નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યમાં ‘પતિ, પત્ની ઓર વો’ ની ઘટનાનો કરૂણ અંજામ આવ્યો છે. અમદાવાદના સાણંદ (Sanand) તાલુકામાં પત્ની પર પતિને શંકા જતાં તેના પર વોચ ગોઠવી હતી. જોકે મેળામા પતિ-પત્ની આનંદ માણવા માટે ગયા હતા. તે દરમિયાન પત્ની પ્રેમીને મળવા માટે જતા પતિના હાથે ઝડપાઈ ગઈ હતી. આમ લગ્નેતર સબંધની આશંકાએ પતિ યુવક પર છરી વડે ફરી વળતા પ્રેમી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાણંદ તાલુકામાં ગઈકાલે મોડાસર ગામે અત્રેશ્વર મહાદેવના મંદિરે મેળો ભરાયો હતો. આ મેળામાં મોડાસર ગામમાં પતિ સાથે અણબનાવ બનતા તેના પિયરમાં એકલા રહેતી હેતલ મકવાણા તેમના છોકરા સાથે મેળામાં ફરવા માટે આવી હતી. જ્યારે 24 વર્ષીય પુનમ સોંલકી પણ આવ્યો હતો. હેતલ અને પુનમ વચ્ચે પ્રેમ સંબંધ હોવાના કારણે તેઓ ચોરીછૂપીથી મુલાકાત અને ફોન પર વાતચીત પણ કરતા હતા.
સાણંદમાં ગઈકાલે યોજાયેલા મેળામાં હેતલ અને પુનમ મેળામાં મળવાના હોવાની શંકાના આધારે હેતલનો પતિ દિપક મકવાણા પણ મેળામાં આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે પુનમ અને હેતલનો પીછો કરીને બંનેને વાતચીત કરતાં એકસાથે જોઈ જતા દિપક ઉશ્કેરાઈ ગયો હતો. પત્નીના પ્રેમ સંબંધનો અંત લાવવા માટે દિપક ઘરેથી છરી લઈને આવ્યો હતો. તે છરીથી મેળામાં અનેક લોકોની હાજરીમાં પુનમને પાછળથી પકડી પેટના ભાગે, છાતીના ભાગે, મોઢાના ભાગે આડેધડ ઘા મારી દીધા હતા.
મેળામાં અચાનક જ બુમાબુમ થઈ જતા મેળાના બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મી દોડી આવ્યા હતા અને દિપકના હાથમાં રહેલી છરી નિકુલ અલગોતરે આંચકી લીધી હતી. જ્યારે ઈજાગ્રસ્ત પુનમને સારવાર માટે તાત્કાલિક ત્રિમૂર્તિ હોસ્પિટલ લઈ ગયા હતા. ફરજ પરના તબીબના જણાવ્યા બાદ પુનમને વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન પુનમનું મોત નિપજ્યું હતું. જોકે દિપક મેળામાં ભીડનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મેળામાં હત્યાનો બનાવ બનતા પુનમના ભાઈએ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આરોપી દિનેશને ઝડપી પાડવા માટે પોલીસે ત્રણ ટીમ બનાવી દિનેશને ઝડપી પાડ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








