Tuesday, October 14, 2025
HomeGujaratમાધવસિંહ સોંલકીએ ઘરે આવેલા બે યુવાન કાર્યકરોને કહ્યું હતું 'ચા બનાવીને લઈ...

માધવસિંહ સોંલકીએ ઘરે આવેલા બે યુવાન કાર્યકરોને કહ્યું હતું ‘ચા બનાવીને લઈ આવું’- સત્તાની ‘ગુડબાય’ પછી શું

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): રાજકારણમાં આવેલા કોઈ પણ વ્યકિતને ક્યારેક સંગઠનમાં તો ક્યારેક સરકારમાં હોદ્દો લેવાની ઈચ્છા હોય તે સ્વભાવીક ઘટના છે, અને મોટા ભાગના રાજનેતાઓને સમયાંતરે વિવિધ પ્રકારના હોદ્દા અને હોદ્દાની સાથે સંકળાયેલી સત્તાઓ પણ મળી છે. કોઈ પણ હોદ્દા અને સત્તા સુધી પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે છે. તે તો બધા જુવે છે પણ જ્યારે હોદ્દા જાય છે અને હોદ્દા સાથે સંકળાયેલી સત્તાનું પતન થાય છે ત્યારનો કાળ બહુ પીડાકારક હોય છે. કારણ ત્યારે હોદ્દો ગુમાવાનાર નેતા એકલો હોય છે, સતત લોકોના ટોળા અને પોલીસથી ઘેરાયેલા નેતાનો હોદ્દો જાય છે ત્યારે ડૂબતા વાહણને છોડી ઉંદરડા ભાગવા લાગે છે. અહિયા માત્ર રાજકરણીઓની જ વાત નથી, રાજકારણી વગર પણ સરકારી અમલદારો, સામાજીક નેતાઓ અને જરા જુદી રીતે પત્રકારો પણ સત્તા ભોગવે છે. જ્યારે રાજકારણી હોદ્દા ઉપર હોય, સરકારી અમલદાવર નોકરી ઉપર હોય અને ખાસ કરી કોઈ મહત્વની જગ્યાએ હોય ત્યારે તેમની ઓફિસમાં ભીડને કોઈ આમંત્રણ આપવું પડતું નથી, પરંતુ જ્યારે મંત્રી પાસે તેમનો હોદ્દો જતો રહે, સરકારી અમલદારને સાઈડ પોસ્ટીંગ મળે અથવા નિવૃત્ત થાય ત્યારે તેમની પાસે તેમની જાત સિવાય કોઈ હોતુ નથી આમ વર્ષો સુધી લોકોની વચ્ચે રહેવાના કારણે એકલા રહેવાની ટેવ જતી જ રહી હોય છે આ સમય બહુ પીડા આપતો હોય છે.

1995ના અરસામાં કોંગ્રેસની કેન્દ્ર સરકાર સામે બહુ મોટો આરોપ મુકવામાં આવ્યો કે બોફોર્સ તોપની ખરીદીમાં કટકી થઈ છે, આ પ્રકરણમાં તત્કાલીન વિદેશ મંત્રી માધવસિંહ સોંલકીની ભૂમિકા પણ છે. જોકે કોંગ્રેસ અને કેન્દ્રીય નેતાગીરીને બચાવવા માટે માધવસિંહ સોંલકીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વિદેશ મંત્રી તરીકે રાજીનામુ આપી દીધું. વિદેશ મંત્રી હાલના રાજકારણીની જેમ કહી શક્યા હોત કે પહેલા તપાસ કરો, તપાસમાં દોષી ઠરુ તો ફાંસી આપજો, વગેરે વગેરે પરંતુ માધવસિંહે તરત રાજીનામુ આપી તપાસનો સામનો કરવાનો નિર્ણય કર્યો. તેઓ ગુજરાતના પાંચ વખત મુખ્યમંત્રી અને ત્રણ વખત કેન્દ્રીય મંત્રી અને બે વખત પ્રદેશ પ્રમુખ રહ્યા હતા આમ ગુજરાત જ નહીં સમગ્ર કોંગ્રેસમાં આટલી લાંબી સત્તા કોઈ કોંગ્રેસી નેતાએ ભોગવી નહીં હોય. આમ એક દિવસ અચાનક સત્તા છોડી દેવાનો નિર્ણય કર્યો. તે વખતે ગુજરાતના કોંગ્રેસના યુવા નેતા નીતિન શાહને એકદમ વિચાર આવ્યો કે આટલી લાંબી સત્તા ભોગવ્યા પછી માધવસિંહ સોંલકી હવે શું કરશે. માધવસિંહ સોંલકીના કેટલાક લાડકા મિત્રો હતા, જેમાં એક યુવાન મિત્ર પૃથ્વીસિંહ જાડેજા જેમને બધા પૃથ્વી બાવા તરીકે ઓળખતા હતા.

- Advertisement -

નીતિન શાહે પૃથ્વી બાવાને કહ્યું હવે તો માધવસિંહ પાસે તો સત્તા નથી. હવે તે શું કરતા હશે? બાવાએ કહ્યું અરે ચાલ આપણે તેમના દિલ્હીના બંગલે મળવા જઈએ અને નીતિન અને બાવા, માધવસિંહને મળવા તેમના બંગલે ગયા. ડોર બેલ વગાડી અને થોડીવારમાં ખુદ માધવસિંહ સોંલકીએ જ દરવાજો ખોલ્યો. બાવાને જોતા તેમના ચહેરા ઉપર એક ચમક આવી, બાવા અને નીતિનને તેમણે બેસાડયા. બાવાએ તરત પ્રશ્ન ઉપર આવતા કહ્યું આ મારો મિત્ર નીતિન છે, તેને પ્રશ્ન થયો કે સાહેબ આટલા વર્ષ સત્તામાં રહ્યા હવે શું કરતા હશે તે તેને જોવું હતું, માધવસિંહ સોંલકીએ પોતાની સ્ટાઈલ પ્રમાણે પહેલા આંખો બંધ કરી અને આંખો ખોલતા એકદમ ઊભા થયા અને પુછ્યું તમે ચા તો પીવો છોને.. નીતિને આશ્ચર્ય સાથે સાહેબ સામે જોયું, નીતિનની આંખો જોઈ માધવસિંહ સમજી ગયા, તેમણે કહ્યું મારા આખા સ્ટાફને બે દિવસ રજા આપી છે એટલે હું જ ચા બનાવી લાવું છું, થોડીવાર પછી ટ્રેમાં ખુદ માધવસિંહ ચા લઈ આવ્યા.

ચા પીતા પીતા તેમણે ફરી આંખો બંધ કરી નીતિનના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું, વિદેશ મંત્રી તરીકે રાજીનામુ આપી દિલ્હીના સરકારી બંગલો પહોંચ્યો ત્યારે મનમાં થોડીક ખટાશ પણ હતી. પણ તરત શાહબુદ્દીન રાઠોડની કેસેટ મુકી, લગભગ બે ત્રણ કલાક શાહબુદ્દીનભાઈને સાંભળતો રહ્યો. બસ પછી બધુ ભુલી. આમ સત્તા ગુમાવ્યા પછી માધવસિંહ સોંલકી લગભગ અઢી દાયકા જીવ્યા, પણ તે જીંદગીના બાકીના વર્ષો પ્રદેશ સમિતિ આવ્યા જ નહીં, કોઈ કોંગ્રેસી સલાહ લેવા જાય તો જ વાત કરવાની બાકીની જીંદગી તેમણે પુસ્તક વાંચવામાં અને ચાર્લી ચેપ્લીનની ફિલ્મોમાં પસાર કરી. હોદ્દો અને સત્તા ગયા પછી, તેમણે મનમાં કચવાટને સિંચવાનું કામ કર્યું નહીં અને હવે લોકો મને મળવા પણ આવતા નથી તેવો રંજ રાખી દુખી પણ થયા નહીં. એટલુ જ નહીં એનકેન પ્રકારે કોઈ પણ પ્રકારનો હોદ્દો મેળવવાનો પ્રયાસ પણ કર્યો નહીં, આવું પુર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈનું પણ હતું, મુખ્યમંત્રી ના રહ્યા પછી તેઓ ક્યારેય પ્રદેશ સમિતિ આવ્યા જ નહીં, શાહીબાગ ડફનાળા પાસે આવેલા તેમના વ્યકિતગત બંગલાની બહાર ખુરશી નાખી બેસી રહેતા હતા.

આવી સ્થિતિમાં માત્ર રાજકારણી પસાર થાય છે તેવું નથી સરકાર અમલદારો જેમનો આદેશ જીલવા સ્ટાફ તૈયાર રહેતો હોય તેવા અધિકારીનું સાઈડ પોસ્ટીંગ થાય અથવા નિવૃત્ત થાય ત્યારે તેમનો ફોન દિવસમાં એક વખત પણ રણકતો નથી તેમને લાગે છે કદાચ તેમનો ફોન બગડી ગયો છે, આવું જ પત્રકારોનું પણ છે. પત્રકારની નોકરી તો ઠીક પણ મોટા અખબાર અથવા મોટી ચેનલમાંથી નાની સંસ્થામાં જાય તો સામેની વ્યકિતનો વ્યવહાર બદલાઈ જતો હોય છે. આ સ્થિતિ ત્યારે જ પીડાદાયક બને છે જ્યારે ખુરશી અને સંસ્થાને કારણે મળતા માન મરતબાને માણસ પોતાની સિધ્ધી અને તાકાત સમજવા લાગે છે. જેના કારણે તે વ્યકિતગત જીંદગી જીવવાનું બંધ કરે છે, નજીકના મિત્રોને, સંબંધીથી દુર રહે છે અને સત્તા અને સંપત્તિનું નવુ વર્તુળ તૈયાર કરે છે, એટલે રાજકારણી સતત સત્તામાં રહેવાનો પ્રયત્ન કરે છે, અધિકારી નિવૃત્તી પછી પણ પોતાની સેવા સરકાર ચાલુ રાખે તેવો પ્રયત્ન કરે છે અને પત્રકાર જીવનના એક પડાવ પછી મિત્રો સાથે ચાની કીટલી ઉપર ગપ્પા મારવાને બદલે નાહકનો કારણ વગર સચિવાયલના ચક્કર કાપી દુખી થયા કરે છે. પણ જેમને એકલા રહેતા આવડે છે તે રાજનેતા, અધિકારી અને પત્રકાર આવી ઝંઝટથી પોતાની બચાવવામાં સફળ રહે છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular