નવજીવન ન્યૂઝ.કચ્છઃ કચ્છના રાજવી પરિવારને બદનક્ષીના કેસમાં મોટો ફટકો લાગ્યો છે. નખત્રાણા કોર્ટે કચ્છના અંતિમ મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં આવેલો 20 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો રદ કર્યો છે. આ સાથે જ, પોતાને મહારાવના કુંવર તરીકે ઓળખાવતા નલિયાના ઈન્દ્રજીતસિંહ જાડેજાએ કરેલો 4 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ કોર્ટમાં ટક્યો નથી.
આ સમગ્ર મામલો માતાના મઢ ખાતે આવેલા આશાપુરા મંદિરની પત્રીવિધિ સાથે જોડાયેલો છે. વર્ષ 2009માં મહારાવ ત્રીજાએ નલિયાના જુવાનસિંહ જાડેજાને ચામર આપીને પત્રીવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવાએ તેમને અટકાવ્યા હતા. આ ઘટનાથી પોતાની બદનક્ષી થઈ હોવાનું માનીને મહારાવ ત્રીજાએ મહંત વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.
કેસની વિગત:
- મહારાવ ત્રીજા પૃથ્વીરાજસિંહ જાડેજાએ 26 સપ્ટેમ્બર 2009ના રોજ મંદિરના મહંત યોગેન્દ્રસિંહજી બાવા અને અન્ય લોકો વિરુદ્ધ 20 કરોડની બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.
- મહારાવના અવસાન બાદ તેમના પત્ની પ્રિતિદેવી આ કેસમાં વારસદાર તરીકે જોડાયા હતા.
- નલિયાના જુવાનસિંહ જાડેજાએ પણ 4 કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો. તેમના અવસાન બાદ તેમના પુત્ર ઈન્દ્રજીતસિંહ જાડેજા કેસમાં જોડાયા હતા.
મહંતની દલીલો અને કોર્ટનો ચુકાદો:
મહંત યોગેન્દ્રસિંહજી રાજાબાવા તરફથી સિનિયર એડવોકેટ યોગેશ ભાંડારકર અને હનુવંતસિંહજી જાડેજાએ કેસ લડ્યો હતો. તેમણે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે પત્રીવિધિ યોગ્ય વ્યક્તિ દ્વારા થાય તે જોવાની તેમની ફરજ છે. જુવાનસિંહ રાજવી પરિવારમાંથી ન હોવાથી તેઓ પત્રીવિધિ કરી શકે નહીં. આ ઉપરાંત, માનહાનિનો દાવો એક વર્ષની અંદર કરવો જોઈતો હતો, જ્યારે આ કેસ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈને મહારાવ અને જુવાનસિંહના માનહાનિના દાવાને ફગાવી દીધા હતા.
શું હતી વર્ષ 2009ની ઘટના?
વર્ષ 2009માં નવરાત્રી દરમિયાન મહારાવ ત્રીજા ચાચરકુંડમાં સ્નાન કરીને પગે ચાલીને મંદિર તરફ જઈ રહ્યા હતા. તેમણે ચામર પોતાની પાસે રાખવાને બદલે જુવાનસિંહ જાડેજાને આપી હતી, જેનો અર્થ એવો થતો હતો કે જુવાનસિંહ પત્રીવિધિ કરવાના છે. જ્યારે મહારાવ અને જુવાનસિંહ મંદિરમાં પ્રવેશ કરવા ગયા, ત્યારે મહંત યોગેન્દ્ર બાવાજીએ તેમને અટકાવ્યા હતા. આ ઘટનાથી મહારાવને લાગ્યું હતું કે તેમનું અપમાન થયું છે અને સમાજમાં તેમની બદનક્ષી થઈ છે, જેના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.