Wednesday, October 8, 2025
HomeGeneralહર્ષ સંઘવી ગુજરાત પોલીસની સ્થિતિ બદત્તર છે, તેમની માગણીને બંડ માની લેવાની...

હર્ષ સંઘવી ગુજરાત પોલીસની સ્થિતિ બદત્તર છે, તેમની માગણીને બંડ માની લેવાની જરૂર નથી તેમની સાથે કડક થવાને બદલે માયાળુ થાવ

- Advertisement -

પ્રિય હર્ષ,

મને ખબર નથી કે તમે મને મિત્ર ગણો છો કે નહીં પણ મારે મન તમે મિત્રની સાથે એક સવેદનશીલ માણસ પણ છો, તમે ગૃહ વિભાગનો હવાલો સંભાળ્યો પછી તમારા તાબાના પોલીસના જીવનમાં કઈક સારૂ થાય તેવી તમારી ઈચ્છા રહી છે, પણ મને લાગે છે કે તમારી ઈચ્છાઓને તમારા ગૃહ વિભાગના અધિકારીઓ ફાઈલમાં ભંડારી એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફેરવી રહ્યા છે, હું બીજા રાજયની પોલીસ સાથે ગુજરાત પોલીસની સરખાણી કરતો નથી, ગુજરાત કરતા બીજા રાજયોની પોલીસને મળતી સગવડ અને ભથ્થાઓની ચર્ચા કરતા નથી, આમ છતાં અન્ય રાજયોની સરખાણીમાં ગુજરાત પોલીસનું કામ અને વ્યવહાર અનેક ગણો સારો છે, ત્યારે સારો પોલીસ વધુ સારો કેવી રીતે બને તે દિશામાં આપણે વિચારવુ અને તે દિશામાં આપણે પ્રયાસ કરીએ તે જરૂરી છે.



આપણે જે પ્રયાસ કરીએ તે પરિણામ સ્વરૂપ પોલીસ અને પ્રજા જોઈ શકે તે પણ એટલુ જ જરૂરી છે, પોલીસ જવાનો હાલમાં જે આંદોલન કરી રહ્યા છે હું તેના સમર્થનમાં નથી, પોલીસ દળ જેવા શીસ્તદળમાં યુનિયન પ્રવૃત્તી કેટલી ઘાતક અને જોખમી છે તેનો હું સાક્ષી રહ્યો છુ, કદાચ તમને ખબર નહીં હોય પણ અમરસહિં ચૌધરીની સરકારમાં પોલીસ યુનિયન દ્વારા હડતાલ પાડી કાયદો અને વ્યવસ્થાને બાનમાં લીધી હતી, પરંતુ પોલીસ યુનિયન બનાવી શકે નહીં તે વાચા સાચી હોવા છતાં આપણે તેમના પ્રશ્નોને વર્ષો સુધી નજર અંદાજ કરીએ તે પણ વાજબી નથી, ગુજરાતના પોલીસ જવાનો જે માગણી કરી રહ્યા છે તે દિશામાં આપણી વિચારી પણ શકીએ નહીં અને જે માગણી છે તેનો અમુક હિસ્સો સ્વીકારી પણ શકીએ નહીં તેવી સ્થિતિ નથી, પરંતુ તે પોલીસ થઈ કેમ માગણી કરી હવે તો તને તારો અધિકાર નહીં જ મળે તેવુ જક્કી વલણ પણ યોગ્ય નથી.

- Advertisement -



ઈશ્વરને જયારે તમને એક ખાસ જવાબદારી સોંપી છે ત્યારે ઈશ્વર આપણે સાથે જેટલો માયાળુ રહ્યો એટલુ માયાળુપણુ તમારે તમારે તમારી પોલીસ સાથે રાખવાની જરૂર છે, પોલીસ તો તમારો પરિવાર છે, તમારો પરિવાર જ દુખી છે તો તમને કેવી રીતે સુખનો અહેસાસ થશે, પોલીસને ખાખી યુનિફોર્મ મળી ગયો એટલે તેઓ કમાઈ લે છે તેવુ પ્રજાનો મોટો હિસ્સો ભલે માનતો હોય પણ આ અધરુ સત્ય છે, કારણ ગુજરાત પોલીસનો 60 ટકા સ્ટાફ આજે પણ પોલીસ લાઈનના નાનકડા રૂમમાં સાંકડે માકડે રહે છે, આપણે અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ પ્રજા સાથે સારો વ્યવહાર કરે પરંતુ તેવી અપેક્ષા પોલીસ પણ પોતાના ઉપરી અધિકારી અને સરકાર પાસે રાખે તેમા કઈ ખોટુ નથી, પોલીસને પણ આપણે માણસ ગણીએ તેવો અહેસાસ તેમના સુધી પહોંચવો જરૂરી છે.




પોલીસનું ગ્રેડ પે અંગેનું આંદોલન છે, તે ભલે છુટકમાં ચાલી રહ્યુ છે, પણ આંદોલનકારી પોલીસ જવાનો જે વાત કરે છે તે આખી ગુજરાત પોલીસની છે, પોલીસ શીસ્તદળમાં હોવાને કારણે રસ્તા ઉપર ઉતરી આંદોલન કરી શકતો નથી એટલે આપણે તેમની તાકાતને ઓછી આંકવી જોઈ નહીં કારણ માણસ જયારે પોતાની સત્તા ઉપર ગુમાન કરે ત્યારે કુદરતની લાઠી તાકાતવર સાબીત થતી હોય છે કોઈ નીલમને આપણે જેલમાં મોકલી આપીએ, કોઈ અશોક અને નરેન્દ્રસિંહની આપણે જિલ્લા બહાર બદલીએ કરીએ ત્યારે તેનું ગૌરવ નહીં આપણને પોલીસ પરિવારના વડા તરીકે દુખ થવુ જોઈએ કારણ એક પોલીસ સાથે આપણે જયારે કડક વલણ અખત્યાર કરીએ છીએ ત્યારે તેના પરિવારને પણ તેના પરિણામ ભોગવવા પડતા હોય છે.

હમણાં દરેક પોલીસ સ્ટેશનનાં રોજ રાત્રે પોલીસ ઈન્સપેકટરો પોતાના તાબાના સ્ટાફનો રોલ કોલ કરે છે અને તમારે કોઈ પણ પ્રકારે આંદોલન કરવાનું નથી અને સોશીયલ મિડીયામાં કોઈ સ્ટેટસ મુકવાનું નથી તેની સમજ આપે છે, પોલીસ જવાનોને જે સમજ આપવામાં આવે તેની તેમને ખબર છે, પરંતુ આપની કચેરીનો આદેશ છે એટલે રોજ પ્રક્રિયા થાય, સ્કુલમાં ભણતા વિધ્યાર્થીને શિક્ષક કહે કે તારે તોફાન કરવાનું નથી તે પ્રકારની સમજ છે. વિધ્યાર્થી તોફાન કરે નહીં અને અભ્યાસમનાં રસ લેતો થાય તેવી સ્થિતિ ખુદ શિક્ષકે જ નિર્માણ કરવાની હોય છે. વિધ્યાર્થી તોફાન કરે ત્યારે દોષ વિધ્યાર્થીનો નહીં તેને શિક્ષણ આપવામાં થયેલી કમીનો હોય છે, આવુ જ પોલીસનું છે. માત્ર સ્ટેશન ડાયરીમાં ઈન્સપેકટર નોંધ કરશે કે પોલીસ આંદોલન કરશે નહીં તેનાથી પોલીસના પ્રશ્નનો અંત આવવાનો નથી, પોલીસને આપણે મશીન સમજવાને બદલે માણસ સમજીશુ તો અનેક પ્રશ્નનો અંત આપમેળે આવશે.



સરકારનો કોઈ પણ વિભાગ કરતા પોલીસ વધારે કલાક કામ કરે છે અને વિકટ સ્થિતિમાં નોકરી કરે છે, થોડા દિવસ પહેલા જ મેં જોયુ વડાપ્રધાનના બંદોબસ્તમાં કલાકોથી રસ્તા ઉપર ઉભી રહેલી પોલીસના પીવાના પાણીની વ્યવસ્થા તો ઠીક પણ તેમની કુદરતી ક્રિયાની પણ કોઈ વ્યવસ્થા ન્હોતી, ખાસ કરી જે મહિલા પોલીસ છે તેનની સ્થિતિ કફોડી અને શરમજનક હોય છે, આ તેમની નોકરીનો જ હિસ્સો છે, છતાં આપણે તેમના તરફ અસંવેદનશીલ થઈએ તે પણ યોગ્ય નથી. તમારી પાસે હું સંવેદનશીલતાની અપેક્ષા રાખુ તો તે વધારે પડતી નથી તેવુ મને લાગે છે, એટલે જ માત્ર વિનંતી કરી શકુ કે આ દિશામાં શકય એટલુ જલદી પરિણામ આવે અને તમારો પરિવાર ખુશ થાય અને રહે તેવા પ્રયાસ કરજો.



તમારો

- Advertisement -

પ્રશાંત દયાળ


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular