Thursday, October 2, 2025
HomeGujaratAhmedabadફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આવકનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે….

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આવકનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): હિંદી ફિલ્મોમાં આવતી ચડતીપડતીની કથાવસ્તુની જેમ અત્યારે ભારતની ફિલ્મો પોતાના પડતીના સમયગાળામાં છે. ભારતીય અને વિશેષ કરીને હિંદી ફિલ્મોનું બજેટ અને માર્કેટ ખોરવાઈ ગયું છે અને તે અંગેની સ્ટોરી ‘બિઝનેસ ટુડે’માં પ્રકાશિત થઈ છે. આ સ્ટોરીમાં અહેવાલ લખનારા ક્રિશ્ના ગોપાલનને અનેક એવી વિગતો મૂકી આપી છે, જેનાથી ખ્યાલ આવે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અસ્તિત્વ પર જોખમ ઉભુ થયું છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ એટલે એમાં હિંદી ફિલ્મ સહિત દક્ષિણ ભારતની પણ તમામ ઇન્ડસ્ટ્રીઝ; જેઓ હાલમાં ફિલ્મના બિઝનેસ લઈને ચિંતિત છે. આવી ચિંતા દર્શાવનારાઓમાં એક છે પ્રોડ્યુસર ચલુવે ગૌડા. કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું ગણમાન્ય નામ અને આ બિઝનેસમાં મસમોટું સાહસ કરનારા ચલુગે ગૌડા ‘હોમબેલ’ નામની કંપનીના સ્થાપકોમાંના એક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમણે અત્યાર સુધી ‘કેજીએફ-ચેપ્ટર 1’, ‘કાંતારા’ અને ‘સાલાર’ ફિલ્મો આપી છે. આવી મસમોટી બજેટ આપનારી ફિલ્મો આપનારા ચુલવે ગૌડા અત્યારે ફિલ્મોના બજેટની લઈને ચિંતા અનુભવી રહ્યા છે. તેમના મતે થિયેટર સિવાયની ફિલ્મોની રેવન્યૂમાં ઘટાડો થયો છે; તેની સામે પ્રોડક્શન અને આર્ટીસ્ટ ફીમાં જબરજસ્ત વધારો થયો છે – જેના કારણે ફિલ્મ નિર્માણકર્તાઓની સામે વધુ જોખમ ઉભા થયા છે. ફિલ્મ-મેકિંગનું પરંપરાગત મોડલ ધ્વસ્ત થઈ ચૂક્યું છે. તેમના મતે પ્રોડ્યુસર જેટલું જોખમ લઈ રહ્યા છે તેની સામે તેઓને પ્રોફિટની કોઈ ગેરન્ટી નથી. 2024 ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો કુલ બિઝનેસ 18,700 કરોડની આસપાસ હતો. જેમાં ઓટીટી, સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય રિલિઝ, બ્રોડકાસ્ટ રાઇટ જેવાં તમામ બિઝનેસ સમાવિષ્ટ છે.

sikandar
sikandar

અભિનેતા-અભિનેત્રીઓ પોતાની ફી તોંતિગ વધારી મૂકી તેનું એક કારણ કોરોના હતું, જ્યારે ઓટીટી પ્લેટફોર્મની જાયન્ટ કંપનીઓએ અભિનેતા-અભિનેત્રીઓની મોં માંગ્યા દામ આપ્યા. બીજુ કે ફિલ્મ થિયેટરમાં આવે તે પહેલાં ડિજિટલ રાઇટ લેવાવા લાગ્યા. આ રીતે ફિલ્મોમાં કામ કરનારા આર્ટીસ્ટોના ભાવ ખૂબ વધ્યા. આ મોડલથી ફિલ્મોની કોસ્ટિંગ વધુ આવવા લાગી. હવે કોરોના કાળ વીતી ચૂક્યો છે અને તે વખતે પણ જે રીતે નાણાં ચૂકવાતા હતા તેમાં કોઈ કમી આવી નથી. આર્ટીસ્ટોની ફી જસની તસ રહી. હવે ઓટીટી પ્લેટફોર્મ તેમના બજેટમાં ધરખમ ઘટાડો લાવ્યા છે. ઘણી વખત તો ફિલ્મ થિયેટર રિલીઝમાં સારી કમાણી કરી ચૂકી હોય; તેમ છતાં ઓટીટી પ્લેટફોર્મ ફિલ્મને ખરીદવામાં આનાકાની કરે છે અને આ રીતે અનેક ફિલ્મો હાલમાં ઓટીટી પર વેચાણ થતી નથી. ઓટીટી પર ફિલ્મ ન વેચાય અને કોસ્ટીંગ વધતુ રહે – આ રીતે પ્રોડ્યુસર અત્યારે જોખમ વધુ લઈ રહ્યા છે. ફિલ્મોના વધુ ખર્ચનું બિલ આર્ટીસ્ટો પર ફાટતું હોય ત્યારે દેશમાં સૌથી વધુ પૈસા લેનાર સ્ટાર કોણ છે – તે પણ જાણી લેવું જોઈએ. જો તે સ્ટાર દક્ષિણનો છે એમ કહેવામાં આવે તો તેમાં પહેલું નામ કેટલાંક લોકો રજનીકાંતનું લેશે. પરંતુ રજનીકાંત વધુ પૈસા લેનાર સ્ટાર નથી. તેમાં પહેલું નામ આવે છે તે અલ્લુ અર્જુનનું. ‘પુષ્પા -2’ માટે અલ્લુ અર્જુને ફી પેટે 300 કરોડ રૂપિયા લીધા હતા. આ ફિલ્મના પ્રોડક્શનનો ખર્ચ 450 કરોડ સુધી પહોંચ્યો હતો. અર્જુન પછી બીજા ક્રમાંકે સૌથી વધુ સ્ટાર વેલ્યુ મેળવનાર અભિનેતા વિજય છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના વિજય 250 કરોડ સુધીની ફી લે છે. આવા સ્ટારની ફી ફિલ્મની પ્રોડક્શન વેલ્યૂ ત્રણ ગણી વધારે છે. હિંદી ફિલ્મોમાં ત્રણેય ખાન પ્રોફીટ શેરીંગના મોડલના અનુસરે છે.

- Advertisement -
OTT
OTT

ફિલ્મ મોંઘુ માધ્યમ છે અને તે માધ્યમ જ્યારે કમાવીને આપે છે ત્યારે તેનો પ્રોફીટ પણ ધૂમ હોય છે. પરંતુ હવે તેમાં જોખમ વધુ દેખાવવા માંડ્યું એટલે પ્રોડ્યુસરો તે અંગે ફરિયાદ કરી રહ્યા છે. ફિલ્મના માધ્યમમાં મહત્તમ કમાણી આર્ટીસ્ટ કરી રહ્યા છે તે દોર ફિલ્મ નિર્માણ થવાની શરૂઆત થઈ પછી સંભવત્ પ્રથમવાર આવ્યો છે, જ્યારે નવાસવા આર્ટીસ્ટોને પણ કામ મળવા લાગ્યું છે. અને તેમને વાજબી વળતર મળતું થયું છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આ બદલાવમાં પ્રોડ્યુસરો બૂમાબૂમ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જોખમ સામે અમારી કોઈ નિર્ધારીત આવક રહી નથી. સામાન્ય રીતે પ્રોડ્યુસર ફિલ્મના પ્રોજેક્ટમાં ખર્ચ કરે પછી તે જ્યાંથી રેવન્યૂ મેળવે છે – તેમાં એક છે થિયેટર, બીજું મ્યુઝીક, ત્રીજું સેટેલાઈટ અને ચોથું ડિજિટલ પ્લેટફોર્મ. જોકે કોરોનાની મહામારી દરમિયાન દર્શકોનો મોટો હિસ્સો માત્ર ઓટીટી ફિલ્મ પર મનોરંજન મેળવતો હતો. અને તે દરમિયાન ઓટીટીના માંધાતાઓ કહેવાય તેવાં ‘નેટફ્લિક્સ’, ‘એમેઝોન પ્રાઇમ’, ‘ડિઝની’ અને ‘હોટસ્ટાર’ ધરખમ રકમના ચેક બનાવીને તમામ ભાષામાં કન્ટેન્ટ ખરીધતા હતા. પરંતુ તેની ભરપાઈ એવી ન થઈ શકી.

thugs
thugs

બીજા કેટલાંક પ્રોડક્શન હાઉસ એવું સ્વીકારે છે કે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું જોખમ વધ્યું છે, પણ તેઓ દોષ માત્ર એક્ટર્સ પર નથી નાંખતા. જેમ કે, ‘બાહુબલિ’ ફિલ્મને પ્રોડ્યુસ કરનારા ‘અરકા મીડિયા વર્ક્સ’ના સ્થાપક શોભુ યરલગડ્ડા મુજબ સમગ્રતામાં જોઈએ તો ફિલ્મ પ્રોડક્શનમાં તમામ ખર્ચ વધ્યો છે. તેઓ માને છે કે હવે નિર્માણકર્તાઓએ સ્ક્રીપ્ટ અને સારાં કન્ટેન્ટની પરખ કરવાની રહેશે. તેઓ આ વાતને સમજાવતા કહે છે કે, પહેલાં એવું હતું કે તમે સારાં ડિરેક્ટર અને સ્ટાર એક્ટરને લો એટલે કામ પૂરું થઈ જતું હતું. હવે એવું નથી. જો ફિલ્મ સારી નથી તો કોઈ પણ સ્ટાર તે ફિલ્મને બચાવી શકતો નથી. આ માટે તેઓ ‘કંતારા’ અને ‘હનુ-માન’ ફિલ્મનું ઉદાહરણ આપે છે. જેનું બજેટ ઓછું હતું પણ તેની સફળતા ત્રણસો કરોડને આંબી ગઈ હતી. જોકે આ સાથે એક વાત શોભુ યરલગડ્ડા કરે છે કે તેમ છતાં હજુ પણ એવાં પ્રોડ્યુસર છે જેઓ મસમોટું જોખમ ખેડે છે. નિતિષ તિવારી દ્વારા નિર્મિત બે ભાગમાં ‘રામાયણ’ ફિલ્મનું બજેટ 1600 કરોડનું કહેવાય છે.

સ્ટારની સામે હવે સ્ટોરી કેવી રીતે આગળ વધી ચૂકી છે – તે વાત જીઓ સ્ટારના હેડ આલોક જૈન પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આજનો દર્શક મજબૂત સ્ટોરી અને અસ્સલ કન્ટેન્ટને પ્રાથમિકતા આપે છે. તેઓ એવું પણ કહે છે કે હવે ફિલ્મોમાં વધુ ખર્ચ કરવાની વાતને કોરાણે મૂકીને સાચા માર્ગે કેવી રીતે ખર્ચ થઈ શકે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. લાંબા સમય સુધી ટકી રહેવાનો આ જ માર્ગ છે. આ રીતે સૌથી શ્રેષ્ઠ કન્ટેન્ટ મેળવવાની હોડ લાગી છે, પરંતુ અત્યારે તમામ પ્લેટફોર્મ તે વિશે પ્રયોગ કરી રહ્યા છે. બીજું કે દર્શકો માત્ર ને માત્ર સ્ટારને મહત્ત્વ નથી આપતા, તે આમીર ખાનના દાખલાથી સારી રીતે સમજી શકાય. આમીર ખાન સ્ટાર તરીકે સારી વેલ્યૂ ધરાવે છે, તેમ છતાં તેની છેલ્લી બંને ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાન અને લાલસિંઘ ચઠ્ઠા બોક્સ ઓફિસ પર નિષ્ફળ પુરવાર થઈ હતી. જ્યારે હાલની સિતારે જમીન પર તેના હટકે સ્ટોરીના કારણે સફળ રહી છે. આ ફિલ્મનું બજેટ 90 કરોડની આસપાસ હતું. પ્રોડ્યુસર તરીકે આમીર ખાને ફિલ્મની ફી ન લીધી હોય. આ લખાય છે ત્યાં સુધી આ ફિલ્મની કમાણીનો આંકડો 160 કરોડ સુધી પહોંચી ચૂક્યો છે. મતલબ કે હાલમાં ફિલ્મ સિત્તેર કરોડથી વધુ નફામાં ચાલી રહી છે. જોકે હજુ પણ તેના કોઈ અન્ય રાઇટ્સ વેચવામાં આવ્યા નથી. સામાન્ય રીતે આવી ફિલ્મો પ્રદર્શિત થાય તે અગાઉ ડિજિટલ અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર વેચાઈ જાય છે. પરંતુ આ કિસ્સામાં આમીર ખાને તેમ કર્યું નથી. એક એવી માન્યતા છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર વેચાણનો આમીર ખાને જે કિંમત મૂકી તે 120 કરોડની છે- જે પોસાય તેમ નથી. ફિલ્મોમાં ઘટી રહેલા પ્રોફિટનું એક કારણ ઓછા થઈ રહેલા સ્ક્રીન્સ છે. 2023માં સ્ક્રીનની સંખ્યા 9,742 હતી, જે ઘટીને 2024માં 9,927 થઈ હતી. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આ રીતે બધી બાજુથી માર પડી રહ્યો છે. સામાન્ય રીતે એન્ટરટેઇનમેન્ટને આપણે ઇન્ડસ્ટ્રીઝ તરીકે જોતા નથી. આ ઇન્ડસ્ટ્રી છે અને તેના પર નભનારા લાખો લોકો માટે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે. જો આવું જ રહેશે તો પ્રોડ્યુસર પર લટકતી જોખમની તલવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા નાના માણસો પર આવતા વાર નહીં લાગે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular