નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા પ્રખ્યાત ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટમાં 20 જુલાઈની મોડી રાત્રે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. શહેરના જાણીતા બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થડે પાર્ટીમાં દારૂના નશામાં ધૂત 13 યુવકો અને 26 યુવતીઓ સહિત કુલ 39 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

બાતમીના આધારે પોલીસનો મોટો દરોડો
સાણંદ પોલીસને બાતમી મળી હતી કે ગ્લેડ વન રિસોર્ટમાં મોટાપાયે દારૂની પાર્ટી ચાલી રહી છે. જેના આધારે DySP નીલમ ગોસ્વામીના નેતૃત્વમાં સાણંદ, અસલાલી, ચાંગોદર અને બોપલ પોલીસની ટીમોએ સાથે મળીને રાત્રે રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. પાર્ટીમાં લગભગ 100 જેટલા લોકો હાજર હતા. પોલીસે બ્રેથ એનેલાઈઝર વડે તમામની તપાસ કરતાં 39 લોકો નશાની હાલતમાં મળી આવ્યા હતા.
મોડી રાત સુધી ચાલી કાર્યવાહી
પોલીસે નશામાં ઝડપાયેલા તમામ 39 યુવક-યુવતીઓને મેડિકલ તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાં તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 3 વાગ્યે તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસે 5 સીલબંધ વિદેશી દારૂની બોટલો પણ જપ્ત કરી છે. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પકડાતા તેમના પરિવારજનો પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.

24 કલાકમાં બીજી મોટી રેડ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય પોલીસે છેલ્લા 24 કલાકમાં દારૂની મહેફિલો પર આ બીજો મોટો દરોડો પાડ્યો છે. આ પહેલા 20 જુલાઈની વહેલી સવારે જ શેલાના ક્લહાર બ્લૂ ગ્રીન વિલામાંથી પણ અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈના 12 નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા.