જીવન અને કારકિર્દી ઘડવાની મથામણ અનેક પરીક્ષાઓ લે છે; અને તેમાં કોઈઆઈએએસ બનવાનું વિચારે ત્યારે તે પડકાર હિમાલયને આંબવા જેવો બની જાય છે. ફિલ્મ અને સિરીયલોમાં આઈએએસ અને આઈપીએસની કહાની અનેકવાર આવી છે; પણ આ વખતે યૂટ્યુબ ‘ટીવીએફ’ચેનલઆઈએએસ બનવાની કહાની લઈને આવ્યું છે. ‘ઍસ્પિરન્ટ :પ્રિ…મેઇન્સ…ઔર લાઇફ’ નામની આ વૅબસિરિઝ જોતજોતમાં યંગસ્ટરોમાં પસંદીદા બની છે.‘ઍસ્પિરન્ટ’માં ઘડિયાળના કાંટે થતી તૈયારી જ નથી દર્શાવી, બલકે તેમાં મિત્રતા અને પ્રેમની કહાની પણ છે. અઘરી પરીક્ષાઓમાંની એક ગણાતી આ પરીક્ષામાં દસ લાખમાંથી માત્ર 180 ઉમેદવારોનું સિલેક્શન થાય છે. આ રેશિયાનો ખ્યાલ દરેક ‘ઍસ્પિરન્ટ’ઉમેદરવાને હોવા છતાં તે હિમાલયી પડકારને સર કરવાઝુકાવે છે; અને સર્જાય છે અનેક કહાનીઓ.
સિવિલ સર્વિસ કેડરની પરીક્ષામાં ઉતીર્ણ થનાર દેશના ઉચ્ચત્તમ પદ પર બિરાજે છે.પદની સાથે-સાથે તે સર્વશ્રેષ્ઠ સુવિધા મેળવે છે. સારું વળતર, માન-મરતબો અને પાવર તેનું પેકેજ છે. મસમોટી જવાબદારી પણ તેમના ખભે મૂકાય છે. સ્વાભાવિક છે કે કોઈ જૉબ તમને આટઆટલું આપે અને સાથે કેન્દ્રમાં કેબિનેટ સેક્રેટરી બનવા સુધીના દ્વાર ખોલી આપે તો સ્પર્ધા થવાની. અને આ સ્પર્ધામાં અતિ પ્રતિભાવાન ઉમેદવારો મેદાનમાં ઉતરે છે. ‘ઍસ્પિરન્ટ’માં યુપીએસસી દ્વારા લેવાતી આ પરીક્ષાનું અથિથી ઇતિ દર્શાવવાનો પ્રયાસ થયો છે.
Advertisement
‘ઍસ્પિરન્ટ’ વૅબ સિરીઝને ઇન્ટરેસ્ટિંગ બનાવવા આઈએએસની પરીક્ષા ઉપરાંતની અનેક બાબતો ગૂંથવામાં આવી છે. આ કથાના મુખ્ય સેતુ છે ત્રણ ‘ઍસ્પિરન્ટ’ની દોસ્તી. આ ત્રણેય અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવે છે અને જ્યાં આઈએએસની કોચિંગ થાય છે તેના કેન્દ્રસમા રાજેન્દ્રનગરમાંતેમનો ભેટો થાય છે. અભિલાષ શર્મા છે તે પોતાની નોકરીમાં રજા મૂકીને આઈએએસ બનવા આવ્યો છે, તેનો આ લાસ્ટ એટેમ્પ્ટ છે. ત્રણેયમાં સૌથી કાચો લાગતો હોવા છતાં તેને કોઈ પણ રીતે આ પરીક્ષા ક્રેક કરવાની છે; અને તે કેમ થઈ શકે તે માટે તે અનેક લોકો સાથે સંવાદ કરે છે. અભિલાષ અને તેની પાડોશમાં રહેતા એક અન્ય ઉમેદવાર સંદીપ ભૈયાનો સંવાદ તો ખૂબ રસપ્રદ રીત ફિલ્માવાયા છે. આ સંવાદમાં આવી પરીક્ષાઓને પહોંચી વળવાની કેટલીક ચાવીરૂપ વાતોની ગૂંથણી થઈ છે.
આ ત્રણની ટોળકીમાં બીજો છે શ્વેતકેતુ ઉર્ફે ‘એસકે’. ત્રણેયમાં આ ઉમેદવાર સૌથી સ્થિર છે. તેને કવિતાનો શોખ છે અને તે પરીક્ષા માટે ગંભીર છે. પરંતુ તેનું સિલેક્શન આઈએએસ માટે થતું નથી.‘ઍસ્પિરન્ટ’ સિરિઝમાં એક સાથે બે સફર સમાંતરે દર્શાવામાં આવી રહી છે. એક આ ત્રણેયનો પરીક્ષા આપવાનો છ વર્ષ અગાઉનો સમય અને બીજો વર્તમાનમાં સમય. ‘એસકે’ આઈએએસ નથી બન્યો એટલે તે પછીથી આઇએએસ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાં ભણાવે છે. કોચિંગ ક્લાફમાં ‘એસકે’ની ફાવટ આવી ચૂકી છે. એ રીતે તે પહેલાં અને પછીની બંને સફરમાં સ્થિર દેખાય છે. ત્રીજો છે ગુરી ઉર્ફે ગુરપ્રીત સિંહ. ગુરી ઉત્સાહી છે પણ તેની પરિવારીક પૃષ્ઠભૂમિએ તેને આ પરીક્ષા આપવા માટે સાવ બેફીકર રાખ્યો છે. હરિયાણામાં તેના પિતાની ફેક્ટ્રી છે, વીસ એકર જમીન છે. આ કારણે તે બિન્દાસ છે.
આ ત્રણેયની દોસ્તીની સાથે પરીક્ષાની તૈયારીની કથાવસ્તુ આગળ વધે છે. પરીક્ષાની પૂર્વતૈયારી, એકબીજાના ફંડાને સમજવા, વિચારોનું આદાનપ્રદાન, એકબીજાની મર્યાદા-જમા બાજુ જોઈને તેનો ઉકેલ કાઢવો, વિષયોની પસંદગી અને સમયનું મૅનેજમેન્ટ એવી અનેક બાબતો આમાં વણી લેવાઈ છે. સંદીપ ભૈયા સાથે અભિલાષ સાથે થતો વાતોનો દોર તો પૂરી સિરિઝનો સૌથી રસપ્રદ હિસ્સો છે. આ ઉપરાંત અભિલાષની એક અન્ય ‘ઍસ્પિરન્ટ’ ધૈર્યા સાથેની પ્રેમ કહાની પણ તેમાં આગળ વધે છે. ધૈર્યા સ્માર્ટ છે, ફોકસ્ડ છે, પેશનેટ છે અને આયોજનબદ્ધ રીતે પોતાની તૈયારી કરી રહી છે. અભિલાષ સાથે તેનો પ્રેમ પાંગરે છે અને તેની સાથે બંને પૂરજોશમાં પરીક્ષાની તૈયારી પણ કરે છે. અભિલાષ તેની તૈયારીમાં ખીલતો જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે અભિલાષ ધૈર્યાને એવું સુદ્ધાં કહી દે છે કે આપણે સંબંધ અહીંયા જ અટકાવીએ. અભિલાષ રાજેન્દ્રનગરનો હવાલો આપીને ધૈર્યાને કહે છે કે આ શહેરમાં સંબંધનો અંત અહીં જ આવી જાય છે,તેથી અત્યારથી જ અલગ થવું બહેતર છે.
જે પરીક્ષા થાય છે તેમાં આ ત્રણેય મિત્રો, ધૈર્યા કે સંદીપ ભૈયા કોઈ જ ઉતીર્ણ થતાં નથી. પછી બધા પોતપોતાની લાઈફમાં ગોઠવાઈ જાય છે. ‘એસકે’ અને ગુરી રાજેન્દ્રનગરમાં જ છે અને અભિલાષ પછીથી આઈએએસને બને છે. આ પૂરી કહાનીમાં બીજા પણ મોડ છે; જોકે તે અહીં લખીને કથાવસ્તુને સ્પોઇલ નથી કરવી.
Advertisement
અભિલાષ, ‘એસકે’ અને ગુરી ત્રણેયની આ કહાનીમાં અનેક એવી બાબત છે જે કોઈના પણ જીવનમાં આવતી પડકારભરી સ્થિતિને પહોંચી વળવા ઉપયોગી બને. જેમ કે,અભિલાષ શરૂઆતમાં માત્ર ને માત્ર દેશની સમસ્યાને વાંચીવંચીને નકારાત્મક વલણ ધરાવતો થઈ જાય છે. ત્યારે તેને કોચિંગ ક્લાસના એક પ્રોફેસર સમજાવે છે : “શું કામ તુ આઈએએસ બનવા માંગે છે? તારા લખાણમાં તું બધે ટીકા જ કરી રહ્યો છે. જ્યાં સમસ્યાના ઉકેલ આપ્યા છે તે પણ જાણે તું ઉપકાર કરતો હોય તેમ લખ્યાં છે. તારા ઉકેલમાં સૌથી મહત્ત્વનો પોઝિટીવ એપ્રોચ તો ક્યાંય દેખાતો નથો.” આગળ પ્રોફેસર અભિલાષને કહે છે કે, તે મનમોહનસિંઘની આધાર યોજનાને સંપૂર્ણપણે નકારી દીધી. તેનો જવાબ વાળતાં અભિલાષ આધારમાં પ્રાઈવેસીના ભંગનો મુદ્દો સામે ધરે છે; ત્યારે પ્રોફેસર તેને સમજ આપે છે કે “તારો એપ્રોચ પ્રાઈવીસીનો ઇસ્યૂ મિનિમાઇઝ કરીને યોજના કેવી રીતે ચાલુ રહે તે હોવો જોઈએ. યોજના લોકો માટે વધુ વિશ્વસનીય બને તે પણ તારો ધ્યેય હોવો જોઈએ. આઈએએસ પાસેથી પોઝિટિવ એપ્રોચ સાથે સોલ્યુશનની અપેક્ષા રાખવામાં આવે છે.”આ એપ્રોચ માત્ર આઈએએસની પરીક્ષામાં નહીં, બલકે જીવનમાં પણ આ જ અપેક્ષા સાથે પરીક્ષા પાસ કરી શકાય.
એ રીતે જ્યારે એક આઈએએસ મહિલા ઑફિસર કોચિંગ ક્લાસમાં વક્તવ્ય આપવા આવે છે અને તે પછી તેમની સાથેનું ક્વેશ્ચન-આન્સર સેશનમાં એક સવાલ પૂછાય છે : “અંતિમ સમય સુધી અમે કેવી રીતે મોટિવેશનને અપ રાખી શકીએ?” ત્યારે તે આઈએએસ કહે છે : “મારાં પણ પરીક્ષામાં ઉતીર્ણ થવામાં ખૂબ એટેમ્પ્ટ થયાં છે. ફીઅર અને ફસ્ટ્રેશન આ સફરના સાથી પ્રવાસીઓ છે. અને તે તો રહેશે જ. તમે તમારા સફર પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારે તમારા પ્રવાસીઓ સાથે વાત કરવાની જરૂર ક્યાં છે.” અંતે એક સવાલ આ મહિલા આઈએએસ ઑફિસરને પૂછાય છે કે, “મેડમ, ખૂબ ફેઇલ એટેમ્પ્ટ બાદ તમને ક્યારેય એવું નહોતું થયું કે હવે પ્રેશર ખૂબ છે, પ્રયાસ છોડી દેવાં જોઈએ.” તેઓ કહે છે : “તમે એક યુવતિ હોવ, રૂઢીચુસ્ત પરિવારમાંથી આવતા હોવ જ્યાં 22 વર્ષની ઉંમરે તમારાં લગ્ન કરાવી દેવામાં આવે, દેશના અતિ પછાત વિસ્તારમાંથી આવતો હોવ, અને તમને અંગ્રેજી પણ આવડતી નથી, ઉપરાંત તમે સતત ફેઇલ થઈ રહ્યા છો. ત્યારે રોજ એવું થતું કે આ બધું જ મૂકી દવું. અને કદાચ ગીવ અપ કરી પણ દેત. નિશ્ચિત જ છોડી દેત. પણ ત્યારે જ મને એક વ્યક્તિએ ખૂબ સરસ વાત કહી. તે વાતે મારો એટિટ્યૂટ 180 ડિગ્રી ફેરવી નાંખ્યો. તે વાત સ્ટોરીના ફોર્મમાં છે, સાંભળો : 1981માં અમેરિકામાં એક પ્રોફેસર હતા, જે સિરામિકનો વિષય ભણાવતા હતા. તેમણે એક પ્રયોગ કર્યો. તેમણે પોતાના ક્લાસના બે ગ્રૂપ કર્યા. અને તેમને દસ દિવસનો સમય આપ્યો. પ્રથમ ગ્રૂપને તેમણે કહ્યું કે તમે એક પરફેક્ટ માટલું બનાવી આપો. માત્ર એક. અને બીજા ગ્રૂપને શક્ય એટલાં વધુ માટલાં બનાવી આપવાનો ટાસ્ક આપ્યો. અને ક્વોલિટીની ચિંતા બિલકુલ ન કરો, એમેય કહ્યું. બંને ગ્રૂપે પોતાનું કામ શરૂ કર્યું. દસ દિવસ બાદ જ્યારે પરિણામ આવ્યું ત્યારે પ્રોફેસર જ હેરાન થઈ ગયા. બીજા ગ્રૂપે પહેલાં ગ્રૂપ કરતાં વધુ માટલાં તો બનાવ્યાં હતા, પણ તેઓનું દરેક માટલાં ખૂબ સરસ હતા અને પરફેક્ટ હતા. હવે આ કેવી રીતે થયું. તો એમાં પ્રથમ ગ્રૂપ એક જ માટલું બનાવવાનું છે તો તે પરફેક્ટ કેવી રીતે બનાવવીએ તેની ચર્ચા કરતો રહ્યો. તેમણે બધો જ સમય ચર્ચામાં ખર્ચી નાંખ્યો. જ્યારે બીજા ગ્રૂપે એક વાર પ્રયાસ કર્યો અને અને ખૂબ ખરાબ માટલાં બનાવ્યાં. તેમણે પછી તેને સુધાર્યા અને ફરી પ્રયાસ કરીને માટલાં બનાવ્યા. તેઓ ફેઇલ થયા અને પણ સાથે સુધારો કરતા ગયા. તેમણે પોતાની ભૂલોમાંથી શીખીને ખૂબ સારાં માટલાં બનાવ્યાં. એટલે જ તમે તમારી ભૂલોથી ડરો નહીં, ભાગો પણ નહીં, પોતાની ભૂલોથી શીખો, પોતાની નિષ્ફળતાથી શીખો અને આગળ વધતા જાઓ.”
Advertisement
યૂટ્યુબ પર વિનામૂલ્યે ઉપલબ્ધ આ ફિલ્મને દરેક ‘ઍસ્પિરન્ટ’ જોવી જોઈએ. આઈએસની તૈયારી કરે છે તેઓ જ નહીં, બલકે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં ઉતીર્ણ થવા માટે આ સિરીઝની અનેક વાતો ગાંઠે બાંધવા જેવી છે.