નવજીવન ન્યૂઝ. ભરૂચ: Bharuch News: લગ્નની લાલચ આપી પ્રેમના નામે છેતરપીંડી કરી નાદાન સગીરાઓને ફસાવવાના કિસ્સા વધી રહ્યા છે. પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરવું સામાન્ય બાબત બની ગઈ છે, ત્યારે ભરૂચમાં (Bharuch) બે બહેનો સાથે છેતરપીંડી કરી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પીડિતને 28 સપ્તાહના ગર્ભભાતની (pregnancy abortion) મંજૂરી માટે હાઈકોર્ટ (Gujarat High Court) અને સુપ્રીમ કોર્ટના (Supreme Court) દ્વાર ખખડાવવા પડ્યા છે.
મળતી માહિતી મુજબ, ભરૂચ જીલ્લાના તાલુકા મથક પાસે આવેલા એક ગામમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર રહે છે. જેમાં પીડિતાના માતા-પિતા ઉપરાંત પીડિતાની ધોરણ-10 અભ્યાસ કરતી બહેન અને ધોરણ-5માં અભ્યાસ કરતાં ભાઈનો સમાવેશ થાય છે. પીડિતા ધોરણ-12 સુધીનો અભ્યાસ કરી પિતાને આર્થિક મદદ કરવા નોકરી કરી રહી હતી. પીડિતા નોકરી કરવા ગામથી તાલુકા મથક સુધી જવા અપડાઉન કરતી હતી. પીડિતા અપડાઉન કરવા ખાનગી ટેક્સી કે બસનો ઉપયોગ કરતી હતી. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને બસ કરતાં ટેક્સીનું ભાડું ઓછું હોવાથી તેને ટેક્સીમાં અપડાઉન કરવાનું વધારે ઉચિત જણાતું હતું. આ દરમિયાન પીડિતાનો પરિચય આ વિસ્તારમાં ટેક્સી ચલાવતા એક ટેક્સી ચાલક થયો હતો. બંને વચ્ચે પરિચય થતાં બંને વચ્ચેનો પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. આરોપી ભાડે વાહન લઈ ટેક્સી ચલાવતો હતો.
બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પીડિતાએ પોતાના માતાપિતાને પ્રેમી સાથે લગ્નની વાત કરતા તેમણે પણ લગ્ન માટે સંમતિ આપી દીધી હતી. આ બધી જ બાબતોની વચ્ચે આરોપીએ પોતે પરણિત હોવાની વાત પીડિતા સામે છુપાવી હતી. તથા પીડિતાના માતાપિતાએ લગ્ન માટેની સંમતિ આપતા જ આરોપી પીડિતાના માતાપિતા સાથે રહેવા આવી ગયો હતો. આ બાબતે પીડિતાએ આરોપીને પૂછતા આરોપીએ કહ્યું કે, તેના માતાપિતા આ લગ્ન માટે સંમતિ આપતા ન હોવાથી તે પોતાનું ઘર છોડીને આવી ગયો છે. આમ આરોપીએ પીડિતા અને તેના માતાપિતાને પૂરેપૂરા વિશ્વાસમાં લઈ લીધા હતા. આરોપી ઘરના સભ્યની જેમ જ પીડિતાના ઘરે રહેવા લાગ્યો. જેથી પીડિતાને ભરોસો બેસી ગયો કે આરોપી પોતાની સાથે લગ્ન કરી લેશે. જેથી બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા. થોડા જ સમયમાં પીડિતા ગર્ભવતી બની ગઈ હતી.
પીડિતાનો ગર્ભ 6 માસનો થવા છતાં આરોપીએ પીડિતા સાથે લગ્ન કરવાની કોઈ તૈયારી બતાવી નહીં. તેમજ આરોપી પીડિતાને તેની બહેનના ઘરે લઈ ગયો. એક સપ્તાહ બાદ તેઓ પીડિતાના ઘરે ફરત ફર્યા. આરોપીએ પીડિતાની બહેન કે જે ધોરણ-10માં અભ્યાસ કરતી હતી તેના પર પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપી મારી બહેનને સ્કૂલે મકવા જવાનું કહી કોઈ સૂમસામ જગ્યા પર લઈ ગયો અને મારી બહેનની મરજી વિરુદ્ધ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. સાથે જ આરોપીએ બહેનને નાના ભાઈને જાનથી મારી નાખવાની અને મારી સાથે લગ્ન ન કરવાની ધમકી આપી હતી. જેથી બહેને આ બાબતે કઈ પણ બોલવાનું ટાળ્યું હતું. પરંતુ બહેનને પેટમાં સતત દુખાવો થતાં તેની માતા તેને હોસ્પીટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેની ઉપર બળાત્કાર થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બાદમાં પીડિતા દ્વારા આરોપીને ફોન કરવામાં આવતા તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર પછી આરોપીના ઘરે તપાસ કરતાં આરોપી પરણિત હોવાની જાણ થઈ હતી.
પીડિતા દ્વારા ઝગડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામા આવી હતી. ઝગડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર બી. એસ. સીલાનાએ કહ્યું કે, હ્યુમન રિસોર્સ અને ઈન્ટેલિઝન્સથી તપાસ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પોકસો(પ્રોટેક્ષણ ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુલ ઑફેન્સ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
છેતરપીંડીનો ભોગ બનેલી યુવતીએ કહ્યું કે, આ સ્થિતિમાં જીવવું ખૂબ જ મુશ્કેલ છે. પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી હોવાથી પરિવાર કોર્ટમાં જઈ શકે તેમ નથી. તેવા સંજોગોમાં ગર્ભપાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગર્ભપાત માટે નિર્ધારિત સમય કરતાં વધુ 24 સપ્તાહનો સમય થઈ ગયો હોવાથી કોર્ટના હુકમ વિના ગર્ભપાત થઈ શકે તેમ ન હતો. જેથી હોસ્પિટલ દ્વારા પણ ગર્ભપાત કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. જેથી પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. જો કે, હાઈકોર્ટે પણ 24 સપ્તાહનો ગર્ભપાત કરવાની અરજી નામંજૂર કરતા પીડિતાની મુશ્કેલી વધી હતી. આવી સ્થિતિમાં ગરીબ પરિવાર સુપ્રિમકોર્ટ સુધી કેવી રીતે જઈ શકે તે એક યક્ષ સવાલ છે. પણ સમાજમાં એવા પણ કેટલાક લોકો છે જે સમાજના લોકોની ચિંતા કરે છે, તેઓની સાથે નિસ્બત રાખે છે અને પોતાની ફરજ પ્રામાણિકતાથી બજાવે છે. એવું એક વ્યક્તિત્વ પ્રેમીલાબેન વરમોરા પીડિતાની મદદે આવ્યા, તેઓએ કાનૂની સહાય સમિતિનો સંપર્ક કરી 28 માસના ગર્ભની ગર્ભપાત કરવાની મંજૂરી માગતી અરજી કરી અને સુપ્રીમ કોર્ટે પણ કેસની ગંભીરતા અને પીડિતાના ભવિષયને ધ્યાનમાં લઈ 28 સપ્તાહના ગર્ભપાતની ઐતિહાસિક મંજૂરી આપી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટેને કેસ સબંધે ઝડપથી સુનાવણી યોજવા તથા પીડિતાના ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય લેવા નિર્દેશ કર્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796