નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં સાયબર ક્રાઈમની (Gujarat Cyber Crime) ટીમ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને ટિપ્પણીઓને લઈ મોનિટરીંગ કરતી રહે છે. આ કામગીરી દરમિયાન સાયબર ક્રાઈમને એક ફેસબુક પોસ્ટ (Facebook Post) જોવા મળી હતી જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi)જાનથી મારી નાખવાની વાત કરવામાં આવી હતી. આ પોસ્ટ મામલે સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી આરોપી ટ્યુશન ક્લાસ સંચાલકની (Nadiad Tuition Manager) ધરપકડ કરી છે.
મળતી વિગતો અનુસાર અમદાવાદ સાયબર ક્રાઈમની ટેક્નિકલ સર્વેલન્સની ટીમને ફેસબુક પર વાંધાજનક પોસ્ટ નજરે ચઢી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીના વિરોધના લખાણ તેમજ જાનથી મારી નાખવાની વાત હતી. સાયબર ક્રાઈમે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરતા માહિતી મળી હતી કે આ પોસ્ટ કરનાર શખ્સ નડિયાદનો છે. આ શખ્સની શોધખોળમાં સાયબર ક્રાઈમને આરોપીનું નામ શેતલ લોલીયાણી હોવાનું જાણવા મળ્યું હતું. માહિતી મળતા જ સાયબર ક્રાઈમની ટીમે આરોપી શેતલ લોલીયાણીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે આરોપી શેતલ લોલીયાણીએ ગત તારીખ 25 માર્ચના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. જે પોસ્ટમાં પ્રધાનમંત્રીને મારી નાખવાની ધમકી સબબની હોવાની સાયબર ક્રાઈમને માહિતી મળી હતી.
મહત્વની વાત છે કે અમદાવાદ સાયબર ક્રાઈમે પકડેલો આરોપી શેતલ લોલીયાણી નડિયાદમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે. તેણે આ પ્રકારની પોસ્ટ શા માટે કરી હતી તે બાબતે પુછપરછમાં સાચો જવાબ આપ્યો ન હોય સાયબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








