નવજીવન ન્યૂઝ. સુરતઃ રાજ્યમાં સ્વરુપવાન યુવતીઓ દ્વારા વેપારીઓને માયાજાળમાં ફરાવી હનીટ્રેપનો શિકાર કરી પૈસા પડાવતી ટોળકીઓના કિસ્સા સામે આવી રહ્યા છે. બે દિવસ અગાઉ જ એક સાડીનો વેપારી હનીટ્રેપનો શિકાર બન્યો હતો તેની જાણ પોલીસ સજેશન બોક્સમાં ચિઠ્ઠી લખી જાણ કરતા પોલીસે કાર્યવાહી કરી આરોપી ઝડપ્યા હતા. તેવામાં સુરતમાં વઘુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.
માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ફરસાણના વેપારી સાનુભાઈ (નામ બદલ્યુ છે.)ને 10-15 દિવસ અગાઉ તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. મેસેજ મળતા સાનુભાઈ તમે કોણ છો પુછતા સામેવાળી વ્યક્તિએ તેનું નામ ખુશ્બુ હોવાનું જણાવ્યું હતું. જો કે સાનુભાઈ ઓળખતા ન હોવાના કારણે વાત કરવાની ના પાડતા ખુશ્બુએ તેમને ઓળખતા હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ આ યુવતી સાનુભાઇને મેસેજ મોકલવા લાગી હતી અને બંને વચ્ચે વોટ્સએપ પર નિયમિત વાતચીત થતી હતી. બંને વચ્ચે વોટ્સએપ કોલિંગથી પણ વાતચીત શરુ થઈ ગઈ હતી. ગત તારીખ સાતમી એપ્રિલના રોજ બપોરે યુવતીએ સાનુભાઇને “કોલ મી” નો મેસેજ કર્યો હતો. સાનુભાઈ વ્હોટ્સએપ કોલ કર્યો તો તેણે આવો ત્યારે નાસ્તો લેતા આવજો તેમ કહ્યું હતું.
આગલા દિવસે પણ ખુશ્બૂએ મેસેજ કરી નાસ્તો લઈને મળવા કહ્યું હતું. સાનુભાઈ ખોડીયાર નગર વરાછા ખાતેથી નાસ્તો લઈ બપોરના આશરે બે વાગ્યાના સમયે ખૂશ્બૂના જણાવ્યા મુજબ ડભોલી રોડ શાક માર્કેટ મનિષ નગર પહોંચ્યા ત્યાં ક્રિષ્ના બેકરીની ઉપર પહેલા માળે એક મહિલા ઊભી હતી. સાનુભાઈ ત્યાં જતા તે મહિલા ફ્લેટનો દરવાજો ખોલી અંદર લઈ ગઈ તો ત્યાં પહેલાથી જ બે મહિલા હાજર હતી.
મહિલાઓ અને સાનુભાઈ સોફા પર બેઠા ત્યારે મહિલાએ બીજા રૂમમાં જવા કહેતા સાનુભાઈએ ના પાડી હતી. ખુશ્બૂએ સાનુભાઈને ફોસલાવી કંઈ નહીં થાય ચાલો તેમ કહી સાનુભાઈના ખભા ઉપર હાથ મુકી બીજા રૂમમાં લઈ ગઈ હતી. બીજા રુમમાં પાથરેલા ગાદલા પર બેસાડી ખુશ્બૂએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ કહી સાનુભાઈને શારીરીક અડપલા કરવા લાગી હતી. તે દરમિયાન અચાનક રુમનો દરવાજો ખોલી બે લોકો ઘુસી આવ્યા હતા. તેમાંથી એકએ કહ્યું આ મારી પત્ની છે, મને શક હતો જ કે હું નોકરીએ જઉં પછી આવું કામ કરે છે.
ત્યાર બાદ અન્ય બે વ્યક્તિ આવ્યા અને જયશ્રીના ભાઈ તરીકેની ઓળખ આપી હતી અને સાનુભાઈની જોરદાર ધોલાઈ કરી હતી. બાદમાં આ ઠગ ટોળકીએ સાનુભાઈને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવો હોય તો સમાધાન માટે પૈસાની માંગણી કરી હતી. ડરી ગયેલા સાનુભાઇએ તેઓને 10 હજાર રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ આ ગેંગે વધુ રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જેથી સાનુભાઈએ મિત્રને બોલાવી ટોળકીને સમજાવી બહાર જઈ પૈસાની વ્યવસ્થા કરીશું કહી છટકી ગયા હતા અને સિંગણપોર પોલીસ મથક આવી હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા જયશ્રી ઉર્ફે પાયલ, અસ્મિતા, દર્શન, આકાશ, ભોલુ અને રાહુલને ઝડપી અગાઉ કોઈને હનીટ્રેપમાં ફસાવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ઘરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











