કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના યુદ્ધમાં અત્યારે જે રીતે ગાઝા પટ્ટીના કરૂણ દૃશ્યો સામે આવી રહ્યા છે તેનાથી વિશ્વના સંવેદનશીલ અને જાગ્રત લોકો આહત છે. હાલમાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ દેખાતો નથી. ખાસ કરીને બાળકો, બીમારીથી પીડાતાં લોકો અને વૃદ્ધો માટે ગાઝામાં રહેવું ઇઝરાયલે દુશ્કર બનાવી દીધું છે. ચારેકોર ખંડેર બની ગયેલા આ ક્ષેત્રમાં અનેક ડૉક્ટર પોતાની સેવા આપી રહ્યા છે અને ગાઝાના બાળકો અને બીમારોને બચાવવા માટે પોતાનો શક્ય એટલો પ્રયાસ કરી રહ્યા છે. આ ડૉક્ટરો ગાઝા માટે દેવદૂત સમાન છે, તેમના વિના બાળકોને અને બીમારીથી પીડાતાં લોકોને બચાવવા મુશ્કેલ છે, અને એટલું જ નહીં આ ડૉક્ટરો દિવસના ચોવીસ-ચોવીસ કલાક કામ કરે છે, પણ ઇઝરાયલના હૂમલાઓ સામે તેઓ પણ મોતના ભય સામે ઝઝૂમે છે. તેમ છતાં યુદ્ધ શરૂ થયું ત્યારથી તેઓ સતત ખડેપગે કામ કરી રહ્યા છે. યુદ્ધ શરૂ થયું ત્યારથી અહીંયા ‘ડૉક્ટર ઑફ ધ વર્લ્ડ’ નામની સંસ્થા અંતર્ગત અનેક ડૉક્ટર કાર્યરત છે. આ ઉપરાંત પણ અનેક ડૉક્ટર વિવિધ સંસ્થાઓ કે વ્યક્તિગત રીતે પોતાની સેવા આપવા માટે ગાઝા પહોંચ્યા છે. તેમાંથી એક અમેરિકાના ડૉ. સીમા જિલાની છે, જેમણે બે અઠવાડિયા સુધી ગાઝામાં કામ કર્યું છે. ગાઝાની સ્થિતિ વિશે ડૉ. સીમા જિલાનીએ ‘એનપીઆર’ નામની વેબસાઈટને જે ઇન્ટરવ્યૂ આપ્યો છે, તેમાં તે કહે છે કે, ‘ગાઝાની હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી. લોકો રીતસર ફર્શ પર પડ્યા રહીને પોતાનો ઇલાજ માટે રાહ જોઈ રહ્યા છે. ગાઝામાં જગ્યાનો તો કોઈ અવકાશ નથી, પરંતુ તમે કામની વચ્ચે શ્વાસ લઈ શકો તેવી પણ સ્થિતિ નહોતી. એક સમયે તો મને એવું લાગ્યું કે ઇલાજ કરવાં કરતા દરદીઓની પીડા ઓછી થાય તેના પર ધ્યાન આપવું. કોઈ સગવડ આપવાની તો વાત નહોતી. ગાઝામાં ઇમર્જન્સી રૂમમાં પડેલાં લોકોને જોઈએ ત્યારે મોત કેટલું ભયાવહ હોઈ શકે તે જોઈ શકાતું હતું.’

