નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના એક પોશ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડિસમિસ વડે વૃદ્ધ કેર ટેકરની હત્યા કવરમાં આવી છે. જે જગ્યા પર હત્યાનો બનાવ સામે આવ્યો છે તે ઘર છેલ્લા ઘણા સમયથી મીડિયામાં ચર્ચિત થયેલા નરેશ પટેલના વેવાઈનો હોવાનું સામે આવ્યું છે. હત્યાનો બનાવ સમે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
માહિતી અનુસાર, રાજકોટના પોશ વિસ્તાર અમિન માર્ગ નજીક વિદ્યાકુંજ સોસાયટીમાં રહેતા ખોડલધામ ચેરમેનના વેવાઈના બંધ ઘરમાં વૃદ્ધ કેર ટેકરની હત્યા કરવામાં આવી હતી. નરેશ પટેલના વેવાઈ પ્રવીણ પટેલ વડોદરા હોવાથી તેમણે પોતાના ઘરના CCTV મોબાઇલમાં ચેક કરી રહ્યા હતા. તે દરમિયાન કેર ટેકર વિષ્ણુ ઘુચરાની હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હતી. સમગ્ર વાતની જાણ પ્રવીણ પટેલ રાજકોટમાં રહેતા તેમના સગા સંબંધીઓ મારફત પોલીસને જાણ કરી હતી.
પોલીસને હત્યા અંગેની જાણ થતાં માલવિયાનગર પોલીસનો કાફલો તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી કરી મૃતક વિષ્ણુની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ માટે મોકલી આપી હતી. પોલીસને હત્યા કરાયેલી જગ્યા પરથી એક ડિસમિસ મળી આવ્યું હતું. પોલીસે આસપાસમાં રહેતા પાડોશીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, એક અજાણ્યા શખ્સને જતા જોયો હતો. જ્યારે પડોશીએ કોનું કામ પૂછ્યું હતું ત્યારે તેણે વિષ્ણુભાઈનું કામ હતું એટલે આવ્યો હોવાનું જણાવ્યુ હતું.
હત્યા બાબતે ડીસીપી સુધીર કુમાર દેસાઈએ જણાવ્યું કે, પ્રવિણ પટેલના મકાનમાં કેર ટેકર તરીકે કામ કરતા વિષ્ણુ ઘુચરાની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી આ બંગલાની રખેવાળી કરતા હતા. અજાણ્યા શખ્સે રાત્રે ૯ વાગ્યે આવી તિક્ષ્ણ હથિયારના બે ઘા ઝીંકીને હત્યાને અંજામ આપ્યો છે. જોકે ચોરી કે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાનું પ્રાથમિક ધોરણે નથી લાગતું. હાલમાં પોલીસે CCTV અને અન્ય વિગતોના આધારે તપાસ હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |











