નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાત હાઈ કોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને લઈને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત અનેક વિસ્તારમાં તબેલા હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેને લઈને માલઘારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શન કરીને માલધારી સમાજના લોકો આંદોલન પર ઉતરી ગયા હતા. બીજી બાજુ ચૂંટણી પણ નજીક આવી રહી છે. જેથી સરકાર પણ આવા આદોલનનો અંત લાવવાના પ્રયાસ કરવા લાગી છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ સુરતના અનેક વિસ્તારોમાં તબેલાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે અવાર-નવાર ઢોર પાર્ટી અને પશુપાલક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. સુરત મહાનગરપાલિકાની આ કામગીરીથી માલધારી સમાજ ભારે રોષે ભરાયો હતો અને છેલ્લા ચાર દિવસથી સરકાર સામે મોરચો ઉપાડ્યો હતો.
સુરતમાં છેલ્લા ચાર દિવસથી માલધારી સમાજ આંદોલન પર ઉતરી આવ્યો હતા, સાથે જ દુધનું વેચાણ ન કરીને જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ડોભોલી વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજનો લોકો એકઠા થયા હતા. જેમાં સમાજના આગેવાન, સાઘુ-સંતો પણ હાજર રહ્યા હતા. બીજી બાજુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલની ઓફિસમાં માલધારી સમાજના આગેવાનોની મીટિંગ યોજાયી હતી. આ દરમિયાન સી. આર. પાટિલે CM ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ સી. આર. પાટિલે સમાજના આગેવાનોને દિવાળી સુધી તબેલા નહીં હટાવવા બાંહેધરી આપી હતી. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી કાર્યવાહી કરવામાં આવશે.








