કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં વિમાનની દુર્ઘટના થઈ તે પછી મૃતકોના ઇન્સ્યોરન્સ અંગે ચર્ચા થઈ રહી છે. જાણીતી ન્યૂઝ એજન્સી ‘પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા’ દ્વારા પ્રકાશિત થયેલા ન્યૂઝમાં જણાવવામાં આવ્યું છે કે દેશના ઇતિહાસમાં અત્યાર સુધી એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં ન ચૂકવાઈ હોય એટલી મોટી રકમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઇન્સ્યોરન્સ પેટે ચૂકવવાની થશે! આ અંદાજો 2400 કરોડની આસપાસનો છે. અમદાવાદ વિમાનમાં દુર્ઘટનામાં પ્રવાસી દીઠ ઇન્સ્યોરન્સ ચૂકવણીમાં ગલ્લાંતલ્લા થવાની શક્યતા ઓછી છે. જે રીતે વિશ્વભરની નજર આ દુર્ઘટના પર છે અને રહેશે – તે જોતાં ઇન્સ્યોરન્સ મામલે કશુંય અજુગતું થશે નહીં. પરંતુ સામાન્ય રીતે ઇન્સ્યોરન્સમાં થતી ઘાલમેલને લઈને હાલમાં ‘જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા’ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી નારાયણે એક ઇન્ટરવ્યૂ આપ્યો છે અને તેમણે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલી બધી ધાંધલી ચાલી રહી છે; તેની વિગત બયાન કરી છે.

રામાસ્વામી નારાયણ મુજબ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનું નિયમન થઈ રહ્યું નથી. વિશેષ કરીને હોસ્પિટલ જેવાં કિસ્સામાં ઇન્સ્યોરન્સમાં કોઈ નિયમન નથી. હોસ્પિટલ બાબતે મહદંશે સૌને થયેલો અનુભવ તેઓ ટાંકતા કહે છે, જ્યારે તમે હોસ્પિટલ જાઓ છો ત્યારે તમને પ્રથમ પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે ‘તમે પોલિસીધારક છો?’ જેવો તમારો જવાબ ‘હા’માં આપો છો. તે પછી તમારી સારવારમાં ભલે કોઈ ભેદ રાખવામાં ન આવે, પરંતુ તમારી સારવારનો ખર્ચ એકાએક વધી જાય છે. આ યોગ્ય બાબત નથી. મારી પાસે ઇન્સ્યોરન્સ હોય કે પછી હું મારા ખિસ્સામાંથી સારવારનો ખર્ચ ચૂકવતો હોવું – હોસ્પિટલ માટે કોઈ પણ ભેદ ન હોઈ શકે. આ બાબતને લઈને બદલાવ થવો જોઈએ.’ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આપેલા આ ઇન્ટરવ્યૂમાં એક પ્રસિદ્ધ ઇન્સ્યોરન્સ કંપનીના વડા જ આ ક્ષેત્રમાં થઈ રહેલી પ્રેક્ટિસ વિશે સવાલ ઉઠાવી રહ્યા છે. ઇન્સ્યોરન્સમાં આ બદી ઊંડે સુધી પેસી છે અને એટલે ઇન્સ્યોરન્સ ક્ષેત્રના માંધાતાઓ આ જાણતા હોવા છતાં તે અંગે પગલાં લેવાતા નથી.

દેશનું ઇન્સ્યોરન્સ સેક્ટર હજુ પ્રોફેશનલ રીતે વર્તતું નથી – તેવા કિસ્સા સમયાંતરે આવતા રહે છે; તેમ છતાં લોકો વધુ ને વધુ ઇન્સ્યોરન્સ તરફ વળી રહ્યા છે. કેટલાંક કિસ્સામાં ફરજિયાત રીતે ઇન્સ્યોરન્સ લેવાનો થાય છે; પણ ઇન્સ્યોરન્સનું સેક્ટર એ રીતે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. જેમ કે, દેશમાં 2024ના વર્ષમાં ઇન્સ્યોરન્સ કંપનીનું પ્રિમિયમ વીસ ટકા જેટલું વધ્યું છે. આ આંકડો રૂપિયામાં માપીએ તો તે 1,14,972 કરોડ જેટલો થાય છે. આ ગ્રોથ મુખ્યત્વે હેલ્થ, મોટર અને ખેતીમાં થયો છે. ઇન્સ્યોરન્સમાં હવે ખાનગી કંપનીઓ આવવાથી તેમાં સ્પર્ધા વધી છે. ઉપરાંત કોવિડ પછી સરકાર પણ કેટલીક એવી યોજના લાવી છે – જેના કારણે ઇન્સ્યોરન્સ સેક્ટર વ્યાપક બન્યું છે. જેમ કે સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’ અને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ લાવવામાં આવી છે. એવું કહેવાય છે કે સરકાર ‘2047 સુધી સૌ માટે ઇન્સ્યોરન્સ’ એવો ઉદ્દેશ ઠરાવ્યો છે અને તેથી સરકાર સો ટકા સુધી વિદેશી મૂડી ઇન્સ્યોરન્સમાં આવે તે માટેની મંજૂરી આપવા જઈ રહી છે.
આ તમામ પાસાંને જોઈએ તો ઇન્સ્યોરન્સ માર્કેટ ભારતમાં ખૂબ આગળ વધશે. હાલના સ્થિતિએ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ભારત વિશ્વમાં દસમા ક્રમે આવે છે. આંતરરાષ્ટ્રિય બજાર ક્રમ વિશે જે વર્તારો મૂકે છે તે મુજબ 2024થી 2028 સુધીમાં વૈશ્વિક સ્તરે પ્રિમિયમનો મેળવવાનો દર 2.4 ટકા સુધી વધવાનો છે, જ્યારે ભારતની આ સરેરાશ વૈશ્વિક કરતાં ત્રણ ગણી એટલે કે 7.1 ટકાની આસપાસ છે! ઇન્સ્યોરન્સને લઈને આગામી એક દાયકામાં વિશ્વના ટોપ પાંચ દેશોમાં ભારતનો ક્રમ આવી જશે.
ઇન્સ્યોરન્સને લઈને કેટલીક નવી પદ્ધતિ અપનાવવા અંગે પણ રામાસ્વામી નારાયણ જણાવી રહ્યા છે. તેઓ માને છે કે ખૂબ ઝડપથી આવી પદ્ધિતિ બજારમાં આવશે. આ માટે ઇન્સ્યોરન્સ કંપની સરકાર સાથે વાતચીત કરી રહી છે. રામાસ્વામી આ પૂરી વાત વિગતે સમજાવે છે. તેઓ કહે છે : ‘અમે ભયાવહ આફત સામે આવે એવા બિઝનેસમાં છીએ. અને તેમાં આવી રહેલાં બદલાવને પણ અમે જોઈ રહ્યા છીએ. જ્યારે ભારતમાં આવું કોઈ જોખમ આવે છે.[કુદરતી કે માનવસર્જિત] ત્યારે 8 થી 12 ટકા ઇન્સ્યોરન્સ ધારકો તેનું વળતર મેળવી શકતા નથી. આ વળતર મેળવવાનું અનેક બાબતો પર આધારીત હોય છે. અન્ય મોટો વર્ગ ઇન્સ્યોરન્સ ધરાવતો નથી. અને અમારા માટે આ જ બાબત પડકારજનક છે. આ વર્ગને ઇન્સ્યોરન્સ પોસાતો નથી; અને તેથી કોઈ પણ દુર્ઘટનામાં તેમની સ્થિતિ વધુ ખરાબ થાય છે. અને જ્યારે કોઈ આફત આવે છે ત્યારે તેમનો આધાર મહદંશે સરકાર હોય છે. તેથી અમે સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા છે કે જ્યારે પણ કોઈ આવી આફત આવે ત્યારે તમે કોઈ ‘સહાય’ આપવાના બદલે અગાઉથી તેમની માટે ઇન્સ્યોરન્સ લઈ લો. સરકાર પાસે જે કંઈ પણ બજેટ હોય તે તમારા પોતાના માટે તે પ્રિમિયમ ભરો. લોકોને ઇન્સ્યોરન્સ પોસાતો નથી. અને તેથી તમે[સરકાર] જો લોકો માટે પ્રિમિયમ ભરો અને કોઈ આફત આવે ત્યારે તેમની પડખે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઊભી હોય. આ યોજના અમલમાં મૂકવા માટે પરંપરાગત પદ્ધતિ અપનાવવા કરતા થોડી અલગ રીતે તે કરવાનો વિચાર છે. આ માટે પેરામેટ્રિક પદ્ધતિનો ઉપયોગ થશે. આમાં કેટલાંક માપદંડ રાખાવમાં આવશે અને તે રીતે ઇન્સ્યોરન્સ ધારકોને વળતર મળશે. જેમ કે, જો એક દિવસમાં 200 એમ.એમ. વરસાદ વરસે તો તમારો ઇન્સ્યોરન્સ આપમેળે ક્લેઇમ થઈ જાય. આવું થાય એટલે કોઈ વ્યક્તિને નિરીક્ષણ અર્થે નુકસાનનું આકલન જોવા માટે પણ મોકલવાનો નથી. તમે જો પોલિસીધારક છો, તો તમે ક્લેઇમ માટે અધિકારપાત્ર બની જાઓ છો. આ રીતે સરકારને પણ મદદરૂપ થવાય.’
ઇન્સ્યોરન્સ દરેક જોખમ સામે કવર આપવાનું વિચારે છે અને અત્યારે છેલ્લે પાકિસ્તાન સામે જે રીતે સૈન્ય કાર્યવાહી થઈ તે મુજબ દેશમાં સરહદી વિસ્તારમાં જોખમ ઊભું થયું હતું. સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીર યુદ્ધ સંભવિત વિસ્તાર છે, પણ આ વખતે પાકિસ્તાન અને ભારત વચ્ચે ઊભા થયેલા તનાવમાં પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારમાં જોખમ ઊભું થયું હતું. રામાસ્વામી નારાયણ આ અંગે જણાવે છે કે કોઈ જો કોઈ વ્યક્તિ યુદ્ધ સંબંધિત ઇન્સ્યોરન્સ ઇચ્છતા હોય તો ઇન્સ્યોરન્સ કંપનીએ એ પણ તૈયારી રાખવી રહી.
ઇન્સ્યોરન્સમાં બીજો એક અગત્યનો પ્રશ્ન તેમાં થતા ભ્રષ્ટાચારનો છે. હાલમાં જ મહારાષ્ટ્રમાં ખેતી સંબંધિત ઇન્સ્યોરન્સમાં ભ્રષ્ટાચાર થયો છે – તેવા ન્યૂઝ આવી રહ્યા છે અને તેને લઈને મહારાષ્ટ્ર સરકારે પગલાં પણ લીધા છે. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને માત્ર એક રૂપિયામાં ખેતીનો વિમો આપ્યો હતો. આ વિમામાં ખેડૂતે પ્રિમિયમના માત્ર બે ટકા રકમ ભરવાની હતી. ખેડૂત તરફથી બધી વિધી પૂર્ણ થઈ અને જ્યારે ખેડૂતોએ ખેતી માટે ઇન્સ્યોરન્સ ક્લેઇમ કર્યો ત્યારે કંપનીએ તે પાસ ન કર્યા. આવી ઘટના ઘણાં જિલ્લામાં અને ઘણાં ખેડૂતો સાથે બની. મૂળે આ ભ્રષ્ટાચાર સ્થાનિક સ્તરે થયો હતો. જ્યાં ખેડૂતોએ ક્લેઇમ કર્યો તે ક્લેઇમ તેમને ન મળ્યો. કેટલાંક કિસ્સામાં બીજા રાજ્યોના લોકોએ ક્લેઇમ કર્યો. આ માટે જે સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા ત્યાં પણ કેટલાંક ખોટાં ક્લેઇમ પાસ કરવામાં આવ્યા. આમ, મહારાષ્ટ્ર સરકારની ખેડૂતોને ઇન્સ્યોર્ડ કરતી યોજનામાં અનેક સ્તરે ભ્રષ્ટાચાર થયો છે. આ અંગે મહારાષ્ટ્ર સરકાર તપાસ કરી રહી છે. આજે તંત્ર ડિજિટલ થયું છે. લોકોની ઓળખ માટેના પ્રશ્નો રહ્યા નથી. સૌની પાસે બેંક અકાઉન્ટ છે. તેમ છતાં આવી યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે અને તે થઈ જાય ત્યાં સુધી તેને અટકાવી શકાતો નથી.
ઇન્સ્યોરન્સનો મુદ્દો વિશ્વાસનો છે. તેમાં વિશ્વાસ ત્યારે જ જન્મે જ્યારે ઇન્સ્યોરન્સ લેનારો વ્યક્તિનો વાજબી ક્લેઇમ તુરંત પાસ થાય. હજુ પણ કંપનીઓ તે સ્થિતિ આવી નથી. ઉપરાંત ઇન્સ્યોરન્સમાં હજુય ગ્રાહકોના પક્ષે લાભ કરતાં કંપનીના પક્ષે વધુ લાભ છે અને સ્થિતિ તેવી જ રહે તે માટે કંપનીઓ ગ્રાહક કોઈ પણ બાબતે છટકી ન શકે તે રીતે અનેક જગ્યાએ સહી કરાવીને સહમતિ અગાઉથી જ લઈ લે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796