નવજીવન ન્યૂઝ, અમદાવાદ : GSRTC નું ‘સલામત સવારી એસટી અમારી’ સૂત્ર કેટલું યોગ્ય છે. રાજ્યમાં નવી એસટી બસોના લોકાર્પણ વખતે હાજરી આપવા આવેલા ધારાસભ્યોએ નિયમોનો સરા જાહેર ભંગ કરીને નવી નક્કોર એસટી બસો હંકારી છે. લોકાપર્ણનો કાર્યક્રમ હવે વિવાદોમાં ઘેરાયો છે. ભૂતકાળમાં પણ રાજકારણીઓએ જાહેરમાં નિયમભંગ કર્યા છે. ધારાસભ્ય પાસે ભલે લાયસન્સ ના હોય તેમ છતાં તે સરકારી બસ ચલાવી શકે છે અને તેમને કહેનારૂં પણ કોઈ નથી. સોશિયલ મીડિયા પર છવાઈ જવા માટે મંત્રીઓથી લઈને સંત્રીઓ સુધી તમામ હંમેશા પ્રયત્નશીલ રહે છે.
લોકાર્પણના ઉત્સાહમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી નવી એસટી બસોનો રવિવારે બાયડ એસટી ડેપો ખાતે લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. બાયડથી બેટ દ્વારકા સુધીની નવી બસ સેવાને બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લીલી ઝંડી આપી હતી. જોકે, લીલી ઝંડી આપ્યા બાદ ધારાસભ્ય પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા હતા અને બસ ચલાવવા લાગ્યા હતા. નવી બસના પ્રસ્થાન સમયે ધારાસભ્ય પોતે સ્ટીયરિંગ સંભાળીને બસ દોડાવતા તેમની તેમજ તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જામકંડોરણાના જયેશ રાદડીયા અને ગીર સોમનાથના વિમલ ચુડાસમાએ બાદ હવે ધવલસિંહ ઝાલા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન મામલે ચર્ચામાં આવ્યા છે.
નેતાઓનો નિયમભંગ, તંત્ર મૌન
છેલ્લાં બે દિવસમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ જ પ્રકારે જાહેર રસ્તા પર એસટી બસ દોડાવીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. સરકારી અધિકારીઓની હાજરીમાં નિયમભંગ કર્યો હોવા છતાં એક પણ વિભાગે કોઈ પણ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી નથી.








