Tuesday, October 14, 2025
HomeGujaratCM ભુપેન્દ્ર પટેલ જાય છે, જો તેવા સમાચાર લખ્યા તો હવે થશે...

CM ભુપેન્દ્ર પટેલ જાય છે, જો તેવા સમાચાર લખ્યા તો હવે થશે પત્રકારની ધરપકડ

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતના બે પ્રધાનોના ખાતા છીનવાયા પછી ગુજરાતમાં ઊભી થયેલી રાજકીય સ્થિતિને ધ્યાનમાં લઈ રાજકોટથી પ્રસિધ્ધ થતાં સૌરાષ્ટ દૈનિક અસલ કાઠિયાવાડી અખબારના માલિકે તેમને મળેલી જાણકારીના આધારે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ જાય છે અને પુરુષોત્તમ રૂપાલા આવે છે તે મતલબનો લેખ લખતા રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો અને ક્રાઇમ બ્રાન્ચ અનિરુદ્ધ નકુમની ઓફિસ પહોંચી અને પોલીસ સ્ટેશન લઈ આવી છે. આ ઘટનાની જાણકારી મળતા રાજકોટના તમામ પત્રકારો હાલમાં પોલીસ સ્ટેશને એકત્રિત થતાં છે અને તેમણે સંબંધિત અધિકારી સામે આ ઘટનાને પત્રકારત્વ ઉપર સરકારની તરાપ ગણવવી છે.

આ કેસમાં બાબુભાઈ વાઘેરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, અનિરુદ્ધ નકુમના અખબારમાં ગુડ બાય ભુપેન્દ્ર વેલકમ રૂપાલા તેમજ સી. આર. પાટિલ ફરી ખોટા સાબિત થશે તેવા આધાર ભૂત વિનાનાના આશયથી તેમજ ભાજપમાં ગભરાટ પેદા થાય અને રાજકીય સમર્થકો વચ્ચે ધિક્કાર પેદા થાય તેવા સમાચાર પ્રસિધ્ધ કર્યા છે. આ ફરિયાદના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ અનિરુદ્ધ નકુમની ઓફિસે પહોંચ્યા હતા અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. લગભગ એક કલાક સુધી તેમની સામે નોંધાયેલા ગુના સંદર્ભે પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતા મોટી સંખ્યામાં પત્રકારો પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને તેમણે આ પ્રકારે થયેલી કાર્યવાહીનો વિરોધ કાર્યો છે.

- Advertisement -

આ મામલે પોલીસ સ્ટેશનમાં રહેલા અનિરુદ્ધ નકુમ સાથે અમારા સંવાદદાતાએ વાત કરતાં નકુમે જણાવ્યું કે, મારી સામે નોંધાયેલા ગુનાનું સાચું કારણ મુખ્યમંત્રી જાય છે તે સમાચાર નથી, પરંતુ થોડા દિવસ પૂર્વ રાજકોટ આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ 25 પત્રકારોને દિલ્હી લઈ ગયા હતા. દિલ્લી સરકાર કેવી રીતે આરોગ્ય અને શિક્ષણમાં કામ કરી રહી છે તે બતાવ્યુ. દિલ્હીની સરકારી શાળાઓમાં સ્વિમિંગપુલ, જિમ અને યોગા સેન્ટર જેવી સુવિધા જોઈને હું ખાસો પ્રભાવિત થયો હતો. રાજકોટ પરત આવ્યા પછી મે દિલ્હી મોડલ અંગે સમાચાર લખ્યા હતા. જેનું સરકારને ખાસું માઠું લાગ્યું છે. મને ક્રાઇમ બ્રાન્ચના જે અધિકાર લેવા આવ્યા તે તો માત્ર ચિઠ્ઠીના ચાકર છે પણ સરકારની સૂચના હોવાના કારણે આ ફરિયાદ દાખલ થઈ છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular