કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રામાં બારથી પંદર હાથીઓ પણ જોડાય છે. અમદાવાદમાં જે જગન્નાથ મંદિરેથી આ રથયાત્રા નીકળે છે, તે મંદિર જ આ હાથીઓની સારસંભાળ રાખે છે. આ વર્ષે જ્યારે આ હાથીઓ રથયાત્રામાં પ્રણાલિકા મુજબ સામેલ થયા અને ચાલતાં-ચાલતાં આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમાંથી એક હાથી બેકાબૂ બન્યો હતો અને રથયાત્રાનું સરઘસ તોડીને બે વ્યક્તિને ઇજાગ્રસ્ત કરીને તેમાંથી બહાર નીકળ્યો હતો. આ હાથી રથયાત્રામાં ડીજેના ઘોંઘાટથી ડરી ગયો અને બેકાબૂ બન્યો તેવા ન્યૂઝ તે પછી આવ્યા. રથયાત્રાના બીજા જ દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરનો એક વિડિયો વાઇરલ થયો, જેમાં એક મહાવત લાકડીથી હાથીને બેરહમીથી ફટકારે છે- તેવા દૃશ્યો છે. આ બંને ઘટનાઓ બની ગઈ તે પછી પ્રાણીઓ સંબંધિત કાયદાઓની આપણે ત્યાં ચર્ચાઓ થઈ રહી છે. સ્વાભાવિક છે કે કાયદાના ધારાધોરણ મુજબ જોઈએ તો મંદિર હાથી રાખવાનો અધિકાર ધરાવે કે નહીં તેના પર જ સવાલ આવીને ઉભો રહે. પણ તદ્ઉપરાંત જ્યારે પ્રાણીઓ પર ક્રૂરતા થાય ત્યારે તેની સજા આકરી હોય તે પણ પ્રાણીઓના કાયદાના નિષ્ણાંત જણાવે છે. દેશમાં પ્રાણીઓ સંબંધિત કાયદા શું છે તે ટૂંકમાં જાણીએ.

પ્રાણીઓ સંબંધિત કાયદાનો વ્યાપ જોઈએ તો પ્રાણીઓ પર થતી ક્રૂરતાને લઈને ‘ધ પ્રિવેન્શન ઑફ ક્રૂઆલિટી ટુ એનિમલ ઍક્ટ-1960’ ધ્યાને આવે છે. આ કાયદાને તોડનારા તેને ઘોળીને પી ગયા છે. તેનું કારણ એટલું જ કે તેમાં સજાની જોગવાઈ ખૂબ ઓછી છે. પ્રાણીઓ પર ક્રૂરતા કરીને માત્ર 50 રૂપિયાનો દંડ ભરીને તેમાં કોઈ પણ છૂટી શકે છે. આ કારણે પ્રાણીઓને હાનિ પહોંચાડવાને લઈને જે ડર કાયદાનો હોવો જોઈએ તે નથી રહ્યો. પ્રાણીઓ પર થતી ક્રૂરતાને જ્યાં અક્ષમ્ય ગુના તરીકે જોવામાં આવવો જોઈએ. તેનું એક કારણ નિષ્ણાંતો એમ આપે છે કે જો કોઈ પ્રાણી પર હિંસા આચરતો હોય તો તે ગુનેગાર વ્યક્તિ માણસને પણ હાનિ પહોંચાડી શકે છે. સાઇકોલોજિકલ અને ક્રિમિનોલોજિકલ સંશોધનમાં આ પુરવાર થયું છે. આપણા દેશમાં પણ કેટલાંક કિસ્સામાં આવું જોઈ શકાય છે. જેમ કે, 2016માં કેરળના ઝીસા કેસમાં યુવતિનો બળાત્કાર અને તે પછી યુવતિની હત્યા કરનાર ગુનેગારનો ઇતિહાસ ચકાસવામાં આવ્યો ત્યારે તેની હિસ્ટરીમાં એવી અનેક બાબત પ્રકાશમાં આવી કે તે પ્રાણીઓ સાથે પણ ક્રૂરતા આચરતો હતો. મતલબ કે જો કોઈ વ્યક્તિ અબોલ પ્રાણીઓ સાથે ક્રૂરતા કરતો હોય તો તે ક્રૂરતા માણસ પર આચરતા તેને વાર લાગતી નથી. આ મામલે તો અમેરિકાની જાણીતી તપાસ એજન્સી ‘એફબીઆઈ’ એક ડગલું આગળ રહીને તપાસ કરે છે. ‘એફબીઆઈ’ એવો ડેટાબેઝ હાથવગો રાખે છે જેમાં કોઈ વ્યક્તિએ પ્રાણીઓ સાથે હિંસા આચરી હોય. ‘એફબીઆઈ’નું તારણ છે કે આ પ્રકારના ગુનેગારો પર નજર રાખવામાં આવે તો ભવિષ્યના ગુના પણ અટકાવી શકાય. અમેરિકામાં પણ આ અનુસંધાને અભ્યાસ થયા છે તે મુજબ શાળામાં અંધાધૂંધ ફાયરિંગ કરનારામાંથી અડધોઅડધ ગુનેગારોની હિસ્ટરી પ્રાણીઓ પર ક્રૂરતાની રહી છે. મહદંશે તેઓએ પોતાના પાડોશીઓના કૂતરાંઓને ગોળી મારી હોય તેવા કિસ્સા સામે આવ્યા હતા.

ઉપર જેમ કહ્યું તેમ દેશમાં 1960થી પ્રાણીઓ સામે ક્રૂરતા ન આચરવામાં આવે તવો કાયદો અસ્તિત્વમાં છે. પરંતુ તે કાયદાની અમલની બાબતે સભાનતા નથી. આમ તો અબોલ પશુ પ્રત્યેના દયાભાવને ધાર્મિક રીતે પણ આપણા દેશમાં સ્વીકાર મળ્યો છે. પરંતુ તે સ્વીકાર આપણી આસપાસના પ્રાણીઓ પૂરતો રહ્યો છે. જંગલો કે અન્ય સાથે અથવા તો કેટલાંક કિસ્સામાં તો આસપાસના પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાને રોકવી જ જોઈએ તેવો સૂર લોકોમાંથી આવતો નથી. પ્રાણીઓને જ્યારે કાયદા પ્રમાણે સુરક્ષા આપવાની વાત આવે ત્યારે પણ તે એક પડકાર છે – તે આપણે ‘એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા વિ. એ નાગરાજા એન્ડ ઓરસ’ કેસથી સમજી શકીએ. મૂળ વાત એવી છે કે તમિલનાડુમાં જલ્લિકટ્ટુ એક રમત છે, જે તમિલનાડુમાં વાવણીની શરૂઆત થાય તે વખતે આવતાં પોંગલ તહેવાર દરમિયાન રમવામાં આવે છે. આ તહેવારમાં એક બેરેક બનાવેલું મેદાન તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી એક જગ્યાએ સાંકડી ગલીમાં બળદો રાખવામાં આવે છે. મેદાનમાં રમતવીરો હોય છે. એક પછી એક બળદને મેદાનમાં છોડવામાં આવે છે અને રમતવીરોએ તે બળદના સિંગડામાં સિક્કા ભરેલી એક થેલી મૂકવામાં આવી હોય તે કોઈ પણ રીતે કાઢવાની હોય છે. આ રમતમાં સ્વાભાવિક છે કે રમતવીરોને પણ ઇજા થાય છે. પરંતુ બળદોની પ્રતાડનામાં પણ તેમાં ઓછી હોતી નથી. સો-દોઢસો રમતવીરો એક બળદને કાબૂ કરવા અથવા તો તેના સિંગડા પરથી થેલી કાઢવા તેનાં કૂંધ પર લટકે છે અને તેને પકડવાનો પ્રયાસ કરે છે. આ પરંપરાગત રમત છે અને હવે તે તમિલનાડુના જીવનનો એવો ભાગ બની ગઈ છે કે તેમાં પ્રાણીની પ્રતાડના કરતાં સદીઓથી ચાલી આવતી પરંપરાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જોકે આ રમતની આવી શાખ છતાં – ‘પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ’[પેટા] દ્વારા ‘પ્રિવેન્સન ઓફ ક્રૂઆલિટી ટુ એનિમલ એક્ટ’નો હવાલો આપીને તેનો વિરોધ કરવામાં આવ્યો અને સુપ્રિમ કોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી. સુપ્રિમ કોર્ટે આ રતમમાં પ્રાણીઓ પર અત્યાચારનો મુદ્દો સ્વીકાર્યો અને તેના પર પ્રતિબંધ લાદ્યો. પરંતુ આ પ્રતિબંધ સામે 2017માં 8મી જાન્યુઆરીએ ચેન્નઈમાં ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ થયો. મોટી સંખ્યામાં એકઠા થયેલાં લોકોએ જલીકટ્ટુના પ્રતિબંધને હટાવવાની તો માંગણી કરી, પણ સાથે જે સંગઠને સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી તેના પર પણ દેશભરમાં પ્રતિબંધ આવે તેવી માંગણી કરી હતી. તમિલનાડુની સરકાર પણ આ મામલે હરકતમાં આવી અને ઝડપથી એક રાજ્યનો કાયદો ઘડી કાઢ્યો. આ કાયદા મુજબ જલીકટ્ટુને કેટલાંક નિયમોને આધીન રમાડવાની પરવાનગી આપવામાં આવી. આ કાયદો કેન્દ્રમાં મોકલાયો અને તે ઝડપથી પાસ પણ થઈ ગયો. તેથી ફરી આ રમત હવે તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં રમાય છે. તે પછી સુપ્રિમ કોર્ટે પણ રાજ્યના કાયદાને ગ્રાહ્ય માની લીધો હતો. આ અંગે સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ આનંદ ગ્રોવરે જે કહ્યું તે પ્રમાણે સુપ્રિમ કોર્ટે આ પૂરા મુદ્દામાં લોકોની ભાવનાને સર્વોપરી મૂકી અને તેમાં પ્રાણીનું હિત જોવાના બદલે લોકમત શું છે તે જોયું. સુપ્રિમ કોર્ટે આ કેસમાં તર્કબદ્ધ દલીલો સાથે કાયદાને ગ્રાહ્ય કર્યો હોય તેવું દેખાતું નથી.

પ્રાણીઓ સંબંધિત ઘણી બધી ક્રૂરતા ધાર્મિક વિધિઓ દ્વારા થાય છે. પરંતુ તે મુદ્દો જ્યારે જ્યારે ઉઠ્યો ત્યારે કાયદો લોકમત સામે ઝૂકી ગયો છે. પરંતુ તે સિવાય પણ પ્રાણીઓ પર જે ક્રૂરતા આચરાય છે તેની પણ નોંધ આપણે ત્યાં થતી નથી. જે પ્રમાણે નેશનલ ક્રાઇમ રેકોર્ડમાં દેશમાં થતાં નોંધાયેલા એકેએક ગુનાનો ઉલ્લેખ મળે છે તે પ્રમાણે પ્રાણીઓ સામે થતાં ગુનાને પણ નોંધવા જોઈએ. આ પ્રકારની નોંધણી તે કાયદાકીય જવાબદારી તો બને જ છે, પરંતુ નૈતિક જવાબદારી પણ છે. વિશેષ તો આ બધું કરવા સાથે કાયદાને વધુ સુદૃઢ બનાવવાની જરૂર છે. કાયદામાં છટકબારી તો છે જ, તદ્ઉપરાંત તેની સજા, દંડ પણ એટલાં નથી કે તેનાથી કોઈને ડર પેસે. તે સિવાય પોલીસથી માંડીને કોર્ટ સુધ્ધા પણ પ્રાણીઓ સંબંધિત કાયદાનો અમલ કરવાનો આવે ત્યારે તેની જાણકારી પૂરતી નથી તેવું માલૂમ પડે છે.
પ્રાણીઓ અંગેના કાયદામાં સુધારાની માંગને લઈને 2022માં એક ડ્રાફ્ટ ઘડવામાં આવ્યો હતો અને લોકોનો મત જાણવા માટે તે જાહેરમાં મૂકાયો હતો. પરંતુ હજુ સુધી તે કાયદાના સુધારા લાગુ થયા નથી. રાજકીય આગેવાનોની પ્રાથમિકતામાં જ્યારે માણસો જ નથી આવતાં, તો અબોલ પશુ-પ્રાણીઓનો અવાજ તો તેમના કાને કેવી રીતે પહોંચે?
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796