નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ગેડિયામાં ચાર વર્ષ પહેલાં થયેલા પિતા-પુત્રના એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક આવ્યો છે. ધ્રાંગધ્રા કોર્ટના આદેશના આધારે હવે બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત કુલ 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક હનીફખાન અને તેના પુત્ર મદિનખાનને પોલીસે ગોળી મારીને એન્કાઉન્ટર કર્યું હતું. આ મામલામાં પરિવારજનોએ શરૂઆતથી જ આ એન્કાઉન્ટરને નકલી ગણાવતા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હવે, કોર્ટના આદેશ બાદ ગુરુવારની સાંજે આ મામલામાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
વર્ષ 2021માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામમાં થયેલા ચકચારી પિતા-પુત્રના એન્કાઉન્ટર કેસમાં મહત્વપૂર્ણ તબક્કો સામે આવ્યો છે. કોર્ટના આદેશના આધારે PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુરુવારના મોડી રાત્રે બજાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ટૂંક સમયમાં આરોપી પોલીસકર્મીઓની ધરપકડ થવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
શું છે સમગ્ર મામલો?
ગેડિયામાં રહેતા હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદિનખાનનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. પોલીસના દાવા મુજબ, હનીફખાન સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા અને તેમાંથી 59 ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આરોપીને ઝડપી લેવાના પોલીસના પ્રયાસ દરમિયાન તેણે પોલીસ પર હુમલો કર્યો હોવાના દાવા સાથે પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે પિતા અને પુત્રનું મોત થયું હતું.
આ ઘટના સમયે PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ હતા. જોકે, મૃતકોના પરિવારજનો એંકાઉન્ટરને નકલી ગણાવી રહ્યા હતા. તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને સમગ્ર કેસમાં ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી હતી.
કોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો
ઘટનાના ચાર વર્ષ બાદ ધ્રાંગધ્રા કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ પોલીસ વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે. હવે PSI સહિત તમામ પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો છે. FIR મુજબ આરોપીઓના નામ નીચે મુજબ છે:
PSI વિરેન્દ્રસિંહ જાડેજા
દિગ્વિજયસિંહ
રાજેશ સવજીભાઈ
કિરીટ ગણેશભાઈ
પહલાદ પ્રભુભાઈ
શૈલેશ પહલાદભાઈ
ગોવિંદભાઈ
આ કેસ હવે ગુજરાતની અમરેલી પોલીસ તંત્ર માટે મોટો પડકારરૂપ બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કોર્ટમાં પોલીસ પોતાના દાવાઓને કેટલા અસરકારક રીતે સાચવી શકે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








