કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યા આધારીત ‘ધ હન્ટ : ધ રાજીવ ગાંધી એસાઇસિનેશન કેસ’ નામની વેબ સિરીઝ આવી છે. આ વેબ સિરીઝની ચર્ચા તેનાં સારા મેકિંગના કારણે થઈ જ રહી છે; પરંતુ સૌને આ સિરીઝમાં રસ પડવાનું મુખ્ય કારણ રાજીવ ગાંધીના હત્યાનું પ્રકરણ પ્રથમવાર આ રીતે ફિલ્માંકન થયું તે છે. ઇંદિરા ગાંધી પછી દેશના વડા પ્રધાન બનનારા રાજીવ ગાંધી દેશના સૌથી યુવાન વડા પ્રધાન હતા જેઓ, દેશને નવા વિશ્વ તરફ લઈ જવાની દૃષ્ટિ રાખતા હતા. વડા પ્રધાન તરીકેની જવાબદારી તેમના પર અચાનક આવી હતી, કારણ કે તેમની કારકિર્દી ઇન્ડિયન એરલાઇન્સના પાઇલોટ તરીકે આરંભાઈ ચૂકી હતી. 1968માં તેમનું લગ્ન સોનિયા ગાંધી સાથે થયું અને ત્યાં સુધી તો તેઓ રાજકીય બાબતોમાં પ્રવેશ્યા નહોતા. 1980માં ભાઈ સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું તે પછી ઇંદિરા ગાંધીના વિશ્વાસુ તરીકે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને અમેઠીમાંથી લોકસભાના સાંસદ બન્યા. તે પછી તેમના પર સૌથી મોટી જવાબદારી આવી 1982માં થયેલા એશિયન ગેમ્સના આયોજનની હતી. 1984 સુધી રાજીવ ગાંધીના જીવનમાં બધું આયોજનબદ્ધ રીતે ચાલતું હતું. પરંતુ 31 ઓક્ટોબરના રોજ ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીનું જીવન એકાએક બદલાયું. તુરંત જ વડા પ્રધાન તરીકેનો કળશ તેમના માથે આવ્યો અને તેઓ દેશના સૌથી યુવાન વડા પ્રધાન બન્યા. ડિસેમ્બરમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજીવ ગાંધીના આગેવાની હેઠળની કોંગ્રેસની સરકારને 414 બેઠકો મળી હતી, જે આજે પણ રેકોર્ડ છે. આ રીતે મળેલી બહુમતિમાં એક ડાઘ શિખો સામે થયેલાં રમખાણોનો હતો. અને ત્યાર બાદ રાજીવ ગાંધીના શાસનમાં દેશે ખૂબ આશા રાખી હતી, પરંતુ બોફાર્સ ભ્રષ્ટાચાર, ભોપાલ ગેસ કાંડ, શાહબાનો કેસ અને શ્રીલંકામાં શાંતિવાહક તરીકે મોકલેલી ભારતીય સેનાના કારણે રાજીવ ગાંધીની સરકારની ખૂબ ટીકા થઈ. આખરે 1989માં તેમનો પક્ષ ફરી હારી ગયો. હવે તેઓ વડા પ્રધાન નહોતા. આ દરમિયાન જનતા દળના વી. પી. સિંઘ વડા પ્રધાન બન્યા. પરંતુ આ જનતા સરકાર જે રીતે ડામાડોળ થઈ તે પછી થોડા જ વખતમાં ચૂંટણી આવવાની હતી. આ ચૂંટણી પ્રચાર દરમિયાન 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા થઈ. રાજીવ ગાંધી તે વખતે 46 વર્ષના હતા. આ હત્યા થઈ તે જગ્યા તમિલનાડુ રાજ્યની શ્રીપેરુમ્બુદુર છે. રાજીવ ગાંધીની હત્યા કેવી રીતે થઈ તે પહેલાં તેમની રાજકીય કારકિર્દી જાણવી જરૂરી હતી, તેથી આ પૂર્વભૂમિકા અહીં રજૂ કરી છે.

રાજીવ ગાંધી તે વખતે ચૂંટણી પ્રચાર માટે દક્ષિણ ભારતમાં તમિલનાડુના પ્રવાસે હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શ્રીલંકામાં સિંહાલી અને તમિલના સંઘર્ષને લઈને ભારતની શાંતિ સેના ત્યાં મોકલી હતી. આ સેના શ્રીલંકાની સરકારને મદદમાં હતી, તેનો અર્થ એવો થતો હતો કે તે સેના તમિલોના વિરોધમાં હતી. આ બાબતને લઈને રાજીવ ગાંધીની દેશના દક્ષિણના રાજ્યોમાં ટીકા પણ થઈ હતી. શ્રીલંકામાં તમિલોની માંગણી હતી કે તેમને શ્રીલંકામાં એક અલગથી સ્વાયત્ત રાજ્ય મળે – જે માટે શ્રીલંકાની સરકાર કેમેય કરીને તૈયાર નહોતી. બીજી તરફ શ્રીલંકાના તમિલ કોઈ પણ ભોગે રાજ્ય લેવા માંગતા હતા. આ માટે શ્રીલંકામાં તમિલોએ એક ફોર્સ બનાવી, જેનું નામ ‘લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ’ હતું. આ સંગઠનને ટૂંકમાં ‘એલટીટીઈ’ નામથી ઓળખાતું હતું. તેમની મોડસ ઓપરેન્ડીમાં આત્મઘાતી બોમ્બ બનીને દુશ્મન પક્ષનો ખાત્મો બોલવાવાનું હતું. રાજીવ ગાંધી અને ‘એલટીટીઈ’ની ભૂમિકા જોઈએ તો તે વખતે અનેક લોકો એવી આશંકા વ્યક્ત કરતા હતા કે રાજીવ ગાંધી ‘એલટીટીઈ’ના નિશાન પર છે. પરંતુ આજે છે, તેવો સિક્યૂરિટી ફોર્સ પૂર્વ વડા પ્રધાનને મળતો નહોતો. રાજીવ ગાંધીના જીવને જોખમ હોવા છતાં તેમની સિક્યૂરિટી એટલી નહોતી કે આ પ્રકારની ઘટનાને ટાળી શકાય અને એટલે જ ‘એલટીટીઈ’ની કલૈવની રાજરત્નમ આ ઘટનાને અંજામ આપી શકી. આ માટે તેણે પોતાની પિતરાઈ બહેન ચંદ્રશેખરમપિલ્લાઈ પેક્કીયાચંદ્રનને સાથે લીધી હતી. તેઓ મે-1991માં તેમના અન્ય સાથીઓ સાથે દેશના કોડીકારાઈના કિનારે ઉતર્યા હતા. તેઓ અહીંયા સુરક્ષિત ઘરોમાં રહ્યા. ‘એલટીટીઈ’ તે વખતે અન્ય એક જૂથને દિલ્હી પણ મોકલ્યું હતું. જો રાજીવ ગાંધીની હત્યાનો પ્લાન તમિલનાડુમાં અમલી ન થાય તો તેમના પર દિલ્હીમાં હૂમલો કરવાનું આયોજન હતું. કલૈવની રાજરત્નમે એ ધ્યાન રાખ્યું હતું કે તે અંગ્રેજીમાં વાત કરશે અને પોતાની બોલવામાં શ્રીલંકાના તમિલ ઉચ્ચારની જરાસરખી ઝલક આવવા નહીં દે. તે ઉપરાંત, પણ રાજીવ ગાંધીને હાર પહેરાવીને તેમના સ્વાગત કરવાનું પ્લાનિંગ કલૈવનીએ કરી રાખ્યું હતું. આ આયોજનના ભાગરૂપે કલૈવની અને તેની પિતરાઈ બહેન અન્ય રાજકીય રેલીમાં પણ સામેલ થતા હતા, જેથી તેમની તૈયારીને આખરી ઓપ આપી શકે.

આખરે 21 મે 1991નો એ દિવસ આવ્યો, જ્યારે રાજીવ ગાંધી શ્રીપેરુમ્બુદુર આવવાના હતા. કલૈવનીને લાગ્યું કે તેમણે જે કંઈ ઠરાવ્યું હતું તેને અંજામ આ દિવસે આપી શકાય. કલૈવની લીલો અને કેસરી રંગના સલવાર કમીઝ સાથે રેલીમાં આવી. તેણે પોતાનું નામ ‘ધનુ’ બતાવ્યું અને રહેવાનું સ્થળ કાંચીપુરમ્ કહ્યું. ભીડ એકઠી થઈ ચૂકી હતી અને રાજીવ ગાંધીની રાહ જોવાતી હતી. એ દરમિયાન રાજીવ ગાંધી આવ્યા અને કારમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને તેઓ ડાયસ તરફ આગળ વધી રહ્યા હતા. અહીંયા તેમને લોકો મળ્યા, શાળાના નાના બાળકો પણ મળ્યા. ત્યારે કલૈવની પણ આગળ આવી. તેણે રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને તેમનાં પગે લાગી. આ સમયે ધડાકો થયો અને રાજીવ ગાંધીનું તે ધડાકામાં મૃત્યુ નીપજ્યું. કલૈવનીની મોત પણ તે ક્ષણે થયું. આ ઉપરાંત આ સ્થળે પંદર લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે રાજીવ ગાંધીની હત્યાના સમાચાર વિશ્વમાં પ્રસર્યા અને તેની ગંભીરતાનો ખ્યાલ ‘એલટીટીઈ’ને આવ્યો, ત્યારે ‘એલટીટીઈ’એ રાજીવ ગાંધીના હત્યાની જવાબદારી ન લીધી. શિખ સંગઠનો સામે પણ આંગળી ચિંધાઈ અને પરંતુ આખરે તપાસમાં પ્રકાશમાં આવ્યું કે આમાં શ્રીલંકાની કૈલવનીનો હાથ છે, ત્યારે ‘એલટીટીઈ’એ તેનું મૃત્યુનું પ્રમાણપત્ર સમાચારોમાં રજૂ કર્યું – જે મુજબ કૈલવની 8 સપ્ટેમ્બર 1991માં જ શ્રીલંકાની સેના સામે લડતાં લડતાં મૃત્યુ પામી ચૂકી હતી. જોકે ‘એલટીટીઈ’એ પોતાના અનેક કાર્યક્રમોમાં કૈલવનીને સન્માન આપ્યું હતું. ‘એલટીટીઈ’ મુખ્ય લીડર પ્રભાકરને તો તેનાં પિતાને કલૈવનનીના સિદ્ધી માટે ગોલ્ડ મેડલ આપ્યું હતું.

રાજીવ ગાંધીની હત્યા થઈ તે વખતે દેશના વડા પ્રધાન પદે ચંદ્રશેખર હતા, તેમણે તુરંત સીબીઆઈને આ કેસ તપાસ માટે આપ્યો. આ તપાસની આગેવાની ડી. આર. કાર્થિકેયન કરી રહ્યા હતા. તેમની તપાસમાં એવું સ્પષ્ટ થતું હતું કે તેમાં ‘એલટીટીઈ’ની ભૂમિકા છે, તે પછી જૈન કમિશન અને અન્ય રિપોર્ટ દ્વારા પણ એ સ્થાપિત થતું હતું કે રાજીવ ગાંધીની હત્યાની પાછળ ‘એલટીટીઈ’ જવાબદાર છે. જૈન કમિનશમાં તે સિવાય ચંદ્રાસ્વામી બાબાનો પણ હત્યામાં હાથ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધી અને નેપાલના રાજા બિરેન્દ્ર બિર બિક્રમ શાહનું નામ પણ તપાસમાં આવ્યું હતું. આ પૂરા કેસનો ખટલો ચેન્નઈ સ્થિત ટાડા કોર્ટમાં ચાલ્યો હતો. અહીંયા 26 આરોપીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જોકે આ સજાનો પણ ખૂબ વિરોધ થયો. આ કેસમાં સુપ્રિમ કોર્ટમાં થયેલી અપીલમાં માત્ર ચાર વ્યક્તિને મૃત્યુ દંડની સજા ફરમાવામાં આવી અન્ય તમામને આજીવન જેલથી વર્ષો સુધીની સજા સુનાવણી કરવામાં આવી. જોકે 2022માં આ કેસમાં સુપ્રિમ કોર્ટે આખરે તમામ દોષીઓને જેલમુક્ત કરી દીધા હતા. રાજીવ ગાંધી હત્યામાં ષડયંત્રમાં સામેલ નલિની નામની યુવતિ પણ હતી. જેની ધરપકડ થઈ ત્યારે તે ગર્ભવતી હતી. નલિનીને મૃત્યુ દંડ પામનારી ચાર દોષીઓમાંથી એક હતી. પરંતુ સોનિયા ગાંધીની અપીલ બાદ નલિનીની સજા મૃત્યુદંડથી આજીવન કેદ કરવામાં આવી હતી. દેશના ઇતિહાસમાં રાજીવ ગાંધી હત્યા કેસ ભૂલાઈ ચૂક્યો છે અને ‘એલટીટીઈ’નું સંગઠનની સ્વાયત્તતાની લડાઈ પણ શ્રીલંકામાં પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ આજે પણ દેશના ઇતિહાસનું આ પ્રકરણ યાદ રાખવા જેવું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796