નવજીવન ન્યૂઝ. પોરબંદર: ડિજિટલ યુગમાં મેટ્રોમોનિયલ વેબસાઈટ મારફતે લગ્ન કરતા પહેલા ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોરબંદરના એક પુરૂષને shaadi.com મારફતે મળેલી સ્ત્રીને કારણે મુશ્કેલીમાં મુકાવું પડ્યું છે. ઉપરાંત કથિત રીતે પત્ની બનીને આવેલી મહિલા 5 હજાર કાર ચોરી, હત્યા અને સ્મગ્લિંગ જેવા ગુનાની આરોપી નીકળતા યુવક બરોબરનો ભેરવાયો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જેથી દુલ્હાને હવે દુલ્હનમાં ગોડમધર દેખાવા લાગતા દુલ્હો પોલીસના શરણે પહોંચ્યો છે.
ઘટનાની વિગત એવી છે કે, પોરબંદરના જલારામ કુટીરમાં રહેતો વિમલ તુલસીદાસ કારીયા નામના વ્યક્તિને Shaadi.com મારફતે આસામના ગુવાહાટીની રીટા દાસનો સંપર્ક થયો હતો. રીટાએ પોતાની પ્રોફાઈલમાં ડીવોર્સી હોવાનું જણાવેલું હોય વાત આગળ વધારી વિમલે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન પહેલા જ વિમલે રીટા પાસે છૂટાછેડા થયેલા હોવાના પુરાવા માગ્યા હતા પરંતુ રીટાએ તેના લગ્ન બાળલગ્ન થયેલા હોય પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવ્યું હતું. બાદમાં રીટાએ વિમલને વિડીયો કોલ મારફતે ગુવાહાટી સ્થિત શક્તિપીઠના દર્શન કરાવી વિશ્વાસ કેળવવાની શરૂઆત કરી હતી. વિશ્વાસ મજબૂત કરવા ધાર્મિક વાતો અને નવરાત્રીમાં માત્ર નારિયેળના પાણીથી જ ઉપવાસ કરતી હોવાનું જણાવી રીટાએ વિમલને કથિત રીતે ફસાવી લીધો હતો.
મંગાવો મટન… મંગાવો બીયર !
ભરોસમાં આવી ગયેલા વિમલે રિટા સાથે અમદાવાદમાં મુલાકતપણ કરતી હતી અને બાદમાં વર્ષ 2021માં બંનેએ પોરબંદર ખાતે આર્યસમાજમાં લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના રીટા અને વિમલનો સંસાર સામાન્ય ચાલ્યો પણ બાદમાં ધીરે-ધીરે રીટાની લાઈફ સ્ટાઈલ બદલવા લાગી અને હાઈફાઈ જીવન જીવવા લાગી હતી. ઉપરાંત કોઈ અન્ય યુવક સાથે પોતાના ફોટા અને અભદ્ર ભાષાની ક્લિપ પણ મોબાઈલમાં રાખવા લાગી હતી. આટલું ઓછું હતું તો વૈષ્ણવ ધર્મ પાળતા વિમલને માંસ-મટન ખાવા માટે જબરદસ્તી સાથે લઈ જવા લાગી અને રાજસ્થાન ટ્રીપ સમયે હોટલમાં બીયર મગાવી પીવા લાગી હતી. છતાં પણ ઘર ચલાવવા બધું જ સહન કરી રહેલા વિમલને મોટ ઝટકો લાગવાનો બાકી રહી ગયો હતો.

જામીન કરાવો… જામીન…
છ મહિના બાદ 21 માર્ચ 2022ના રોજ રીટાને આસામથી ફોન આવતા રીટા આસામ જવા નીકળી હતી. જમીનનો કેસ ચાલતો હોવાનું કહી રીટા 50 હજાર બેલેન્સ સાથેના એટીએએમ અને 5 હજાર રોકડા અને ફોન લઈ આસામ ગઈ હતી. જ્યાં 30 માર્ચના રોજ તેની કથિત રીતે અટકાયત થઈ હતી. રીટાને ફોન કરતા પતિ વિમલનો ફોન પણ રિસિવ થઈ રહ્યો ન હતો. દરમિયાન રીટાના વકીલે વિમલને ફોન પર જાણકારી આપી હતી કે રીટાને કંઈ લેવા દેવા નથી, ચાર્જશીટ કે એફ.આઈ.આરમાં પણ રીટાનું નામ નથી છતાં તેની અટકાયત થઈ છે. પણ રીટાને જામીન પર છોડાવવા માટે લાખ રૂપિયાની જરૂર પડશે. આ પૈસા પણ ઓનલાઈન વિમલે ટ્રાન્સફર કરી વકીલ પાસે હિસાબ માગતા વકીલે કોર્ટના કાગળ મોકલ્યા હતા.
દુલ્હન નીકળી ડૉન…
આ કાગળ વાંચતાની સાથે જ વિમલને દાળમાં કંઈક કાળુ હોવાની શંકા જવા લાગી હતી. કારણ કે તે કાગળમાં રીટા દાસ કે રીટા કાયબરતા (જે નામ વિમલને જણાવાયું હતું.) તે નહીં પરંતુ રીટા ચૌહાણ હોવાનું નજરે પડ્યું હતું. પણ દાળમાં કાળુ નહીં પણ દાળ જ કાળી હોવાનું ફલીત થયું જ્યારે વિમલે ગૂગલમાં Rita Chauhan Guwahati Police Case સર્ચ કર્યું હતું. ગૂગલ સર્ચ કરતા સમાચારોનો ઢગલો સામે આવવા લાગ્યો જેમાં વિવિધ સમાચાર વેબસાઈટોમાં રીટા ચૌહાણ ઈન્ટરનેશનલ કાર ચોર અનિલ ચૌહાણની પત્ની હોવાનું સામે આવ્યું હતું. સાથે જ માહિતી મળી હતી કે રીટા ચૌહાણ, હથિયાર, ચોરી, લૂંટફાટ અને ગેંડાના શિકાર કરી દાણચોરી કરવા જેવા કેસની આરોપી છે.
કોઈ તો બચાવો બલાથી…
આ ઘટનાને કારણે વિશ્વાસઘાતનો શિકાર બનેલા વિમલે ફેમીલી કોર્ટમાં 15 જૂનના રોજ પિટિશન દાખલ કરી હતી. આ માટે કોર્ટે કાઢેલા સમન્સનો પણ કોઈ જવાબ કથિત આરોપી રીટા ચૌહાણે રજૂ કર્યો નથી તેવું વિમલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે હવે તેણે ન્યાય માટે પોલીસ સમક્ષ અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે. ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ગુજસીટોકની કલમ હેઠળ ગુનો નોંધવા અરજ સાથે ગુજરાત ATS, NIA, CBI, PMO અને આસામના મુખ્યમંત્રીને પણ મામલાની જાણ કરી છે.
Tag: Rita Chauhan Guwahati Police Case
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








