નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં પરિક્ષાના છેલ્લા કેટલાક વખતથી પેપર ફુટવાના છબરડા સામે આવી રહ્યા છે. ત્યારે વઘુ એક પરિક્ષાનુ પેપર ફુટયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ સ્પર્ધાત્તમક પરિક્ષાના પેપરમાં ગેરરીતિ સામે આવી હતી. ત્યારે હવે ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડનું આજે ધોરણ 10નું હિન્દીનું પેપર હતું. આ પેપર પુરું થવાના અડધો કલાક પહેલા સોશિયલ મીડિયા પર ફરતું થયું છે. હિન્દી દ્વિતિય ભાષાનું સોલ્વ કરેલું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના ઉતર સાથેના ફોટા વાયરલ થયાં હતા. પેપર વાયરલ થતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે. આજના હિન્દીના પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયા છે.
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે પેપરમાં ગેરરીતિ થઈ છે જેથી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે સેન્ટર કે જે માધ્યમથી પેપર લીક થયું છે તે તમામ પુરાવા સાથે ફરિયાદ કરીશું.