ડૉક્ટરો માટે અહીંયા કામ કરવું કેટલું કઠિન છે તે વિશે ‘ડૉક્ટર ઑફ ધ વર્લ્ડ’ નામની વેબસાઇટ પર ગાઝા વિશેનો અહેવાલ આપ્યો છે. આ ક્ષેત્ર છેલ્લા પચાસ વર્ષથી યુદ્ધ સંઘર્ષથી ઘેરાયેલો છે અને તેમાં ઇઝરાયલની સતત વૉચ રહી છે. અંદાજે 18 લાખ લોકો ગાઝા પટ્ટીમાં રહે છે અને તેમાંથી સિત્તેર ટકા લોકો અતિ ગીચ રેફ્યૂજી કેમ્પમાં વસે છે. ગાઝાની માળખાગત સુવિધા ધ્વસ્ત થઈ ચૂકી છે, ઘણી જગ્યાએ ઇઝરાયલે હોસ્પિટલ પર પણ હૂમલો કર્યો છે અને હોસ્પિટલોમાં ખંડહર બની ચૂકી છે. આ સ્થિતિમાં મેડિકલ કામ કરવું મુશ્કેલ છે અને દિવસે ને દિવસે ઇઝરાયલ સરકાર અને સૈન્ય ગાઝામાં વધુ ને વધુ કહેર ગુજારી રહ્યા છે. ‘રહમા વર્લ્ડવાઇડ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા ગાઝામાં કાર્યરત સર્જન અહાબ મસ્સાદ ગાઝામાં કામ કરવાના અનુભવ અંગે એમ કહે છે કે અહીંયા રાતદિવસ કામ કર્યા બાદ પણ એમ થયા કરે છે કે હજુય ગાઝાના લોકો માટે શું કરીએ? ઘણી વાર તો અહાબ પોતાની જાતને એકદમ નિસહાય અનુભવે છે, પરંતુ પોતાનો ધર્મ બજાવી રહ્યાનો સંતોષ તેમને ગાઝામાં ટકાવી રાખે છે. બીજું કે ગાઝામાં ડૉક્ટર તરીકે કામ કરવાની ઇચ્છા હોય તેમ છતાં ત્યાં જવા અર્થે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. ઓર્થોપેડિક સર્જન અનસ હજ્જાવીએ પણ આ રીતે લાંબી વાટ જોયા બાદ ગાઝામાં કામ કરવની તક મળી હતી. આ સૌ ડૉક્ટરોનો અનુભવ એવો છે કે ગાઝામાં રોજેરોજ મૃત્યુ થતાં લોકોને જોવા, તેમની બીમારી અને તેમને થયેલી ઇજાને જોયે રાખવી અને તેમાં કોઈ સંસાધનો ન હોવા – તમારું મનોબળ તોડી નાંખે છે. ઇઝરાયલ અનેક વાર હોસ્પિટલમાં આવતી સામગ્રીને અટકાવી ચૂક્યું છે. બીજું કે ડૉક્ટરોને પોતાને પણ યુદ્ધમાં કામ કરવાનો ભય લાગે છે, પણ જ્યારે ‘અલ-ઝઝીરા’ ન્યૂઝ ચેનલ પર મુલાકાત દરમિયાન કામ કરી રહેલા ડૉક્ટર દિયા રાજદાને કહ્યું હતું કે ગાઝામાં જોખમે કામ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. ડૉક્ટર જ્યાં સુધી માનવધર્મને સર્વોપરી ન મૂકે ત્યાં સુધી ગાઝામાં કામ કરવું અશક્ય છે.

‘ડૉક્ટર ઑફ ધ વર્લ્ડ’ નામની વેબસાઇટ પર હવે ઇઝરાયલ યુદ્ધમાં કેવી રીતે મેડિકલ સુવિધા પૂરી ન પડવી જોઈએ તેને લઈને એક અહેવાલ પ્રકાશિત થયો છે. તેમાં એવી વિગત છે કે હવે ઇઝરાયલે ભૂખમરાને યુદ્ધનું હથિયાર બનાવ્યું છે. કારણ કે બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ અતિ કૂપોષણથી પીડાતા હોય તેવાં કિસ્સા છેલ્લા છ દરમિયાન ખૂબ વધ્યા છે. દર ચોથું બાળક અને વીસ ટકા ગર્ભવતી સ્ત્રીઓ કૂપોષણથી મોતના ગર્તકમાં ધકેલાઈ રહ્યા છે. આવું થઈ રહ્યું છે તે માટે ‘ડૉક્ટર ઑફ ધ વર્લ્ડ’ સંસ્થા પાસે ફર્સ્ટ હેન્ડ ડેટા પણ છે. આ રીતે એક અન્ય સંસ્થા ‘ડૉક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ના પેલેસ્ટાઇન ક્ષેત્રના પ્રમુખ એન્ને ટેલરે પણ અહીંયા જે મેડિકલ સુવિધા આપવામાં આવે છે તેને લઈને ડૉક્ટરોના અનુભવ ‘ધ ન્યૂ યોર્કર’ નામની ન્યૂઝ ચેનલ સમક્ષ જણાવ્યાં હતાં. તેમનું માનવું છે કે, ગાઝામાં અલ-શીફા નામની હોસ્પિટલને થયેલાં નુકસાનથી હવે ત્યાં કામ કરવું મુશ્કેલ બન્યું છે. અને ક્ષણેક્ષણે ત્યાં શું થઈ રહ્યું છે તે બધું અમારા સુધી પહોંચતું નથી. સૌથી મોટો પ્રશ્ન મેડિકલ સ્ટાફની સુરક્ષાનો છે, પરંતુ તે કિસ્સામાં કેટલોક વિશ્વાસ રાખીને પણ ગાઝામાં સારવાર માટે ઉતરવું જ પડે.

ગાઝામાં ડૉક્ટર તરીકે કાર્યરત અલ્લા અલ નઝ્ઝર વર્ષોથી કાર્યરત હતા અને તેમના જીવનનો ઉદ્દેશ્ય હતો કે ગાઝામાં જેઓને પણ સારવારની આવશ્યકતા હોય તેમની શક્ય એટલાં વહેલાસર સારવાર કરવી. પરતું 25મેનો દિવસ અલ્લા અલ નઝ્ઝર માટે ગોઝારો બન્યો. તેમનો પરિવાર ખાન યુનુસ નામના વિસ્તારમાં રહેતો હતો અને અલ્લા અલ નઝ્ઝર નવ બાળકોના પિતા હતા. ‘હતા’ લખવાનું કારણ કે ઇઝરાયલના એરસ્ટ્રાઇકમાં તેમના નવેનવ બાળકો મૃત્યુ પામ્યા છે. ‘બીબીસી’ દ્વારા ગાઝાનું સતત રિપોર્ટિંગ થાય છે. ‘બીબીસી’માં 18 ફેબ્રુઆરી 2024માં થયેલી એક સ્ટોરીનું મથાળું એવું છે જેમાં ડૉક્ટરો કહી રહ્યાં છે કે અમે કલાકો સુધી દરદીઓનો ઇલાજ નથી કરી શકતા અને તેઓની ચીસો અમને સંભળાય છે. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ દ્વારા સુધ્ધા એવું નિવેદન આવ્યું હતું કે ગાઝામાં સ્વાસ્થ્ય સુવિધાઓની સુવિધા એટલી હદે બદતર થઈ ચૂકી છે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
ઇઝરાયલ હોસ્પિટલને નિશાન બનાવે છે તેનું કારણ ઇઝરાયલ સૈન્ય દ્વારા આપવામાં આવ્યું છે કે પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન ‘હમાસ’ દ્વારા હોસ્પિટલનો ઉપયોગ આંતકી પ્રવૃત્તિઓ માટે થાય છે. ઇઝરાયલ એ હદે હોસ્પિટલોને નિશાન બનાવી છે કે અહીંયાની હોસ્પિટલોમાં એનેસ્થેશિયા, ઑક્સિજન સુધ્ધા ઉપલબ્ધ નથી. એન્ટિબાયોટિક્સ અને પેઇનકિલર પણ મર્યાદિત સ્ટોકમાં છે. એક અન્ય સ્ટોરીમાં ડૉક્ટરોએ રોજબરોજની તેમની મુશ્કેલી વર્ણવી છે. ડૉ. વિસ્સામ સુકર જણાવે છે કે તેઓ રોજ ગાઝાની વેરાન થયેલી ગલીઓમાંથી પસાર થાય છે. ડૉક્ટર તરીકે વિસ્સામનું કહેવું છે કે અહીંયા આહાર નથી, ચોખ્ખુ પાણી નથી અને તેથી બીમાર વ્યક્તિને સાજા કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. બીજું કે એક સ્થાને રહેતાં હોવાથી અનેક બાળકો ચેપી બીમારીથી ઝડપથી બીમાર પડે છે. ડૉક્ટર વિસ્સામ છેલ્લા બે વર્ષથી આ સ્થિતિ જોઈને થાકી ગયા છે અને તેમને હવે કોઈ આશા દેખાતી નથી. ઉપરાંત તેઓ આ ભયાવહ સપનાંનો કોઈ અંત પણ જોઈ રહ્યાં નથી. અમેરિકાના સર્જન ડૉક્ટર તાન્યા હજ હસ્સન જેઓ ગાઝા પટ્ટીમાં કામ કરી ચૂક્યા છે, તેઓ ‘સંયુક્ત રાષ્ટ્ર’માં ગાઝાની સ્થિતિને બયાન કરતી વેળાએ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં હતાં.
ઇઝરાયલ પર પેલેસ્ટાઇનના આંતકવાદી સંગઠનના ‘હમાસ’ના હૂમલા પછી ગાઝા પટ્ટીના લોકોનું જીવન દુશ્કર થઈ ચૂક્યું છે. પૂરા વિશ્વમાં ગાઝાના આ વિઝ્યૂઅલ પહોંચી રહ્યા છે તેમ છતાં ઇઝરાયલને કોઈ રોકી શકતું નથી. ઇઝરાયલ પોતાના દેશ પર થયેલા હૂમલામાં પહેલાં આંતકીઓ ટારગેટ થયા હવે આમ જનતા ટારગેટ પર છે. આ સ્થિતિમાં સમાધાનની વાટ જોવાઈ રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796