સમય-સંજોગોને ધ્યાનમાં રાખીએ તો વર્તમાનમાં સંત, સાધુગુરુ અને ગુરુજીનું ‘ટેગ’ ધરાવનારાં એકેય વ્યક્તિની વાત કરી શકાય એમ નથી. પોતાને ‘મહાપુરુષ’ કહેવડાવતાં આ વર્ગને અત્યારે ઓલરેડી શાસક પક્ષ સારી પેઢે પોષી રહ્યો છે, અને તેમનો પ્રચાર-પ્રસાર પણ થઈ રહ્યો છે. તેમની તરફેણ એટલી હદે થઈ રહી છે કે તેઓ પોતાના ક્ષેત્રમાંથી બહાર આવીને બજારમાં પ્રવેશ્યા છે અને ત્યાં પણ પોતાનું કદ મોટું કરી રહ્યાં છે. પણ આજે અહીં એક એવાં વ્યક્તિની વાત કરવાની છે જે આવે તો આ જ વર્ગમાં છે, પણ થોડા જ સમયમાં તેણે સેલિબ્રિટીઝમાં અને સમાજના બોલકાં વર્ગમાં પોતાની સારી એવી પ્રતિષ્ઠા સ્થાપી છે. આંતરરાષ્ટ્રિય પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા તેનું નામ ગાજી રહ્યું છે. ઉપરાંત, સંત, સાધુગુરુ કે ગુરુજીની સામાન્ય છબિ જે સ્થાપિત થઈ છે, તેવી છબિ ધરાવતાં નથી. બલ્કે તેઓ ડાયમેનિક છે, સાહસ ખેડે છે અને પ્રમાણમાં લોજિકલ વાત કરે છે. ટાળી ન શકાય એટલાં હદે આ વ્યક્તિ અલગ-અલગ માધ્યમમાં દેખાય છે, જેનું નામ ‘સદગુરુ’ છે. આમ તો તેઓનું મૂળ નામ જગ્ગી વાસુદેવ છે, પણ તેઓ હવે સદગુરુના નામથી પ્રચલિત છે.
દેશની તસવીર-તાસીર બદલાઈ રહી છે. એ જ રીતે લોકોનું માનસ પણ બદલાઈ રહ્યું છે. દુનિયાભરની વિશેષ વાતો આજે ઝડપભેર આપણી પાસે પહોંચે છે; અને એટલે જ ઝડપે લોકોના ખ્યાલ પણ બદલાય છે. આ સ્થિતિ જ્યારે પ્રવર્તતી હોય ત્યારે સામાન્ય રીતે સમાજમાં રૂઢ થઈ ગયેલી બધી ધારણા-માન્યતા તૂટતી જાય, અને નવી ઘડાતી જાય. તેમાંથી જે નવી તક-આકાંક્ષા ઉદભવે, એમ નવા પ્રશ્નો અને સમસ્યાઓ પણ સર્જાય. આ નવા યુગની પેઢીના પ્રશ્નોને સમજનારાં, તેમની સમસ્યાને પહેચનારાં અને તેનો ઉકેલ આપનારાં લોકોનું એક સ્થાન બને છે. આ સ્થાનમાં અત્યારે સદગુરુ ક્યાંક ક્યાંક ફિટ થઈ રહ્યાં છે! અત્યાર સુધી પૌરાણિક કથા કહીને જ સાધુઓએ માનભેર સ્થાન ભોગવ્યું; પણ હવે યોગ, આધ્યાત્મિક સાથે વ્યવહારુ વાતો અને સાથે-સાથે વર્તમાન વિશ્વના પરિપ્રેક્ષ્યમાં લોજિકલ વાત કરનારાઓનો સમય આવ્યો છે, જેમાં સદગુરુ અન્ય સંતોની સરખામણીમાં સારાં એવાં માર્ક્સ લઈ જાય છે!
સદગુરુના ફેસબુક પેજ પર જશો અને ગુગલ પર તેમનાં વિડિયો જોશો, તો કોઈ પણ વ્યક્તિ તેનાથી અંજાઈ શકે, એટલાં હદે તેમણે સેલિબ્રિટીઝને સાધ્યા છે અને સાથે સાથે ઇન્ટેલેક્ચુઅલ કહેવાય તેવા ‘ટેડ’ જેવાં પ્લેટફોર્મ પણ તેઓ ચમક્યાં છે! ઇવન, જાવેદ અખ્તર, પ્રણવ રોય, શશી થરુર જેવાં બૌદ્ધિક સાથે તેઓ મંચ પર દેખા દે છે અને તેમની સાથે ધોરણસરની ચર્ચા પણ કરી શકે છે. તેમ છતાંય સદગુરુને મહાન ગણવાની કે તેમનાથી અંજાઈ જવાની જરાય જરૂર નથી. ભૂતકાળમાં આવાં અનેક વ્યક્તિઓથી અંજાઈ જઈને જ્યારે તેમની રહસ્યમય જીવનનાં પાનાં ઉઘડે છે, ત્યારે ભારે નિરાશા થાય છે, તેથી તેમના વ્યક્તિત્વને પૂરેપૂરું સ્વીકાર્યાં કરતાં તેઓના અલગ-અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેવાં. હવે જે શખ્સિયત આપણે વાત કરી રહ્યાં છે, તેમના પ્રોફાઈલ પર નજર કરીએ તો તેઓ મૂળે મૈસૂર, કર્ણાટકના છે. ઉપરાંત તેમની વિશેષ ઓળખ ‘ઇશા ફાઉન્ડેશન’ નામના સંસ્થા સ્થાપવાથી બની છે, જે દુનિયાભરમાં યોગનું શિક્ષણ આપે છે. આ સિવાય તેમના ખાતે સામાજિક પ્રશ્નો સંબંધિત, શિક્ષણ અને પર્યાવરણના પણ સારાં એવાં કાર્યો બોલે છે. મતલબ કે તેમણે માત્ર બાબા રામદેવની જેમ યોગ પર જ નહીં, પણ પ્રજા વચ્ચે જઈને ગ્રાઉન્ડ પર પણ ઘણાં કાર્યો કર્યાં છે. તમને સૌને યાદ હશે કે 2017માં ‘રેલી ફોર રિવર્સ’ નામનો દેશવ્યાપી કાર્યક્રમ થયો હતો, જેનું ઇનેશિએટીવ ઇશા ફાઉન્ડેશન દ્વારા લેવાયેલું હતું. આ કાર્યક્રમ દેશની મૃતપાયઃ બની રહેલી નદીઓને જીવંત કરવા માટેનું હતું.
આ તો તેમની પ્રાથમિક ઓળખ થઈ. તેમની વિશેષ ઓળખ આપવાની થાય તો તેમાં સૌપ્રથમ પદ્મવિભૂષણ સન્માનની વાત કરવી પડે, જે તેમને માનવીય ઉત્કર્ષના કાર્ય અર્થે મળ્યું હતું. સદગુરુના જીવનની યાત્રા જે આજે ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટસેલિંગ રાઇટર, ‘યુનાઈટેડ નેશન્સ’ના મંચ પર પર્યાવરણના મુદ્દે ચર્ચા કરવા કે પછી ‘વર્લ્ડ ઇકોનોમિ ફોરમ’માં હિસ્સો લેવા સુધી પહોંચી છે, તેની શરૂઆત ખૂબ સામાન્ય હતી. આ શરૂઆત થઈ હતી સદગુરુ જ્યારે દસ વર્ષના જગ્ગી વાસુદેવ હતા ત્યારથી. તેમને દક્ષિણ ભારતના મલ્લાદિહાલ્લી રાઘવેન્દ્ર નામના યોગગુરુએ યોગનો અભ્યાસ શિખવ્યો, અને તે અભ્યાસને જગ્ગીએ જીવનનો ભાગ બનાવી દીધો. આ રીતે વર્ષોના વર્ષો વીતતા ગયા અને સાથે જગ્ગી વાસુદેવનું શિક્ષણ ચાલતું રહ્યું. ‘યુનિવર્સિટી ઓફ મૈસુર’માં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો, અને એ જ દરમિયાન યોગ સાથે મોટરસાઈકલ પર દેશમાં પ્રવાસ કરવાનો શોખ કેળવ્યો. યોગ, પ્રવાસ, શિક્ષણ અને અન્ય અનુભવની વચ્ચે 25 વર્ષના થયેલાં જગ્ગી વાસુદેવને યોગ કરતાં કરતાં એક વખત મૈસૂરથી થોડા અંતરે આવેલાં ચામુંડી હિલ પર એક આધ્યાત્મિક અનુભવ થાય છે, અને બસ પછી તેમનું જીવન ધરમૂળથી બદલાય છે. આ અનુભવને તેમણે અનેક જગ્સાએ શેર કર્યો છે, તે આ મુજબનો હતો : “મારા જીવનમાં આ ક્ષણ સુધી હું હંમેશા એવું વિચારતો કે આ હું છું અને આ કોઈ અલગ વ્યક્તિત્વ છે અથવા બીજું જ કાંઈ છે. પરંતુ પ્રથમ વાર મેં મારી જાતને ઓળખી કે આ હું છું અને આ હું નથી. અચાનક જ, મને લાગ્યું કે હું સર્વસ્વ છું. જે શિલા પર હું બેઠો છું, જે હવાને હું શ્વસું છું, અને મારી આસપાસના તમામ વાતાવરણમાં હું છું. મારી આસપાસનું બધું જ ધ્વસ્ત થઈ ગયું. આ ચિત્તભ્રમ કરે તેઓ ધ્વનિ હતો. મેં એવું અનુભવ્યું કે આ માત્ર દસ-પંદ મિનિટ માટે છે, પરંતુ જ્યારે હું સામાન્ય શુદ્ધિમાં આવ્યો ત્યારે સાડા ચાર કલાક વીતી ચૂક્યા હતા….”
આ રીતે અંતરાત્મા જાગી ચૂક્યો હતો અને પોતાના જીવનનો ધ્યેય સ્પષ્ટ થતાં જ, તેમણે મૈસૂરમાં સાત લોકો સાથે પોતાની પ્રથમ યોગ ક્લાસ શરૂ કર્યા. અને પછી તો દક્ષિણ ભારતમાં તેમનાં યોગના કેન્દ્ર વધતાં જ ગયા. ઇશા યોગ સ્થપાયું અને તેમાં ધ્યાનલિંગ જેવું મેડિટેશન અર્થે એક નવો પ્રયોગ પણ આદર્યો, જે તે ધ્યાન માટે આકર્ષણનું કેન્દ્ર છે. યોગ અને જીવનને જોવાની પોતાની વિશેષ દૃષ્ટિથી સદગુરુની ખ્યાતિ દેશ-વિદેશમાં પહોંચી અને આ સફર આજ દિન સુધી ચાલી રહી છે. આ બધાની વચ્ચે તેમણે ‘ઇનર એન્જિનિયરીંગ’ નામનો કાર્યક્રમ ઘડ્યો. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે ઇન્ડિયન હોકી ટીમ, બોમ્બે સ્ટોક એક્ચેન્જ અને યુનાઇટ નેશન્સમાં પોતાનો આ કાર્યક્રમ ચલાવ્યાં. માત્ર આટલું જ નહીં, પોતાની વિશેષતા ટકી રહે તે માટે તેમણે અલગ અલગ કાર્યક્રમ સતત કર્યે રાખ્યા, જેમ કે છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરે છે. ઉપરાંત ઇશા યોગ સેન્ટમાં મહાશિવરાત્રીનો પણ એ જ પ્રકારે મહોત્સવ ઉજવે છે.
સદગુરુએ જેમ યોગને દેશ-વિદેશ લઈને ખ્યાતિ મેળવી, તેમ તેમણે પર્યાવરણને અને સામાજિક ઉદ્ધારને
લગતાં કાર્યક્રમ પણ હાથ ધર્યાં, જેમાં પ્રોજેક્ટ ‘ગ્રીનહેન્ડ’, ‘ઇશા વિદ્યા’ અને ‘રેલી ફોર રિવર્સ’ અગત્યના છે.
સદગુરુના જીવનના કાર્યો જોઈએ તો એવું જણાઈ આવશે કે તેમણે કાર્ય કરવામાં ક્યાંક કાચું રાખ્યું નથી, બધે જ ઠેકાણે પોતાનું વજૂદ ઊભું કર્યું છે અને તેનો થોડે હટકે કહેવાય તે રીતે પ્રચાર-પ્રસાર પણ કરી રહ્યાં છે. જોકે બધાં જ કિસ્સામાં થાય છે તેવું જ સદગુરુના કિસ્સામાં થયું છે કે, બધે જ તેઓ એક માત્ર ચહેરો બનીને આવે છે, તેમનું આટલું જંગી કાર્ય થઈ રહ્યું છે, તેમાં તેમની ટીમ ક્યાંય દેખાતી નથી! અને સૌથી નોંધનીય બાબત તો એ છે કે સામાન્ય રીતે એવું ઇચ્છવામાં આવે કે યોગ-આધ્યાત્મિકની વાત કરનાર કોઈ રાજકીય ઉદ્દેશ્યમાં નજરે ન ચડે; અને પોતાના ફોલોઅર્સને એવો કોઈ સ્પષ્ટ નિર્દેશ ન આપે કે તેઓ આ વ્યક્તિને યોગ્ય ગણે છે. આપણે ત્યાં આવું અનેક વર્ષોથી થતું આવ્યું છે કે આવાં સંત, ગુરુઓ પોતાના ભક્તો પાસે પોતે ઇચ્છે તે પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરાવે છે! સદગુરુએ જાહેરમાં વડાપ્રધાન મોદીના લીડરશિપના ગુણગાન કર્યાં હતા અને 2017માં ઇશા ફાઉન્ડેશનમાં થયેલાં શિવરાત્રીના એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી જ મુખ્ય મહેમાન બન્યા હતા.