણાં જ મારી મુલાકાત આવી હતી. મારા પપ્પા પણ આવ્યા હતા એમણે મને કહ્યું છે કે એમણે મારા માટે વકીલની વ્યવસ્થા કરી છે.”

ગોવિંદના ચહેરા પર હાશકારો આવ્યો. ચાલો, એક કામ તો ઓછું થયું! ગોવિંદે ત્યાંથી છૂટા પડતાં કહ્યું, “ચાલ, કંઈ વાંધો નહીં. તારા પપ્પા હવે તારી સાથે વાત કરવા લાગ્યા અને તારા માટે વકીલ કર્યો એ સારૂં છે; પણ અહીંયા કોઈપણ કામ હોય તો મને કહેજે. ચિંતા કરતો નહીં.”

એકદમ કંઈ યાદ આવ્યું હોય તેમ ઉમેર્યું, “હા… જો, આવતીકાલથી તારે ફાર્મસીમાં કામ કરવાનું છે. તારી ચીઠ્ઠી બનાવી દઈશ એટલે બપોરે તારી બંધી થશે નહીં.”

ગોપાલને આ વાત બહુ સારી લાગી. રાતે તો ઠીક, પણ બપોરે 12થી 3 બેરેકમાં બંધ કરતા હતા; એ વાત તેને બહુ ખટકતી હતી. પરંતુ હવે ગોપાલનો ચહેરો થઈ ગયો હોવાથી તેને બહાર રહેવા મળવાનું હતું. જેલના નિયમ પ્રમાણે જે કેદીને જેલમાં કામ મળે, તેમની બપોરે બંધી થતી નહોતી.

ગોપાલ પાછો યાર્ડ તરફ આવ્યો. એને લાગ્યું કે, ચારે દિશામાંથી સારા સમાચાર આવી રહ્યા છે. યાર્ડમાં જતાં જ તે સલીમને ફરી વળગી પડ્યો. તેણે સલીમને કહ્યું, “ગોવિંદભાઈએ મારો ચહેરો કરાવી દીધો છે. આવતીકાલથી ફાર્મસીમાં કામ કરવાનું છે.”

ગોપાલને ખુશ જોઈ સલીમના ચહેરા પર સંતોષ હતો. તેના મનને સારું લાગી રહ્યું હતું. તેણે આકાશ તરફ નજર કરી. જાણે તે પરવરદિગારનો આભાર માની રહ્યો હોય! સાંજનું જમવાનું આવી રહ્યું હતું. સલીમ અને ગોપાલે જમવાનું લઈ લીધું અને સાથે જમી રહ્યા હતા. ખબર નહીં કેમ, પણ આજે ગોપાલને જેલનું જમવાનું પણ સારું લાગી રહ્યું હતું! સાંજના છ થયા એટલે બંધી થઈ ગઈ. બેરેકમાં રોજ પ્રમાણે પહેલાં આરતી થઈ; પછી નમાઝ થઈ. એક જ સ્થળે મંદિર અને મસ્જિદ હોય તેવું ગોપાલ પહેલી વખત જોઈ રહ્યો હતો.

રાતનું અંધારું થઈ ગયું. બેરેકની બહાર નીરવ શાંતિ હતી. કેટલાક કેદીઓ જેલના ટીવી પર સિરિયલ જોઈ રહ્યા હતા. કેટલાક પોતાની પથારીમાં આડા પડી ગયા હતા. ગોપાલે જોયું કે, સલીમ પણ સૂઈ ગયો છે. ગોપાલ દિવસભરનો વિચાર કરી રહ્યો હતો. તે આડો પડીને ક્યારેક ટીવી તરફ તો ક્યારેટ ટીવી જોઈને ખુશ થતા કેદીઓ તરફ જોઈ રહ્યો હતો. ગોપાલને ખબર જ ન પડી કે, તેની આંખ ક્યારે મળી ગઈ.



પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796




Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular