ઘણાં સમયથી જે મ્યુઝિયમ ખુલ્લું મૂકવાની તજવીજ ચાલતી રહી, આખરે તેવું સિનેમાનું મ્યુઝિયમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત્ અઠવાડિયે મુંબઈમાં ખુલ્લું મુકાયું. એ તો કહેવાની જરૂર નથી કે ફિલ્મો આપણાં જીવન સાથે કેવી રીતે વણાયેલી છે. ફિલ્મો થકી તો આપણે સામાજિક-આર્થિક રીતે બદલાયેલાં જીવનનો ક્યાસ પણ કાઢી શકીએ. ખરેખર તો સિનેમા પરિવર્તિત પામી રહેલાં સમાજનો આઈનો છે! બેશક તેમાં જૂજ ફિલ્મોની જ પસંદગી કરી શકાય, તેમ છતાં ફિલ્મો દ્વારા ભારતીય જીવનનો એક અંદાજ મેળવી શકાય છે. એક સરેરાશ ભારતીય ફિલ્મો દ્વારા ઘણું મેળવે છે. મનોરંજન તો હોય જ, પણ સાથે-સાથે ફિલ્મ દ્વારા જ તે જીવનના અનેક રંગને માણે-ઓળખે છે. ઘણાં કિસ્સામાં તો ફિલ્મ કેળવણીનુંય માધ્યમ બને છે અને તેના દ્વારા જીવનના જે પાઠ શિખવી શકાય છે, જે અન્ય માધ્યમથી થઈ શકતું નથી. ફિલ્મના આ માધ્યમની જ્યારે પળેપળે મઝા લૂંટી હોય તો આ ફિલ્મ કેવી રીતે બને છે અને તેનો તબક્કાવાર ઇતિહાસ શું રહ્યો છે, સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અનેક એવી રસપ્રદ બાબતો છે, જે ફિલ્મરસિયાઓ આગળ રજૂ કરીએ તો તેને ફિલ્મ જોવા-માણવાનો આનંદ બેવડાય. આ અર્થે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું મ્યુઝિયમ હોવું જોઈએ તેવું વીસ વર્ષ અગાઉ વિચારાયું હતું અને હવે તે મુંબઈમાં ‘નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા’ના નામે ‘ગુલશન મહેલ’માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
મુંબઈમાં જ્યારે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકાયું ત્યારે આ ન્યૂઝે વધુ ચમક્યા તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ પણ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં મનોજ કુમાર, જિતેન્દ્ર, આમિર ખાન, કંગના રણાવત, કરન જોહર, રોહિત શેટ્ટી અને ડિરેક્ટર આનંદ એલ. રાય જેવાં ફિલ્મની સેલિબ્રિટીઝ સાથે વાર્તાલાપ કરતાં નજરે ચઢ્યા. વક્તવ્ય પણ આપ્યું અને વક્તવ્યના આરંભમાં જ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો જાણીતાં ડાયલોગ “હાઉ ઇઝ ધ જોશ”થી શરૂઆત કરી. ખેર, હવે ફરી આ મ્યુઝિયમની વાત પર આવીએ તો તેનું નિર્માણ કાર્ય પણ એક ફિલ્મની પ્રક્રિયાથી કંઈ કમ નહોતું. તેની પ્રક્રિયા સાથે સમયાંતરે બદલાતી સરકારના સૂચનો તો હોય જ. તે સિવાય ભંડોળ અને તેને કેવી રીતે નિર્મિત કરવાનું અને કોણ કરે તે પણ પડકાર હતાં. જોકે જેમ લાંબી પ્રક્રિયા અને સમય લઈને એક ફિલ્મ બને છે, પણ જ્યારે તે રિલીઝ થાય છે અને લોકો તેને વખાણે ત્યારે તેના નિર્માણમાં લાગેલી બધી જ સમસ્યા સાર્થક ઠરે છે, તેવું જ આ મ્યુઝિયમમાંય થયું છે. આખરે તેનું આઉટપુટ સારું આવ્યું છે.
આ મ્યુઝિયમ અંગે જે સૌથી મોટી મુશ્કેલી હતી તે તેની જગ્યા હતી. આ મ્યુઝિયમ ગુલશન મહેલમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં એક સમયે મહેફિલ અને કવ્વાલીઓ શમા બંધાતો હતો. દેશના ભાગલા થયા બાદ આ ‘હિજરતી મિલ્કત’ રહી હતી, જેને બાદમાં ભારત સરકાર દ્વારા કબજે કરવામાં આવી. મૂળે આ મહેલ ભારતની પ્રથમ મહિલા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર હતો, જેઓ ભાગલા બાદ ભારતમાં ન રહ્યાં. આ મહેલ નિર્માણ પામ્યો અઠારમી સદીના મધ્યમાં. તેના પ્રથમ માલિક ખોજા મુસ્લિમ સમાજના એક ગુજરાતી ઉદ્યોગપતિ પીરભોય ખાલકદીના હતા. તેમનો પરિવાર આ જ મહલમાં વસતો હતો. ત્યાર બાદ સમયના વહેણ સાથે આ મહેલ પીરભોય ખાલકદીના પ્રપૌત્રને મળ્યો, જેનું નામ કાસીમ અલી જાઈરઝભોય હતું. કાસીમ અલી મૂળ બર્માના ખુર્શીદ રાજીબઅલી સાથે પરણ્યાં હતાં.
ખુર્શીદના આ મહેલમાં આગમનથી અહીંયા સંગીતના સૂર રેલાતા થયા અને તે જ વારસો તેના પુત્ર નાઝીર અલી જાઈરઝભોયને અને તેના પત્ની એમી કેટલીનને મળ્યો. 1932ના અરસામાં ખુર્શીદે મક્કાના કેટલાંક દૃશ્યોનું ફિલ્માંકન કર્યું હતું. 1930માં આ જ મહેલનો એક ભાગ હિંદી ફિલ્મની મશહૂર અભિનેત્રી દેવિકા રાનીને ભાડે આપવામાં આવ્યો હતો. આ મહેલનો ઇતિહાસ આવો રહ્યો છે, જે 1950માં ઝડપથી બદલાયો જ્યારે કાસીમ અલી અવસાન પામ્યા. કાસીમ અલીનું અવસાન જાઈરઝભોય પરિવાર માટે એક મોટા આઘાત સમાન હતું, કારણ કે આ જ દરમિયાન દેશના ભાગલા થયા. ખુર્શીદ પાકિસ્તાન ગયા અને તેમના તમામ સંતાનો વિદેશોમાં અભ્યાસ કરતાં હતાં, ત્યારે ભારત સરકારે આ મિલક્તને હિઝરતી કહીને કબજે કરી લીધી.
મહેલને આ રીતે કબજે થયેલો જોઈ ખુર્શીદ તુરંત ભારત આવ્યાં હતાં, પણ ત્યાં સુધી આ પ્રોપર્ટી કબજે થઈ ચૂકી હતી. તેઓ અન્ય મિલક્ત વેચીને પાછા પાકિસ્તાન ફર્યાં. ગુલશમ મહેલ આ રીતે અલગ-અલગ ઉદ્દેશ્યોથી સરકાર ઉપયોગમાં લેતી રહી. ભાગલા વખતે સૈનિકોની હોસ્પિટલ તરીકે, ત્યાર બાદ જય હિંદ કોલેજના હંગામી કેમ્પસ તરીકે અને પછીથી ‘ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ધ ફિલ્મ ડિવિઝન’ના ઓફિસ તરીકે. પછીથી તો ઘણાં વખત સુધી આ મહેલ બંધ સ્થિતિમાં પણ રહ્યો, કેટલીક ફિલ્મોના શૂટિંગ માટે તે ભાડે આપવામાં આવતો. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ના ઘણાં દૃશ્યો અહીંયા જ શૂટ થયેલાં છે.
જોકે હવે આ મહેલનો ઇતિહાસ બદલાઈ ચૂક્યો છે અને તે હવે અહીં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસની સાચવણી થશે. એક ફિલ્મમેકરને, વિદ્યાર્થીને અને ફિલ્મજિજ્ઞાનુસેને જાણવું હોય તેવી અનેક દસ્તાવેજોને-ટેકનોલોજીને અહીંયા મૂકવામાં આવી છે. વિવિધ કેમેરા, એડિટીંગ અને રેકોર્ડિંગ મશીન, પ્રોજેક્ટર તે સિવાય પણ અનેક ટેક્નિકલ બાબતોને અહીં રજૂ કરવામાં આવી છે. અલગ-અલગ અદાકારોએ ધારણ કરેલાં પહેરવેશ, સેટ્સ, વિન્ટેજ ઇક્વિપમેન્ટ્સ, પોસ્ટર્સ પણ અહીં જોવા મળશે.
ઉપરાંત, આ મ્યુઝિયમમાં ચાર એક્ઝિબિશન હોલ નિર્માણ કરવામાં આવ્યાં છે. જેમાં ‘સિનેમા અને ગાંધી’ છે, ‘ટેકનોલોજી, ક્રિએટીવિટી અને ભારતીય સિનેમા’ છે, ‘સિનેમા અને ભારત’ છે અને ‘ચિલ્ડ્રન્સ ફિલ્મ સ્ટુડિયો’ પણ છે. ભારતના સો વર્ષના ઇતિહાસને આ મ્યુઝિયમ બયાન કરે છે. તેમાં ભારતમાં સિનેમા કેવી રીતે આવ્યું, ભારતીય સાઈલન્ટ ફિલ્મનો કાળ, સંગીતનો જન્મ, સ્ટુડિયોકાળ, બીજા વિશ્વયુદ્ધની સિનેમા પર અસર, નવા જમાનાની ફિલ્મો અને પ્રોદેશિક સિનેમાને પણ અહીંયા સ્થાન મળ્યું છે.
મ્યુઝિયમની આ તો થોડા શબ્દોમાં ઉતારેલી વિગત છે, બાકી ખરો આનંદ તો રૂબરૂ માણવામાં જ રહ્યો છે.
અન્ય દેશોના સિનેમા મ્યુઝિયમ
ભારતમાં સિનેમાયુગ શરૂ થયાને એક સદી ઉપરાંતનો સમય વીતી ચૂક્યો છે અને તેનું પ્રથમ મ્યુઝિયમ હાલમાં જ ખુલ્લું મૂકાયું છે. આ જ પેટર્ન પશ્ચિમી દેશોમાંય જોવા મળે છે. અહીંયા પણ સિનેમાના મ્યુઝિયમના નિર્માણ મોડે મોડે થયાં જણાય છે. ભારતની જેમ જ જ્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ જ મોટી છે, તે અમેરિકામાં પણ જ્યારે સિનેમા મ્યુઝિયમની વાત આવે છે ત્યારે કેલિફોર્નિયામાં આવેલાં એક માત્ર ‘હોલીવુડ મ્યુઝિયમ’નું જ નામ આવે છે. આ મ્યુઝિયમમાં પણ સામાન્ય રીતે જે સિનેમા મ્યુઝિયમમાં જોવા મળે તે બધું જ છે, પણ હોલીવુડની ફિલ્મોની જેમ તેની તસવીર જોઈએ ત્યારે તે વિશેષ જણાતું નથી! સિનેમા મ્યુઝિયમની યાદીમાં પ્રથમ મૂકી શકાય તેવું નામ ઇંગ્લેડના યોર્કશાયરમાં આવેલું ‘નેશનલ સાયન્સ એન્ડ મીડિયા મ્યુઝિયમ’ છે. જોકે આ મ્યુઝિયમમાં માત્ર ફિલ્મોનું જ કલેક્શન નથી, બલ્કે શરૂઆતમાં જે ફોટોગ્રાફી થઈ છે, ટેલિવિઝનના પહેલાં વહેલાં ફૂટેજ, ઉપરાંત ‘બીબીસી’ની અનેક ઇમેજ અહીં જોવા મળે છે. લંડનમાં ફિલ્મને લગતાં ચાર જેટલાં મહત્વના મ્યુઝિયમ જોવા મળે છે, તેમાંનું બીજું એટલે કેનિન્ગ્ટનમાં આવેલું ‘સિનેમા મ્યુઝિયમ’. અહીંયા જે કલેક્શન જોવા મળે છે તે રોનાલ્ડ ગ્રાન્ટ અને માર્ટિન હમ્ફીર્સનું પ્રાઈવેટ સિનેમા કલેક્શન છે. આ મ્યુઝિયમ જે ઇમારતમાં આવ્યું છે ત્યાં ચાર્લી ચેપ્લિનનું બાળપણ વીત્યું હતું. બ્રિટનમાં સિનેમાને લગતું એક અન્ય મ્યુઝિયમ ‘યુનિવર્સિટી ઓફ એક્ઝેટર’માં આવ્યું છે, જેનું નામ ‘બીલ ડગ્લાસ સિનેમા મ્યુઝિયમ’ છે. આ સિવાય પણ બ્રિટનમાં ‘મ્યુઝિયમ ઓફ ધ મુવિંગ ઇમેજ’ અને ‘લંડન ફિલ્મ મ્યુઝિયમ મ્યુઝિયમ’ આવેલાં છે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, ઇટાલી અને ચીનમાં પણ સિનેમા મ્યુઝિયમ આવેલાં છે, જેની નોંધ સિનેમાના ઇતિહાસ માટે અચૂક લેવાય એવી છે. દુબઈનું મુવિંગ ઇમેજ મ્યુઝિયમ પણ એ જ રીતે સિનેમાના વારસાને સાચવનારું અગત્યનું મ્યુઝિયમ બન્યું છે. જોકે અહીંયા એક વાત કરવી જરૂરી છે કે ફિલ્મનો ઇતિહાસ અને તેના દસ્તાવેજ એક સ્થળે ન સચવાયાં હોય પણ અલગ-અલગ સ્ટુડિયો, પ્રોડક્શન હાઉસ અને વિવિધ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં તેનો દસ્તાવેજ-મળી રહે એમ હોય છે. એ સિવાય ફિલ્મ બેઝ્ડ પ્રોગ્રામ અને અખબારી-સામયિક સાહિત્યમાં પણ ફિલ્મોની પૂરી જર્ની ક્યાંકને ક્યાંક મળી રહે છે.