નવજીવન ન્યૂઝ. સુરત: એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ આજે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ પૂરું પડ્યું છે. વાત એવી હતી કે વિદ્યાર્થીઓને જાણવા મળ્યું કે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા તેમના એક શિક્ષકનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, જેના વિરોધમાં આજે શાળાના લગભગ 400થી 500 વિદ્યાર્થીઓ ધરણા ઉપર બેઠા હતા અને ટ્રસ્ટીઓના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
રાંદેર વિસ્તારમાં આવેલી લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલ જિગ્નેશ પટેલનું શાળાના કોમર્સ વિભાગના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જેના વિરોધમાં આજે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ રેલી કાઢી હતી અને શાળાના ટ્રસ્ટીમંડળ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જોડાયા હતા.
વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમના પ્રિન્સિપાલ અને શિક્ષક જિગ્નેશ પટેલ પાસેથી શાળાના ટ્રસ્ટીઓએ જબરજસ્તી રાજીનામું લખાવી લીધું છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે, “અમારા શિક્ષક વિદ્યાર્થીઓની વાત મેનેજમેન્ટ સમક્ષ મુક્તા હતા અને તેમની સામે અમારા પ્રશ્નોની રજૂઆત કરતાં હતા. વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ મળે તેવા અભ્યાસક્રમનો તેમણે વિરોધ કરતાં હતા, ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા તેમને અપશબ્દો પણ બોલવામાં આવતા હતા. અમારા સરને પાછા લેવામાં નહીં આવે તો અમે બધા શાળામાંથી એલસી લઈ લઈશું.”
લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલ જિગ્નેશ પટેલે આ અંગે જણાવ્યુ હતું કે, “હું 2005થી આ શાળા સાથે જોડાયો છું. આ મુદ્દાની શરૂઆત ફાઉન્ડેશન સ્કૂલ શરૂ કરવા બાબતે થઈ હતી. શાળામાં વિદ્યાર્થીઓને દબાણ ન કરવામાં આવે તેને લઈને અમે રાજીનામું આપ્યું હતું, શાળાના અન્ય શિક્ષકો પણ મૌખિક રીતે મારી સાથે જોડાયા હતા. મેનેજમેન્ટ સાથે હજુ અમારે કોઈ વાત થઈ નથી, પરન્તુ શાળામાં આટલા સમયથી વિદ્યાર્થીઓ સાથે કામ કરું છે એટલે જ તેમણે મને આટલો પ્રેમ કરે છે અને સાથ આપે છે.”
![]() |
![]() |
![]() |