Friday, September 26, 2025
HomeGujaratભાજપની 'ચૂંટણી જીતવાની ફેક્ટરી'ના શિલ્પકાર પ્રમોદ મહાજન: નવા પુસ્તકમાં થયો મોટો ખુલાસો

ભાજપની ‘ચૂંટણી જીતવાની ફેક્ટરી’ના શિલ્પકાર પ્રમોદ મહાજન: નવા પુસ્તકમાં થયો મોટો ખુલાસો

- Advertisement -

‘ધ બેકસ્ટેજ ઑફ ડેમોક્રેસી’ : દેશની ચૂંટણી સમજવા માટેનો દસ્તાવેજ!

મુખ્ય મુદ્દા:

- Advertisement -
  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીના લેક્ચરર અમોઘ ધાર શર્માનું નવું પુસ્તક ‘ધ બેકસ્ટેજ ઓફ ડેમોક્રેસી’ ભારતીય ચૂંટણીના રહસ્યો ખોલે છે.
  • પુસ્તકમાં દિવંગત નેતા પ્રમોદ મહાજનને ભાજપની આધુનિક ચૂંટણી મશીનરીના પાયાના પથ્થર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
  • અડવાણીની રથયાત્રામાં ફેક્સ મશીનથી લઈને મતદારોનો જાતિ-ધર્મ આધારિત કોમ્પ્યુટર ડેટાબેઝ બનાવનાર પ્રથમ નેતા.
  • દેશની પ્રથમ રાજકીય વેબસાઇટ અને ચૂંટણી ‘વોર રૂમ’ની શરૂઆત કરવાનો શ્રેય પણ પ્રમોદ મહાજનને જાય છે.

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):

‘યુનિવર્સિટી ઑફ ઓક્સફોર્ડ’ અંતર્ગત આવેલી ‘ધ ક્વિન્સ કૉલેજ’ના લેક્ચરર અમોઘ ધાર શર્માનું પુસ્તક સમયસર આવ્યું છે. આ પુસ્તકનું નામ છે : ‘ધ બૅકસ્ટેજ ઑફ ડેમોક્રેસી : ઇન્ડિયાઝ ઇલેક્શન કેમ્પેઇન્સ એન્ડ ધ પિપલ વુ મેનેજ ધેમ.’ હાલમાં વૉટચોરીને લઈને વિરોધ પક્ષના આગેવાન રાહુલ ગાંધી વર્તમાન કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે; ત્યારે આ પુસ્તકમાં ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષ કેવી રીતે હથકંડા અપનાવે છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. લેખક તરીકે અમોઘ ધાર શર્મા ઘણી નવી વાતો આ પુસ્તક દ્વારા મૂકી છે. તેમણે એક પ્રકરણમાં ભાજપના પૂર્વ આગેવાન પ્રમોદ મહાજન અંગે વિગતે લખ્યું છે. આજે પ્રમોદ મહાજનનું નામ ભૂલાઈ ચૂક્યું છે, પરંતુ વાજપેયીના વડાપ્રધાનના કાર્યકાળમાં પ્રમોદ મહાજનનો સિક્કો બરાબર ચાલતો હતો. મીડિયામાં ભાજપ પક્ષના પ્રવક્તા તરીકે પ્રમોદ મહાજન છવાયેલા હતા. એટલું જ નહીં ઉદ્યોગપતિ અને અન્ય પક્ષો સાથે પણ તેમણે મૈત્રીભર્યા સંબંધ રાખ્યા હતા. વાજપેયીના વડાપ્રધાનના કાર્યકાળમાં ટ્રબલશૂટર તરીકે પ્રમોદ મહાજનની ખાસ્સી ફાવટ હતી. પ્રમોદ મહાજનની આ ઓળખને થોડી વધુ ચમકતી કરીને સંશોધક અમોઘ ધાર શર્માએ મૂકી આપી છે. તેમણે લખ્યું છે કે, 2006માં તેમનું મૃત્યુ થયું તે અગાઉ પ્રમોદ વ્યંકટેશ મહાજન ‘ભારતની રાજનીતિના યાંત્રિક ઉપકરણથી ઘેરાયેલા આધુનિકતાવાદી’, ‘અથાક રણનીતિકાર’, ‘સબળ આગેવાન’, ‘અદ્વિતિય વક્તા’ ઉપરાંત ‘સંગઠનમાં વ્યૂહાત્મક આવડત’ ધરાવનારા હતા. તે સમયે ભાજપના આગેવાનોમાં તેઓ ટેક્નોલોજી ફ્રેન્ડલી ગણાતા અને ભાજપને ડિજિટલ યુગ માટે તૈયાર કરનારા પ્રમોદ મહાજન હતા. ભાજપના આંતરિક પ્રોફેશનિલિઝમની સફરમાં પ્રમોદ મહાજનની અસર ખાસ્સી જોવાય છે.

પ્રમોદ મહાજનની આ સફરની શરૂઆત આંધ્રપ્રદેશના મહેબૂબનગરમાંથી થઈ હતી, જ્યાં 1949માં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ મહારાષ્ટ્રના નાના તાલુકા અમ્બાજગોઈમાં વીત્યું, જ્યાં તેઓ ‘રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ’ સાથે જોડાયા. ફિઝિક્સ અને પત્રકારત્વમાં અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવીને પ્રમોદ મહાજન મરાઠી સામયિક ‘તરૂણ ભારત’ સાથે જોડાયા. પછી તેમણે શિક્ષક તરીકે 1971થી 1974 સુધી નોકરી કરી. 1974માં તેઓ ફૂલટાઇમ ‘આરએસએસ’ના પ્રચારક તરીકે બન્યા. કટોકટી કાળ વખતે સરકારનો વિરોધ કરવા બદલ તેમને જેલ થઈ હતી. આ દરમિયાન તેમણે સમયનો સદઉપયોગ કર્યો અને પોલિટીકલ સાયન્સ વિષયમાં માસ્ટર ડિગ્રી કરવા અર્થે ખૂબ વાંચ્યું. 1980માં ભાજપની સ્થાપના થયા બાદ પ્રમોદ મહાજન ભાજપના યુવાન ચહેરા તરીકે ઝડપથી ઉભર્યા. 

- Advertisement -

અમોઘ ધાર શર્માએ આ તમામ માહિતી વિગતે લખી છે. આગળ તેઓ પુસ્તકમાં લખે છે કે, ‘પ્રમોદ મહાજનની સંગઠનાત્મક શક્તિ પ્રથમ વાર એલ. કે. અડવાણીના રથયાત્રા દરમિયાન જોવા મળી હતી. આ યાત્રા દરમિયાન આયોજન અને લોજિસ્ટિક બાબત તેમણે સંભાળી હતી. યાત્રામાં અનેક યોગદાનો પૈકી એક યોગદાન એવું હતું કે તેમણે અડવાણીના રથયાત્રાના માર્ગમાં આવતા ભાજપના તમામ સ્થાનિક કાર્યાલયોમાં ફેક્સ મશીન મૂકાવ્યા હતા. જેથી દર કલાકે પ્રેસ રિલીઝ દિલ્હીના મુખ્ય કાર્યાલય પર પહોંચી શકે – ત્યાંથી તે સમાચાર અખબારોને મળતા હતા.’

ભાજપ ઓડિયો-વિડિયો કેસેટનો આધાર લઈને પ્રચાર-પ્રસાર કરતાં થયો, તેના અગાઉ 1984ના લોકસભાની ચૂંટણીમાં મુંબઈની નોર્થ-વેસ્ટ બેઠક પરથી લડી રહેલા પ્રમોદ મહાજને પોતાના કેમ્પેઇન માટે કેસેટ્સનો ઉપયોગ કરવા માંડ્યો હતો. પ્રચાર-પ્રસાર અર્થે રાજકીય માર્કેટિંગને યોગ્ય ઠેરવતા પ્રમોદ મહાજને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે એ સમય આવી ચૂક્યો છે કે આપણે ‘વેચાણ’ શબ્દથી અળગા રહીને શરમાઈએ. આપણે એ સ્વીકારવું જોઈએ કે કોમ્યુનિકેશનમાં મોટી ક્રાંતિ આવવાની છે. આપણે એક સારું કેમ્પેઇન ચલાવીને ખરાબ પ્રોડક્ટને વેચી શકીશું નહીં. વિપરીત રીતે જોઈએ તો લોકો ક્યારેય સારી પ્રોડક્ટ ખરીદશે નહીં, જો તેઓ તેના વિશે જાણતા જ નહીં હોય.’ 1990માં પ્રમોદ મહાજનને ભાજપના ઇલેક્શન સેલની જવબાદારી સોંપવામાં આવી હતી, જ્યાં તેમણે સૂંપર્ણ રીતે મીડિયાની પણ જવાબદારી સ્વીકારી હતી. 1990 દેશના મીડિયા માટે એક પરિવર્તનકારી સમય હતો. નવા મીડિયાનો ઉપયોગ કરીને મહાજનને એ બરાબર ખ્યાલ આવી ગયો હતો કે ભાજપ દેશના ખૂણેખૂણે છેવાડાના મતદાતા સુધી પહોંચશે. આ રીતે સંગઠનમાં ધરમૂળથી બદલાવ સાથે મહાજન દરેક કાર્યાયલને કમ્પ્યૂટરથી સજ્જ કર્યા હતા. તેમણે કેન્દ્રિય કોમ્યુનિકેશન નેટવર્કમાં મીડિયા સેલ્સ ઊભા કર્યા અને પક્ષના કાર્યકરો માટે મીડિયાની વર્કશોપનું આયોજન કર્યું હતું. આ દરમિયાન જ 1990માં વ્યાપક રીતે 24 કલાક ન્યૂઝ ટેલિવિઝન ચેનલ દેશમાં આવી અને તે જ કારણે અનેક રાજકીય નેતાઓને અગાઉ ક્યારેય ન મળ્યું હોય તેવું કવરેજ મળવા લાગ્યું હતું.

ભાજપમાં ટેકનોલોજી અને મીડિયા ક્રાંતિ
પુસ્તકમાં લેખક નોંધે છે કે મહાજનની સંગઠનાત્મક શક્તિ સૌપ્રથમ લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન જોવા મળી હતી.

- Advertisement -
  • ફેક્સ મશીનનો ઉપયોગ: તેમણે યાત્રાના રૂટ પર આવતા તમામ ભાજપ કાર્યાલયોમાં ફેક્સ મશીન લગાવડાવ્યા હતા, જેથી દર કલાકે પ્રેસ રિલીઝ દિલ્હીના મુખ્ય કાર્યાલય સુધી પહોંચી શકે અને ત્યાંથી મીડિયાને મોકલી શકાય.
  • ઓડિયો કેસેટથી પ્રચાર: ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં જ તેમણે પોતાના પ્રચાર માટે ઓડિયો કેસેટનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

મહાજન માનતા હતા કે સારી પ્રોડક્ટ (ઉમેદવાર)ને પણ સારા માર્કેટિંગ (પ્રચાર)ની જરૂર હોય છે. આ જ વિચાર સાથે તેમણે ભાજપના ચૂંટણી સેલને સંપૂર્ણપણે આધુનિક બનાવ્યો, કાર્યકરો માટે મીડિયા વર્કશોપનું આયોજન કર્યું અને દરેક કાર્યાલયને કોમ્પ્યુટરથી સજ્જ કર્યા.

ડેટા એ જ રાજા: મતદારોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડેટાબેઝની શરૂઆત
આજે જે ડેટા એનાલિસિસની વાત થાય છે, તેનો પાયો પ્રમોદ મહાજને ૧૯૯૬ની મહારાષ્ટ્ર ચૂંટણીમાં જ નાખી દીધો હતો. તેમણે કેનેડા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર એસ. આર. બડવે પાસે એક ‘પોલિટિકલ મેનેજમેન્ટ સોફ્ટવેર’ તૈયાર કરાવ્યું હતું. આ સોફ્ટવેરમાં શું હતું?

  • દરેક મતક્ષેત્રના મતદારોની ઉંમર, જાતિ, જ્ઞાતિ અને ધર્મ આધારિત વિગતો.
  • વિસ્તારમાં આવેલી શાળાઓ, બેંકો, ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક સમસ્યાઓની સંપૂર્ણ માહિતી.

આ ડેટાના આધારે, જે વિસ્તારમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય ત્યાં તે જ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવા જેવી માઇક્રો-લેવલની રણનીતિઓ ઘડવામાં આવતી હતી.

1990ના દાયકામાં ભાજપે સમગ્ર દેશના ચૂંટણી ક્ષેત્રોની પ્રોફાઈલ તૈયાર કરવા અર્થે પાછલા ચૂંટણી પરિણામોની માહિતી એકઠી કરીને કમ્પ્યૂટર પર એક ડેટાબેઝ તૈયાર કરવાની રણનીતિ ઘડી હતી. 1996માં મહારાષ્ટ્રના ચૂંટણી દરમિયાન કેનેડા સ્થિત ભાજપ પક્ષના સપોર્ટર અને સોફ્ટવેર એન્જિનિયર એસ. આર. બડવેએ એક વિશેષ ‘પોલિટિકલ મેનેજમેન્ટ સોફ્ટવેર’ તૈયાર કર્યું હતું. આ સોફ્ટવેરમાં દરેક મતક્ષેત્રનો ડેટા હતો અને તેમાં દરેક મતદાતાની ઉંમર, જાતિ, જ્ઞાતિ અને ધર્મની ઓળખ એકસાથે મૂકવામાં આવી હતી. એટલું જ નહીં આ ડેટાબેઝમાં તે મતક્ષેત્રમાં કેટલી શાળા છે, કો-ઓપરેટિવ બેન્ક, ધાર્મિક સંસ્થા, નાગરિક અને કોમી સમસ્યા ઉપરાંત ભૌગોલિક વિશેષતાઓની માહિતી મળતી હતી. 

આજે સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી જીતવાના અથવા તો ચૂંટણી પર અસર પાડવા અંગેના દાખલા અનેક છે. સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ આજે કોઈ નકારી શકતું નથી. સોશિયલ મીડિયા પર તગડું માર્કેટિંગ કરનારા ચૂંટણીમાં વધુ ફાવે છે તેવું સાબિત થઈ ચૂક્યું છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની ટીમ દ્વારા સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ તેમની છબિ નિખારવા અર્થે કરે છે. એ રીતે 1990ના અરસામાં કમ્પ્યૂટરમાં મતદાતાના ડેટા સાથે ભાજપ પક્ષ પોતાના કાર્યકર્તાઓ અને આગેવાનોની શૈક્ષણિક પ્રોફાઈલ, તેમનું રાજકીય જીવન અને કાર્યઅનુભવ સાથે જોડીને જોતું હતું. – આ કારણે આ ડેટા વધુ ઉપયોગી બન્યો. જેમ કે કોઈ ક્ષેત્રમાં એક જ્ઞાતિનું પ્રભુત્વ હોય તો ભાજપ તે જ્ઞાતિના આગેવાનને પ્રાધાન્ય આપતું હતું. સામાન્ય રીતે આવું જ ગણિત દેશની રાજનીતિમાં ચાલે છે, પરંતુ ડેટાના કારણે તે ગણિત વધુ બંધબેસતું કેવી રીતે થાય અને પોતાના તરફેણમાં ચૂંટણીના પરિણામ કેવી રીતે લાવી શકાય તે ઠોસ રીતે થવા લાગ્યું. લેખક અમોઘ ધાર શર્માએ એ પણ નોંધ્યું છે કે ભાજપ ટેક્નોલોજી અને મીડિયા તરફ વળ્યું તેના દાયકા પહેલાં જ કોંગ્રેસની આવી રણનીતિ સામે તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો. પરંતુ પ્રમોદ મહાજનના કારણે ભાજપ પક્ષનું વલણ બદલાયું અને ભવિષ્યમાં તે બદલાયેલા વલણને જ ભાજપને આજે સત્તા સુધ્ધા અપાવી છે. 

આ બદલાવ બાદ મીડિયા ભાજપને ‘મોર્ડન’ પક્ષ છે તે રીતે જોવા માંડ્યું અને પ્રમોદ મહાજન એવું માનતા પણ હતા કે આ રીતે ‘મોર્ડન’ હોવાની છબિ મતદાતાને ભાજપ પક્ષ તરફ આકર્ષશે. દેશની પહેલીવહેલી ‘મોર્ડન’ રાજકીય પક્ષની ઓળખ મેળવ્યા બાદ 1998માં ભાજપ પ્રથમ એવો પક્ષ બન્યો – જેની વેબસાઇટ નિર્માણ પામી. આ વેબસાઇટ પર તે વખતથી પક્ષનો ઇતિહાસ, તેની ફિલસૂફી, સંગઠનનું માળખું, સમાચાર, કેમ્પેઇન સંબંધિત સૂચના અને પક્ષના આગેવાનોની પ્રોફાઈલ વિશે વિગતે માહિતી મળતી હતી. આજે પણ ભાજપની વેબસાઇટ જોઈએ તો ખ્યાલ આવે કે ટેક્નોલોજીની રીતે વેબસાઇટ ખાસ્સી અપડેટ છે. એટલું જ નહીં વેબસાઇટમાં શરૂઆતથી જ ‘જનમત’ નામનો એક વિભાગ હતો, જ્યાં કાર્યકરો પોતાનો સંદેશ અથવા પ્રશ્નો મૂકી શકતા હતા. 2003માં ભાજપ પક્ષમાં ટેક્નોલોજીની વાત એટલી આગળ વધી કે રાજસ્થાનની ચૂંટણીમાં પ્રમોદ મહાજને ‘વોર રૂમ’ તૈયાર કર્યો હતો. આજે મહદંશે રાજકીય પક્ષ ચૂંટણી દરમિયાન આ પ્રકારના ‘વોર રૂમ’ નિર્માણ કરે છે, જેમાં પળેપળની દરેક મતક્ષેત્ર અને મતદાતાની માહિતી મળી રહે. મહાજને તે વખતે ‘વોર રૂમ’ નિર્માણ કરવાની પ્રેરણા અમેરિકા અને યુરોપમાં થતાં ચૂંટણી પ્રચારથી લીધી હતી. 

‘ધ બૅકસ્ટેજ ઑફ ડેમોક્રેસી : ઇન્ડિયાઝ ઇલેક્શન કેમ્પેઇન્સ એન્ડ ધ પિપલ વુ મેનેજ ધેમ.’ – આવી અનેક બાબતો છે, જે અંગેની માહિતી આધાર અને ઉદાહરણ સહિત મૂકવામાં આવી છે. આજે ભાજપ પક્ષના મૂળીયા ભારતીય રાજનીતિમાં આટલાં ઊંડા ઉતર્યા છે તેનું એક કારણ પ્રમોદ મહાજનની દૂરદર્શિતા છે. 

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular