નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો)ને આવતા વર્ષના ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. દર વર્ષે સ્થાનિક ભાષામાં એક ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે ઓસ્કાર એકેડમીના તમામ સભ્ય દેશોને મોકલવામાં આવે છે. આ ફિલ્મોમાંથી કોઈપણ પાંચ ફિલ્મો અંતિમ તબક્કામાં પહોંચશે અને આ પાંચ ફિલ્મો ઓસ્કારની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણી માટે નોમિનેટ થશે.
દર વર્ષે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાની જ્યુરી ઓસ્કાર એવોર્ડ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે દેશની તમામ ભાષાઓમાંથી પસંદ કરેલી ફિલ્મોમાંથી એક ફિલ્મ મોકલે છે. પાન નલિનની આ ફિલ્મમાં ભાવિન રાબડી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ અને પરેશ મહેતા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક ટીનેજરના સિલ્વર સ્ક્રીન સપનાની વાર્તા કહે છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં આ ફિલ્મે વેલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે ગોલ્ડ સ્પાઇક એવોર્ડ જીત્યો હતો.








